Sports

3 દિવસ સુધી ડ્રાઇવીંગ સીટ પર રહેવા છતાં ભારત આ પાંચ કારણોને લીધે પાંચમી ટેસ્ટ હાર્યું

ભારત સામેની પાંચમી ટેસ્ટના ચોથા દાવમાં જોની બેયરસ્ટો અને જો રૂટની જોડીએ ઇંગ્લેન્ડની ટીમને ઐતિહાસિક જીત અપાવી ત્યારે મોટાભાગના લોકોને આશ્ચર્યનો આંચકો લાગ્યો હતો. કારણ ઈંગ્લેન્ડ તેના 145 વર્ષના ક્રિકેટ ઈતિહાસમાં ક્યારેય આટલો મોટો લક્ષ્યાંક હાંસલ કરી શક્યું નહોતું. એજબેસ્ટન મેદાનમાં પણ કોઈ ટીમ આવો કરિશ્મા કરી શકી ન હતી, પરંતુ બી કંપની એટલે કે કોચ બ્રેન્ડન મેકકુમુલ અને કેપ્ટન બેન સ્ટોક્સની જુગલબંધી તેમજ બેયરસ્ટો અને રૂટની નિર્ભિક બેટીંગે ભારતના જડબામાંથી જીત છીનવી લઇને ઇંગ્લેન્ડને ટેસ્ટ જીતાડી દીધી. આ ટેસ્ટમાં ભારતના પરાજયના પાંચ મુખ્ય કારણો છે. એક તો ટીમ ઇન્ડિયાને તેનો ઓવર કોન્ફીડન્સ ભારે પડી ગયો, બીજુ જસપ્રીત બુમરાહનો કેપ્ટનશિપ કરવાનો નહીવત અનુભવ આડે આવ્યો, તો સાથે જ નબળી ફિલ્ડીંગ પણ આ હાર માટે એટલી જ જવાબદાર બની. વળી બોલરો પાસે બેયરસ્ટો અને રૂટની જુગલબંધી તોડવા માટે કોઇ ઉપાય નહોતો.

એજબેસ્ટન ટેસ્ટમાં ભારતીય ટીમે મૂકેલા 378 રનના લક્ષ્યાંકને ચેઝ કરીને ઇંગ્લેન્ડે પોતાની ટેસ્ટ ઇતિહાસની સૌથી મોટી જીત મેળવી હતી. આ પહેલા ઇંગ્લેન્ડે 2019માં ઓસ્ટ્રેલિયા સામે 359 રનનો લક્ષ્યાંક ચેઝ કરીને જીત મેળવી હતી, જે તેમની સૌથી મોટી જીત રહી હતી. ઇંગ્લેન્ડે આ સાથે જ ભારત સામે સૌથી મોટો રનચેઝ કરીને ટેસ્ટ જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલા ઓસ્ટ્રેલિયાના નામે એ રેકોર્ડ હતો, જેણે 1977માં ભારત સામે 339 રનનો રનચેઝ કરીને જીત મેળવી હતી. એજબેસ્ટનના મેદાન પર પણ ટેસ્ટમાં આ સૌથી મોટો રનચેઝ રહ્યો હતો. આ પહેલા આ મેદાન પર સૌથી મોટા રનચેઝનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના નામે હતો, જેણે 2008માં ઇંગ્લેન્ડ સામે 281 રનનો ચેઝ કર્યો હતો. ઇંગ્લેન્ડે 1999માં ન્યૂઝીલેન્ડ સામે આ મેદાન પર 208 રનનો ચેઝ કર્યો હતો. ભારતીય ટીમ 350થી વધુનો લક્ષ્યાંક આપીને પહેલીવાર ટેસ્ટ હારી હતી, ભારતની આ હાર માટે પાંચ મહત્વના કારણો જવાબદાર રહ્યા હતા.

ઓવક કોન્ફીડન્સ ભારતને ભારે પડી ગયો
ટેસ્ટ ક્રિકેટમાં ટાઇમિંગ સૌથી મહત્વનું છે. આ પાંચ દિવસીય ફોર્મેટમાં મેચોએ સેશન બાય સેશન સારો દેખાવ કરવો જરૂરી હોય છે. ચોથા દિવસ સુધી મેચ ભારતની પકડમાં હતી, પરંતુ કદાચ આ જ વાત હારનું કારણ બની ગઈ. બીજા દાવમાં ભારતીય બેટ્સમેનોએ બેજવાબદાર શોટ રમીને પોતાની વિકેટો ફેંકી હતી. જો ટીમ ઈન્ડિયાએ ટી સુધી બેટિંગ કરીને પોતાનો દાવ ડિકલેર કર્યો હોત તો ઈંગ્લેન્ડને ટાર્ગેટનો પીછો કરવા માટે ઓછો સમય મળ્યો હોત. પરંતુ એવું ન થયુ અને સ્કોરબોર્ડ પર પૂરતા રન હતા, પરંતુ ઇંગ્લીશ ટીમ પાસે તેનો પીછો કરવા માટે પુષ્કળ ઓવર હતી. કોચ બ્રેન્ડન મેક્કુલમની ક્રિકેટની આક્રમક શૈલી અહીં કામ કરી ગઇ અને ભારતને તેનો ઓવર કોન્ફીડન્સ ભારે પડી ગયો.

