Sports

ઇંગ્લેન્ડની ટીમને અનેરી ઉંચાઇએ પહોંચાડનારો કેપ્ટન એટલે ઇયોન મોર્ગન

ક્રિકેટની રમતમાં એક શ્રેષ્ઠતમ ઉક્તિ છે કે ટીમનો સર્વશ્રેષ્ઠ ખેલાડી કેપ્ટન નથી હોતો, પણ કેપ્ટન તે હોય છે જે પોતાની ટીમના ખેલાડીઓ પાસેથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કેવી રીતે કરાવવું તે જાણે છે, આ વાક્ય ઈંગ્લેન્ડના કેપ્ટન ઈયોન મોર્ગન સાથે એકદમ ફિટ બેસે છે. મોર્ગને વર્તમાન ફોર્મ સારું ન હોવાને કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી. 2021 પછી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેણે 48 ઈનિંગ્સમાં માત્ર એક જ અડધી સદી ફટકારી છે. આ સિવાય નેધરલેન્ડ સામેની તાજેતરની બે ઇનિંગ્સમાં તે એક પણ રન બનાવી શક્યો ન હતો, અને તે પછી તેણે ક્રિકેટને હંમેશ માટે અલવિદા કરી દેવાનું મન બનાવી લીધું હતું. આયર્લેન્ડના ડબલિનમાં 10 સપ્ટેમ્બર 1986ના રોજ જન્મેલા મોર્ગનને બાળપણથી જ ક્રિકેટ રમવાનો શોખ હતો. 20 વર્ષની ઉંમરે મિડલસેક્સ કાઉન્ટી ક્રિકેટ ક્લબમાં જોડાનાર મોર્ગને પહેલા આયર્લેન્ડ માટે ક્રિકેટની શરૂઆત કરી અને તે પછી ઈંગ્લેન્ડ ક્રિકેટ સાથે જોડાયો હતો.

2006માં આયર્લેન્ડ માટે વન ડે ડેબ્યૂ કર્યું
2006 માં, 20 વર્ષની ઉંમરે, મોર્ગને આયર્લેન્ડ વતી સ્કોટલેન્ડ સામે તેનું વન ડે ડેબ્યૂ કર્યું હતું. આ મેચમાં મોર્ગને 99 રનની ઇનિંગ રમી હતી. તેણે તેની પ્રથમ સદી 4 ફેબ્રુઆરી 2007ના રોજ નૈરોબીમાં કેનેડા સામે ફટકારી હતી. અને તે 2007 ક્રિકેટ વર્લ્ડ કપમાં આયર્લેન્ડ તરફથી રમવા આવ્યો હતો.

2009માં ઈંગ્લેન્ડ તરફથી T-20 ડેબ્યૂ કર્યું
2009 માં, તેણે મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે ઇંગ્લેન્ડ માટે T-20 મેચમાં ડેબ્યૂ કર્યું હતું. તે સમયે તેની ઉંમર માત્ર 23 વર્ષની હતી. એક વર્ષ પછી તેને ઇંગ્લેન્ડ વતી ટેસ્ટ રમવાની તક મળી હતી અને તેણે બાંગ્લાદેશ સામે ઇંગ્લેન્ડ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.

મોર્ગન માટે કેપ્ટનશીપની શરૂઆત
મોર્ગનને 2015 વર્લ્ડ કપ પહેલા ઈંગ્લેન્ડની વન ડે ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. તે સમયે ઈંગ્લેન્ડની ટીમ તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી હતી. ઇસીબીને વિશ્વાસ હતો કે મોર્ગન ટીમમાં પ્રાણ ફૂંકી શકે છે. પરંતુ 2015 વર્લ્ડ કપની સીઝન ટીમ માટે દુઃસ્વપ્નથી ઓછી ન હતી. તે વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડની ટીમ તેના ગ્રુપમાં 5મા નંબર પર હતી. ઇંગ્લેન્ડે માત્ર બે જ જીત મેળવી હતી તે પણ સ્કોટલેન્ડ અને અફઘાનિસ્તાન જેવી ટીમો સામે, તે સિવાય તે કોઇ મેચ જીતી શક્યું નહોતું.

