આપણે બધાએ ઘણીવાર સાંભળ્યું છે કે ગાય ઘાસ ખાય અને પછી દૂધ આપે. ઘાસ કરતા દુધની કિંમત વધારે. દૂધમાં મેળવણ નાખતાં દહીં બને. દૂધ કરતા દહીંની કિંમત વધારે. દહીંને મથવાથી માખણ છુટું પડે. દહીં કરતા માખણની કિંમત વધારે. માખણને ગરમ કરીએ તો તપીને તે ઘી બને અને માખણ કરતા ઘીની કિંમત વધારે. આ ઉદાહરણ આપણે ઘણીવાર સાંભળ્યું છે અને કહ્યું પણ હશે કે મૂળ એક હોવા છતાં જેમ જેમ તમે મહેનત કરો, રૂપ બદલાય અને કિંમત વધતી જાય અને ગુણ પણ વધતા જાય.
આજે આ જ ઉદાહરણ વિષે થોડું વધુ ઊંડાણમાં વિચારીએ. દૂધ બહુ ગુણકારી છે પણ તે માત્ર 1 કે 2 દિવસ માટે કામ આવે છે, પછી તે ખરાબ થઈ જાય છે. દુધમાં મેળવણ નાખતાં દહીં બને. તે દહીં 2 થી 3 દિવસ ઉપયોગમાં લઈ શકાય પછી તે ખરાબ થઈ જાય. તેવી જ રીતે દહીંનું મંથન કરી જે માખણ બનાવીએ તે 4 થી 5 દિવસ સારું રહે પછી નહીં. પણ જો તે માખણને ધીમી આંચ પર ઉકાળીએ તો તે સફેદ માખણ સોનેરી ઘી બની જાય અને આ ઘી વર્ષો વર્ષ ટકે, બગડે નહિ. એક જ દિવસમાં બગડી જનાર દુધની અંદર જ ક્યારેય ન બગડે તે ઘી છુપાયેલું છે. જો દૂધ એક રાતની મેળવણ બાદ દહીં બનવાની પ્રક્રિયા, દહીંને વલોવીને માખણ બનવાની પ્રક્રિયા અને માખણમાંથી ઘી બનવા માટે આગ પર ઉકળવાની પ્રક્રિયામાંથી જ્યારે દૂધ પસાર થાય છે ત્યારે તે ન બગડનાર ઘી બની શકે છે.
જેમ દુધમાં ઘી છુપાયેલું છે તેવી જ રીતે આપણા મનની અંદર અથાગ શક્તિઓ રહેલી છે. આપની અંદર શક્તિઓ છે તેને ઓળખ્યા વિના જ આપણે 1 – 2 પ્રયત્નોમાં જ આગળ વધવાનું છોડી દઈએ છીએ અને થાકીને હારીને બેસી જઈએ છીએ. જેમ દૂધ 1 કે 2 દિવસમાં બગડી જાય, તેમ આપણે 1 કે 2 પ્રયત્નોમાં નિષ્ફળતા મળે તો હારીને નિરાશ થઈ જઈએ છીએ અને જીવન બગડી જાય છે. આપણે પહેલા જ પ્રયત્નમાં પાછા પડીને હારી જવાનું નથી. કયા ભૂલ થઈ તે શોધી વધુ આવડત અને અભ્યાસનું મેળવણ નાખી એક ડગલું આગળ વધવાનું છે. નવેસરથી મહેનત કરવાની છે. સતત મહેનત અને સકારાત્મક વિચારો સાથે મંથન કરી વિકાસ સાધવાનો છે અને જીવનને પ્રયત્નો, મહેનત ,પરિશ્રમ, તકલીફો, કસોટીઓ દ્વારા એટલું તપાવવાનું છે કે એક નિષ્ફળતામાં હારી જનાર વ્યક્તિમાંથી આપણે કદી કોઇ પણ પરિસ્થિતિમાં ક્યારેય ન હરનાર યોદ્ધા બની જઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે