SURAT

ધોધમાર વરસાદ વચ્ચે ઉકાઈ ડેમમાં પાણીનો ઈનફલો વધતાં સપાટી વધી

સુરત (Surat): સુરત શહેર અને જિલ્લામાં આજે ભારે વરસાદ (Rain) વચ્ચે સિઝનમાં પહેલી વાર ઉકાઈ ડેમમાં (Ukai Dam) નવા પાણીની આવકનો પ્રારંભ થયો છે. છેલ્લા બે દિવસથી હથનુર ડેમમાંથી (Hathnur Dam) પાણી છોડવાનું શરૂ કરવામાં આવતા આજે ઉકાઈ ડેમમાં ઈનફલો ૧૨ હજાર ક્યુસેકની નજીક પહોંચ્યો છે. હાલ ઉકાઈ ડેમની સપાટી ૩૧૫.૬૩ ફુટે પહોંચી છે. જો કે, સુરત શહેર અને જિલ્લામાં હળવા વરસાદી ઝાપટાને બાદ કરતાં મેઘરાજાએ વિરામ લેતાં શહેરીજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

હવામાન (Weather) વિભાગ દ્વારા હજી આગામી બે દિવસ -સુધી સુરત સહિત રાજયમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે સવારથી સુરત શહેરમાં વાદળોની સંતાકુકડી વચ્ચે મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. વરાછા ઝોન -બીમાં વહેલી સવારે વરસાદી ઝાપટાને પગલે ર મીમી વરસાદ નોંધાયો છે. બપોર બાદ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા હતા.

દરમિયાન છેલ્લા એક સપ્તાહથી વરસાદને પગલે શહેરના અને ખાસ કરીને કોટ વિસ્તારમાં મોટા ભાગના રસ્તાઓનું ધોવાણ થઈ જવા પામ્યું છે. આ સ્થિતિને પગલે વધુ એક વાર મહાનગર પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી પર શહેરીજનોએ આક્રોશ વ્યક્ત ર્યોછે. ચંદ્રની સપાટી જેવા બની ચુકેલા રસ્તાઓને કારણે વાહન ચાલકો પણ અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે ત્યારે હવે આગામી દિવસોમાં મનપા દ્વારા યુદ્ધસ્તરે આ રસ્તાઓના રિપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

બીજીતરફ સુરત જિલ્લામાં આજે બારડોલીમાં સાત મીમી, મહુવા અને ઉમરપાડામાં ૧૦- ૧૦મીમી જ્યારે પલસાણામાં ત્રણ અને કામરેજમાં એક મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાયના તાપી જિલ્લાના ડોલવણમાં ૧૦ મીમી, નિઝરમાં આઠ, વ્યારામાં ૯મીમી અને વાલોડ – ઉચ્છલમાં બબ્બે મીમી વરસાદ નોંધાયો છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદ અને હથનુર ડેમમાંથી સતત છોડવામાં આવી રહેલા પાણીને પગલે ચાલુ વર્ષે પહેલી વાર ઉકાઈ ડેમમાં ઈનફૂલોનો પ્રારંભ થયો છે. આજે બપોર સુધી ઉકાઈ ડેમમાં પાણીની આવક ૧૨ હજાર કયુસેક સુધી પહોંચી હતી. ઉકાઈ ડેમમાં ઈનફલોના પ્રારંભ પગલે વહીવટી તંત્ર સહિત સુરતીઓએ પણ વધાવી લીધો છે.

Most Popular

To Top