સુરત(Surat) : સુરત હીરા ઉદ્યોગ (Diamond Industry) માટે વિશ્વમાં જાણીતું છે. આ ઉદ્યોગ લાખો લોકોનો રોજગાર આપી રહ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી નવા કારીગરો (Workers) આ ઉદ્યોગમાં આવતા નથી. તે બાબત તો ઉદ્યોગ માટે ચિંતાનો વિષય છે તેનાથી મોટી ચિંતા જે કારીગરો હાલ છે તે પણ અન્ય વ્યસયાય કે નોકરીમાં જઈ રહ્યા છે. હાલમાં પણ સુરતમાં દોઢ લાખ કારીગરોની અછત છે.
- વર્ષ 2016 પહેલા સુરતના હીરા ઉદ્યોગમાં દર વર્ષે 15 હજાર નવા રત્ન કલાકારો જોડાતા હતા. પરંતુ હવે માત્ર 3000 રત્નકલાકારો નવા જોડાય છે
- સુરતના 40 હજારથી વધુ હીરાના કારખાનામાં દોઢ લાખ રત્નકલાકારોની અછત
- નવા કારીગરો આવતા નથી અને જુના કારીગરો જોબ સિક્યુરીટી અને ઓછા પગારના કારણે કામ છોડી રહ્યા છે
ડાયમન્ડ વર્કર યુનિયનના સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ષ 2016 પહેલા સુરતના હીરા ઉદ્યોગમાં દર વર્ષે 15 હજાર નવા રત્ન કલાકારો જોડાતા હતા. પરંતુ હવે માત્ર 3000 રત્નકલાકારો નવા જોડાય છે. હાલમાં સુરતમાં નાના-મોટા 40 હજારથી વધુ હીરાના કારખાના છે. તેમાં રત્ન કલાકારોની મોટી અછત છે. હાલમાં સુરતના હીરા ઉદ્યોગ માટે કુલ દોઢ લાખ રત્નકલાકારો અછત છે. હીરા કારખાનેદારો દ્વારા રત્નકલાકારોને બોલાવવામાં આવી રહ્યા છે છતા નવા રત્ન કલાકારો મળતા નથી.
નવા રત્ન કલાકારો નહીં મળવાના આ રહ્યા કારણો
યુનિયનના સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ષ 2008માં મંદી આવી હતી. મંદીમાં હીરા ઉદ્યોગકારો દ્વારા કારખાનાઓ બંધ કરી દેવાયા હતા. તેથી રત્ન કલાકારોની નોકરી ગઈ હતી. કેટલાક કારખાદારોએ રત્ન કલાકારોને ફરજિયાત છુટા કરી દેવાયા હતા. તેના કારણે નવી જનરેશનનો હીરા ઉદ્યોગને જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો હતો. ઉપરાંત પગાર ધોરણ પણ આજની યુવા પેઢીને ઓછું લાગે છે. ઉપરાંત જોબ સિક્યુરીટી પણ એટલી જ મહત્વની છે. ઉપરાંત આ વ્યવસાયમાં સૌથી વધુ સૌરાષ્ટ્રના યુવાનો જોબ કરે છે. સૌરાષ્ટ્રમાં અન્ય વ્યવસાય અને ખેતીમાં હવે લોકો જોડાઈ રહ્યા છે. સુરતમાં પણ અન્ય વ્યવસાયમાં તકો જણાઈ આવતી નવી. પેઢી હીરા ઉદ્યોગથી દૂર થઈ રહી છે.