SURAT

સહકારી આગેવાન દર્શન નાયકે વડાપ્રધાનને પત્ર લખતા સુરત APMCના વહીવટદારોમાં ફફડાટ

સુરત (Surat) : સુરત એપીએમસીના (APMC) સંચાલકો દ્વારા કરાયેલા ગોટાળાઓની (Scam) તપાસ કરીને કલમ 44 અન્વયે વહિવટદારની (Administrator) નિમણુંક કરવા માટે સહકારી અને કોંગ્રેસના (Congress) આગેવાન દર્શન નાયકે વડાપ્રધાન (PM) અને મુખ્યમંત્રી (CM) સહિતનાઓને પત્ર લખીને રજુઆત કરી છે.

દર્શન નાયકે વડાપ્રધાન,મુખ્યમંત્રી અને રાજ્યના ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્રના નિયામિક તથા તકેદારી આયોગને લખેલા પત્રમાં જણાવ્યું છે કે સુરત એપીએમસીના સંચાલકો સામે સને ૨૦૦૯–૨૦૧૦ ના ઓડિટ રિપોર્ટમાં એપીએમસીના વહીવટની સામે ગંભીર આક્ષેપો ઓડિટર મારફત કરવામાં આવેલા અને ખાસ અહેવાલ પણ કરવામાં આવેલ હતો, જેની તપાસ હાલ ૧૨ વર્ષથી પેન્ડિંગ છે તેમજ ફાઈવ સ્ટાર હોટલનો પ્રશ્ન, એફ.એસ.આઈ. નો પ્રશ્ન, સ્ટોલ ફાળવણીનો પ્રશ્ન, કોલ્ડ સ્ટોરેજ બાબતનો પ્રશ્ન, લોગબુક બાબતનો પ્રશ્ન વિગેરે બાબતોની તપાસ અને એ.સી.બી. સુરતમાં પણ આ અંગેની વહીવટી તપાસ હાલમાં પડતર છે. તદ્ઉપરાંત ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ/૨૮૧/૨૧૪ અને એસ.સી.એ. ૨૦૧૫/૨૦૧૨ પણ પડતર છે.

આ તમામ બાબતો ધ્યાને લેતા છેલ્લા ૨૫ વર્ષથી પ્રમુખ તથા તમામ બોર્ડના સભ્યશ્રીઓ બોર્ડની મીટિંગમાં તમામ ડિરેકટરોની સમંતિથી ઉપરોકત વહીવટી નિર્ણયો કરવામાં આવ્યા હતા અને તે અંતર્ગત ૬૫ સ્ટોલ ધારકોને યેનકેન પ્રકારે નોટિસ આપી સ્ટોલોનાં લાયસન્સ રદ કરી શાકભાજીના ગાળાની ફાળવણી બાબતમાં કરોડોમાં કાંદા–બટાકા–લસણના ગાળા લાખો અને કરોડો રૂપિયામાં અન્યોને ફાળવી કરોડો રૂપિયાનું ગેરવહિવટ કરવામાં આવ્યો હતો. એપીએમસીમાં દર વર્ષે ફેબ્રુઆરી માસમાં તમામ જાતના કોન્ટ્રાકટરોના ટેન્ડરો મંજૂર કરવાનું, સ્ટોલો ફાળવવાના કામો મંજુર કરવાના રહેતા હોવા છતાં ત્રણ–ચાર માસ બાદ નાણાંકીય લાભો મળ્યેથી ટેન્ડર મંજુરીના પત્રો તથા સ્ટોલ ફાળવણીના પત્ર ઈસ્યુ કરેલ છે જેની તકેદારી આયોગ મારફત તપાસ કરવાથી સત્ય હકીકત બહાર આવશે એ અંગે ખેડૂતોનાં હીતમાં આમ લોકોનું સ્પષ્ટ મંતવ્ય છે. તે પ્રકારની લેખિત તેમજ મૌખિક ફરીયાદો અગાઉ ખેડૂતો તેમજ અન્યો દ્વારા કરવામાં આવી હતી.

હાલમાં પ્રમુખ અને બોર્ડના જવાબદાર ડિરેકટરો ઘ્વારા સામ-સામા આક્ષેપો કરી સંસ્થાના વહીવટની કામગીરી અંગે જાહેરમાં વહીવટી– બેદરકારી અંગેના આક્ષેપો કરી સંસ્થાના ગેરવહીવટ અંગે જણાવતા હોય ત્યારે ખેડુતો અને સહકારી આલમમાં સમગ્ર બોર્ડની કામગીરી અંગે શંકા ઉપસ્થિત થતા હોય તો તાત્કાલિક અસરથી આ બાબતની ગંભીરતાથી નિષ્પક્ષ તપાસ કરવા માટે વહીવટદારની નિમણુંક કરવી જોઈએ. એપીએમસી સુરતના પ્રમુખે પ્રમુખપદેથી રાજીનામું આપતો પત્ર ઘણાં બધા ગંભીર પ્રકારના કોભાંડો થનાર છે, તેવા આક્ષેપો સહ રાજીનામું આપવાની ફરજ પાડી છે તેવો ગર્ભિત ઈશારો સ્પષ્ટપણે જણાય આવ્યો છે. એટલે કે, પારસી પંચાયતની જમીન સુરતના કોર્મશીયલ વિસ્તારમાં ત્રણ બાજુના રસ્તાને ધ્યાનમાં લઈ સોનાની લગડી સમાન જમીનનાં સોદા અંગે, હયાત માર્કેટ વેચાવાના સોદા અંગે લોકોમાં–ખેડૂતોમાં સહકારી આલમમાં અને તેની સાથે સંકળાયેલા લોકોમાં શંકાકુશંકા અને ચર્ચાઓ ચાલી રહેલ છે.

જેથી ભવિષ્યમાં કાર્યવિસ્તારની સુરત બહાર, હરીપુરા ગામે ફુટ અને અનાજ માર્કેટના નામે જગ્યાની માંગણી કરવામાં આવેલી છે અને ત્યાં માર્કેટ ખસેડવાની ચર્ચાઓને કારણે આ બાબતની ગંભીરતા સમજી ખેડૂતોના હિતમાં હેતુફેર પણ ન થાય અને તે અનુસંધાનમાં જો ભવિષ્યમાં આ પ્રકારની શાકભાજી, ફુટ અને અનાજનું માર્કેટ બનાવવાની શકયતાઓ ઉભી થાય તો એ.પી.એમ. સી.ની સામે પારસી પંચાયતની જમીન જે ભુતકાળના વહિવટકર્તાઓએ એપીએમસીએ ખરીદી હોય તો તેવા કિસ્સામાં આ જગ્યાની સામે ફુટ અને અનાજ માર્કેટ બનાવવી જોઈએ.નવી જમીન ખરીદતી વખતે કરોડો રૂપિયાના ખર્ચમાંથી બચત પણ થાય.

Most Popular

To Top