જસપ્રીત બૂમરાહની બિનઅનુભવી કેપ્ટનશીપ
ઇંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ મેચના થોડા દિવસો પહેલા કેપ્ટન રોહિત શર્માનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે પછી ભારતીય ટીમ મેનેજમેન્ટે ઉતાવળમાં જસપ્રીત બુમરાહને ટીમનો લીડર બનાવી દીધો હતો. અગાઉ, જસ્સીએ તેની સમગ્ર કારકિર્દીમાં ક્યારેય ક્લબ ક્રિકેટમાં પણ કેપ્ટનશિપ કરી ન હતી. મોટા મંચ પર તેની બિનઅનુભવ સ્પષ્ટ દેખાઇ રહ્યો હતો. ન તો તે બોલિંગમાં યોગ્ય ફેરફાર કરી શક્યો કે ન તો અસરકારક ફિલ્ડ સેટિંગ તે કરી શક્યો હતો. વિકેટો પડવા છતાં ઇંગ્લિશ બેટ્સમેનોએ સરળતાથી રન બનાવવાનું ચાલુ રાખ્યું હતું. તેમાં વળી સરળ સિંગલ્સ મળતા રહેવાના કારણે ભારત પર દબાણ ઊભું થઈ ગયું. શુભમન ગીલ અને શ્રેયસ અય્યર જેવા સારા સ્લીપ ફિલ્ડર હોવા છતાં હનુમા વિહારીને સ્લીપમાં ઊભો રાખીને કરાયેલી ભુલ પણ ભારતને ભારે પડી હતી.

ભારતની નબળી ફિલ્ડિંગ, રૂટનો કેચ છોડવાનું ભારે પડ્યું
આ ટેસ્ટ મેચમાં ભારતની ફિલ્ડિંગ નબળી રહી હતી. બેન સ્ટોક્સ પ્રથમ દાવમાં બે કેચ છોડવામાં આવ્યા હતા. સદી ફટકારનાર જોની બેયરસ્ટો અને જો રૂટને પણ બીજી ઇનિંગ્સમાં એક એક જીવતદાન આપવામાં આવ્યા હતા, જે અંતે તો ભારતને મોંઘા જ પડ્યા હતા. રૂટ 14 રને રમી રહ્યો હતો ત્યારે મહમંદ સિરાજના બોલે હનુમા વિહારીએ સ્લિપમાં કેચ છોડ્યો હતો. તે પછી બેયરસ્ટો જ્યારે અંગત 39 રને રમચો હતો ત્યારે તેનો કેચ ઋષભ પંતે છોડ્યો હતો અને અંતે આ બંને બેટ્સમેન જ ઇંગ્લેન્ડને જીતાડી ગયા હતા.

બોલીંગ આક્રમણમાં પણ જસપ્રીત બુમરાહ એકલો પડી ગયો
આ ટેસ્ટમાં ઇંગ્લેન્ડના બીજા દાવમાં જસપ્રીત બુમરાહ ભારત માટે એકલા હાથે લડતો જોવા મળ્યો હતો. તેણે બીજા દાવમાં ત્રણમાંથી બે વિકેટ ઝડપી હતી. લીસ રન આઉટ થયો. ઓપનર જેક ક્રાઉલી અને એલેક્સ લીસે પ્રથમ વિકેટ માટે 107 રન જોડ્યા હતા. કેપ્ટન બુમરાહે નવા બોલ સાથે થોડી કમાલ કરી અને ચાર ઓવરમાં ભારતને ત્રણ વિકેટ મળી. ચોથા દાવમાં ભારતના બીજા સ્ટ્રાઇક બોલર મહંમદ શમીને વિકેટ ન મળી જ્યારે મહંમદ સિરાજ અત્યંત ખર્ચાળ સાબિત થયો. શાર્દુલ ઠાકુરને બોલીંગ ઓલરાઉન્ડર તરીકે રમાડાયો પણ તે રંગહીન લાગ્યો હતો. સ્પીનર જાડેજા અચાનક જ બિનઅસરકારક બની ગયો હતો.

Most Popular

To Top