વ્હાઇટ બોલ ક્રિકેટમાં ઈંગ્લેન્ડની ટીમનો ઉદય
2015 વર્લ્ડ કપની નિષ્ફળતાઓએ મોર્ગનને અંદરથી હચમચાવી નાખ્યો અને તેણે એક એવી ટીમ બનાવવાનું નક્કી કર્યું જે નિર્ભય વલણ સાથે આગળ વધે. ઘણા સિનિયર ખેલાડીઓને દરવાજો બતાવી દેવામાં આવ્યો હતો અને યુવાનોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. તેણે પોતાના યુવા ખેલાડીઓને મુક્તપણે રમવાની છૂટ આપી. ટૂંક સમયમાં જ તેના પ્રયત્નો ફળવા લાગ્યા અને ટીમ અલગ અંદાજમાં દેખાવા લાગી. તેની અસર 2018 માં દેખાઈ જ્યારે ટીમ પાંચ વર્ષમાં પ્રથમ વખત વિશ્વ રેન્કિંગમાં ભારતને પછાડીને નંબર વન સ્થાને પહોંચી ગઇ હતી.

4 વર્ષમાં જમીનેથી આકાશી ઉંચાઇ સુધીની સફર
જે ટીમ 2015 વર્લ્ડ કપમાં ક્વાર્ટર ફાઇનલમાં ન પહોંચી શકી તે 2019 વર્લ્ડ કપમાં સૌથી મોટી દાવેદાર તરીકે ઉભરી આવી. આ મોર્ગનની કેપ્ટનશિપનો પુરાવો કહી શકાય. વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન વિરૂદ્ધ 48 બોલમાં 148 રનની તેની વિસ્ફોટક ઇનિંગને કોઈ ભૂલી શકે નહીં જેમાં તેણે 16 સિક્સર ફટકારી હતી. એટલું જ નહીં પરંતુ ટીમના બાકીના બેટ્સમેનોનો પણ આવો જ અભિગમ હતો, જેના પરિણામે મોર્ગનની કેપ્ટનશીપમાં ટીમે ન્યૂઝીલેન્ડને હરાવીને 44 વર્ષના દુકાળનો અંત લાવીને પ્રથમ વખત વર્લ્ડ ટાઇટલ જીતીને ઈતિહાસ રચ્યો હતો.

મોર્ગનની ક્રિકેટ કારકિર્દી
ઇયોન મોર્ગને 248 વન ડે, 16 ટેસ્ટ અને 115 T-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં અનુક્રમે 7,701, 700 અને 2,458 રન બનાવ્યા છે. વનડેમાં તેના નામે 14 સદી; ટેસ્ટમાં 47 અર્ધસદી, 2 સદી; ટી-20માં 3 અડધી સદી અને 14 અડધી સદી છે.
મોર્ગન જેવું કોઈ નથી
સુકાની તરીકે, તેણે ઇંગ્લેન્ડ માટે 126 મેચમાંથી 76 અને T20I માં કેપ્ટન તરીકે 72 માંથી 42 મેચ જીતી છે. વનડેમાં તેની જીતની ટકાવારી 62.25 છે જ્યારે ટી20માં 60.56 ટકા છે જે કેપ્ટન તરીકે એક રેકોર્ડ છે. આ સિવાય તે એકમાત્ર એવો ક્રિકેટર છે જેના નામે બે અલગ-અલગ દેશો માટે સદી ફટકારવાનો રેકોર્ડ છે. 2011માં વિઝડન ક્રિકેટર ઓફ ધ યર તરીકે નામ આપવામાં આવ્યું તે ઉપરાંત, તેણે 2019ના વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડને ચેમ્પિયન બનાવ્યું અને 2016માં ટી20 વર્લ્ડ કપમાં રનર્સ અપ અને 2022માં સેમીફાઈનલ સુધીની સફર કરી.

Most Popular

To Top