વાપી : વાપીના (Vapi) મુખ્ય બજારમાં પુષ્પમ્ જ્વેલર્સની દુકાનમાં (Shop) પાછળની બીજી દુકાનમાંથી દીવાલમાં બાકોરું પાડીને તસ્કરો 20 કિલો ચાંદી (Silver) ચોરી ગયા હતા. થોડા દિવસ પહેલાં જ પુષ્પમ્ જ્વેલર્સની પાછળની દુકાન મુંબઈના (Mumbai) ત્રણ શખ્સોએ ચટાઈ રાખવાના ગોડાઉન તરીકે ભાડે રાખી હતી. જ્વેલર્સની ચોરીની ઘટનાને પગલે વાપી ટાઉન પોલીસ (Police) દોડતી થઈ ગઈ હતી. વાપી ટાઉન પોલીસ તેમજ જિલ્લા પોલીસની ગુના શોધક ટીમ દ્વારા સીસીટીવીના (CCTV) ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે. વાપી ટાઉનમાં જે પ્રકારે જ્વેલર્સની આખી દુકાન તસ્કરોએ ઠંડા કલેજે ચોરી કરી સફાચટ કરી દીધી તે જોતા તસ્કરો રીઢા ચોર હોય તેવું લાગી રહ્યું છે.
જ્વેલર્સની પાછળની દુકાન ભાડે રાખી દીવાલમાં બાકોરું પાડીને તસ્કરો 65 લાખના દાગીના ચોરી ગયા
વાપી ટાઉનમાં પુષ્પમ્ જવેલર્સમાં તેની પાછળની દુકાન ભાડે રાખી બાકોરું પાડીને તસ્કરો રાત્રે દુકાનમાં ઘુસ્યા હતા. પુષ્પમ્ જ્વેલર્સના સંચાલક પિયૂષ મગનલાલ જૈન દ્વારા વાપી ટાઉન પોલીસ મથકમાં જે ફરિયાદ આપવામાં આવી છે. તેમાં સવા કિલો સોનું તેમજ 20 કિલો ચાંદીની ચોરી થઈ હોવાનું જણાવ્યું છે. તે પ્રમાણે લગભગ 65 લાખની ચોરી થઇ હોવાનું જણાયું છે. જોકે જ્વેલર્સની દુકાનમાંથી જે પ્રકારે ચોરી થઈ છે તે જોતા ચોરીનો આંક વધુ હોવાનું પણ ચર્ચામાં છે.
ગુરુવારે એક તરફ જોરદાર વરસાદ લાગ્યો હતો ત્યારે જ પુષ્પમ્ જ્વેલર્સમાં ચોરીનો મામલો સામે આવ્યો હતો. જોકે વાપી ટાઉન પોલીસ મથકથી લગભગ 200 મીટરના અંતરે છે. જ્યાં પોલીસના પહોંચ્યા બાદ સીસીટીવી કેમેરાના ફૂટેજ તથા આસપાસના લોકો પાસેથી જાણકારી મેળવી પોલીસે તપાસ શરૂ કરી છે. બીજી તરફ જ્વેલર્સની દુકાન સાથે લાગુ પાછળની દુકાન વલસાડના માલિકની હોવાનું જાણવા મળ્યું છે. જે પુના ગયો હોવાથી આ દુકાન કોને ભાડે આપી હતી. તેની વિગતો પોલીસ હજી મેળવી રહી છે. આમ દુકાનનું તાળું કે શટર તોડવા વગર જ દુકાનની દીવાલમાં બાકોરું પાડીને થયેલી મોટી રકમની મતાની ચોરીથી વાપી પંથકમાં ભારે ચકચાર મચી છે. પોલીસ માટે આ ચોરીનો બનાવ પડકારરૂપ છે.
મુંબઈના ત્રણ શખ્સોએ દુકાન ભાડે રાખી હતી
વાપીના પુષ્પમ્ જ્વેલર્સની ચોરીની ઘટનાથી પોલીસ પણ ચોંકી ગઈ છે. પુષ્પમ્ જ્વેલર્સની પાસેની દુકાન 200 દિવસ પહેલા જ મુંબઈના ચટાઈના વેપારી બનીને આવેલા તસ્કરોએ ભાડેથી રાખી હતી. આ દુકાનનો તેઓ ગોડાઉન તરીકે ઉપયોગ કરતા હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ રાત્રે દુકાની દીવાલમાં બાકોરું પાડીને તેમાંથી પુષ્પમ્ જ્વેલર્સમાં પ્રવેશ કરીને રાત્રે સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. સવારે જ્વેલર્સના સંચાલકો દુકાને આવ્યા ત્યારે ચોંકી ગયા હતા. તેમણે પોલીસને જાણ કરી હતી. પરંતુ આ મુંબઈથી વેપારી બનીને આવેલા એ ત્રણ શખ્સ કોણ ? તે દિશામાં હમણાં તો પોલીસે તપાસ શરૂ કરી છે.
સીસીટીવી ફૂટેજ તથા એફએસએલની ટીમથી તપાસ
વાપી ટાઉનમાં પુષ્પમ્ જ્વેલર્સમાં થયેલી મોટી ચોરીની તપાસમાં વાપી ટાઉન પોલીસ ઉપરાંત લોકલ ક્રાઇમ બ્રાંચ તથા એસઓજીની જિલ્લા પોલીસની ગુના શોધક શાખાઓએ પણ તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝબ્બે કરવા પોલીસે કવાયત હાથ ધરી છે. પોલીસે એફએસએલની ટીમની પણ મદદ લીધી હતી. આ ચોરીમાં કોણ સામેલ છે તેની તપાસ પોલીસે શરૂ કરી દીધી છે.
નવી એમઓથી ચોરીને અંજામ અપાયો
વાપી ટાઉનમાં પુષ્પમ્ જ્વેલર્સમાં થયેલી 65 લાખની ચોરીની ઘટનાથી તસ્કરોની નવી એમઓ(મોડેસ ઓપરેન્ડી) સામે આવી છે. શટર કે દુકાનના તાળાં તોડીને થતી ચોરીને બદલે બાજુની દુકાન ભાડે રાખી દીવાલમાં બાકોરું પાડીને તસ્કરોએ આ ચોરીને અંજામ આપ્યો છે. જે નવી એમઓ હોવાનું લાગે છે. જોકે દુકાન ભાડે રાખનારાઓ સુધી પોલીસ પહોંચશે પછી બીજી વિગતો જાણી શકાશે.