સંતરામપુર : કડાણા તાલુકામાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ વરસતા જળબંબાકાર અનેક ઘરોમાં પાણી ભરાયા હતાં. આ મુશળધાર વરસાદ વરસતાં અનેક વિસ્તારોમાં ઘરમાં પાણી ઘુસી જતા ઘરવખરી સહિતનો માલસામાન પલળી ગયો હતો. મધરાતે ઘરોમાં પાણી ઘુસી જતા લોકો અપાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રાતભર ઉજાગરા કરી ઘરની બહાર પાણી કાઢવા મથામણ કરવી પડી હતી. કડાણામાં વરસાદ મુસીબત બનીને આવ્યો હોય તેમ મોટા ભાગના ઘરોમાં પાણી ઘુસી ગયાં હતાં. તાલુકાના દીવડા કોલોની સરકારી વસાહતમાં આવેલા પોલીસ સ્ટેશન સામેના રહેણાંક વિસ્તારમાં ચાર ફૂટ પાણી ઘરો સુધી પહોંચી જતા અનેક ઘરોની ઘરવખરી પલળી ગઈ હતી.
વસાહતમાં વરસાદી પાણીના નિકાલનો માર્ગ બંધ થઈ જતા ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા. જોકે મામલતદારને આ બાબતે જાણ મળતા મોડી રાત્રે પાણીમાં ગરકાવ થયેલા વિસ્તારોની મુલાકાત લીધી હતી અને જે વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં છે તે વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી બાંહેધરી આપી હતી. તાલુકાના ઠાકોરના નાધરા ગામમાં ઘરોમાં ઘૂંટણ સમા પાણી ભરાતા મામલતદાર ને રજુઆત કરવામાં આવી. કડાણા તાલુકા પંચાયત રહેણાંક વિસ્તાર અને એપીએમસી કાર્યાલય બેટમાં ફેરવાઈ ગયું.
જ્યારે કડાણા વિશ્રામ ગૃહ પાસે દિવાલ ધરાશાયી થઈ હતી. કડાણા ગામમાં એક અને છત્રપુરા ગામમાં એક મકાનની દિવાલ તુટી હોવાનો ઘટના સામે આવી હતી. દીવડા કોલોની ખાતે વરસાદી પાણીના નિકાલ માટે વહેલી સવારે મામલતદાર દ્વારા તંત્રને તાકીદ કરવામાં આવતા માર્ગ અને મકાન વિભાગ તેમજ સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી.
કડાણા ડેમ માં હાલ પાણીની આવકમાં ધીમે ધીમે વધારો થતો જોવા મળી રહ્યો છે. હાલ પાણીની સપાટી 380 ફુટ 4 ઈંચ નોંધાઇ છે. આ ડેમમાં હાલ પાણીની આવક 7488 કયુસેક છે. આ આવકના પગલે કડાણા હાઈડ્રો પાવર પ્રોજેકટના વિજ ઉત્પાદન માટેની પાણીની ડીમાન્ડ મુજબનું પાણી 4500 કયુસેક પાણી અપાઇ રહ્યું છે. સંતરામપુર તાલુકામાં ચોમાસાની સીઝનનો અત્યાર સુધીનો કુલ વરસાદ 169 મિમી નોંધાયો છે.
ખાનપુર પંથકમાં વરસાદનું આગમન થતા ગરમીથી રાહત મળી
ખાનપુર પંથકમાંમાં વરસાદની શરૂઆત થતાં ગરમીથી પરેશાન થઈ ગયેલા લોકોને રાહત મળી હતી. જોકે, પવન અને વરસાદની શરૂઆત થતાં જ વિજળી ગુલ થઈ ગઈ હતી. સીઝનનો પહેલો વરસાદ વરસતા ચોમાસાની શુભ શરૂઆત થયાનો અહેસાસ સૌ કોઇ અનુભવ્યો હતો. સાંજના વાતાવરણમાં અચાનક પલટો આવેલ ને આકાશ વાદળોથી છવાયેલું અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા ધરતીપુત્રોમાં હરખની લાગણી જોવા મળી હતી.
આણંદમાં વીજળીના કડાકા અને ગડગડાટ વચ્ચે બે ઇંચ વરસાદ
આણંદ : આણંદ શહેર સહિત જિલ્લામાં બુધવારની મોડી રાત્રે ગાજવીજ અને વિજળીના કડાકા સાથે ધમાકેદાર વરસાદ વરસ્યો હતો. વ્હેલી સવાર સુધી ચાલેલા આ વરસાદમાં સરકારી ચોપડે બે ઇંચ નોંધાયો છે. પરંતુ રાતભર ચાલેલા ગડગડાટથી શહેરીજનો પણ ભરઉંઘમાંથી જાગી ગયાં હતાં. આ વરસાદના પગલે ખેડૂતો પણ ખુશ થયા છે અને વાવણી માટે તૈયારી હાથ ધરી છે.
આણંદ શહેર સહિત મધ્ય ગુજરાતમાં 10મી જુલાઇ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેના પગલે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આણંદ શહેર અને જિલ્લામાં બુધવાર વ્હેલી સવારથી જ વાદળછાંયુ વાતાવરણ અને ક્યાંક ક્યાંક વરસાદના છાંપટા શરૂ થઇ ગયાં હતાં. પરંતુ મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ વરસાદે જોર પકડ્યું હતું. જોતજોતામાં વરસાદે તેનું તોફાની સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ઉપરા છાપરી વાદળોની ગર્જના વચ્ચે ધમાકેદાર વરસાદ શરૂ થઇ ગયો હતો. જે ગુરૂવારની વ્હેલી સવારના છ વાગ્યા સુધી ચાલ્યો હતો. આ ગાળામાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેના કારણે શહેરના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવા ઉપરાંત પાલિકાએ ખોદકામ કરેલા રસ્તા પર કાદવનું સામ્રાજ્ય છવાઇ ગયું હતું. આ સ્થિતિમાં વ્હેલી સવારે રોજદાર – ધંધા માટે નિકળેલા શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.