Madhya Gujarat

આણંદમાં પાલિકા દીઠ 75 વૃક્ષનું વાવેતર કરવાનો સંકલ્પ

આણંદ : આઝાદી કા અમૃત મહોત્સવ પર્વ અતંર્ગત વડોદરા ઝોન હેઠળના વડોદરા, છોટાઉદેપુર, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિત કુલ 6 જિલ્લાની 26 નગરપાલિકામાં નગરપાલિકા દીઠ 75 વૃક્ષોનું વાવેતર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. જે અતંર્ગત મહિસાગર જિલ્લામાં નગરપાલિકા દીઠ 75 વૃક્ષનું વાવેતર કરવામાં આવશે. આ વૃક્ષના જતન માટે દત્તક આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દત્તક લેનાર વ્યક્તિએ વૃક્ષને ખાતર, પાણી,સાફ – સફાઈની વ્યવસ્થા કરવાની રહેશે. ભારતના આઝાદી કા અમૃત મહોત્સવ પર્વના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી અને પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ વડોદરા ઝોન પ્રશસ્તિ પારીકની પહેલ અને માર્ગદર્શન હેઠળ વડોદરા ઝોન હેઠળના વડોદરા, છોટાઉદેપુર, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિત કુલ છ જિલ્લાની ૨૬ નગરપાલિકામાં નગરપાલિકા દીઠ ૭૫ વૃક્ષોનું વાવેતર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.

જે અંતર્ગત મહીસાગર જિલ્લાની લુણાવાડા, સંતરામપુર અને બાલાસિનોર નગરપાલિકામાં વૃક્ષોનું વાવેતર કરશે. આ વૃક્ષારોપણ 5 જુલાઈ થી 18 જુલાઈ દરમિયાન યોજાનારા વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમ દરમિયાન જે તે નગરપાલિકા ખાતે યોજવામાં આવશે. આ વૃક્ષારોપણ નગરપાલિકાના જાહેર સ્થળોએ કરવા તેમજ તેની સુરક્ષા માટે ફેન્સીંગ અથવા કંપાઉન્ડ વોલનો પ્રબંધ કરવા પણ સૂચના આપવામાં આવી છે. જ્યારે વૃક્ષારોપણનો કાર્યક્રમ આમંત્રિત મહાનુભાવો, પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન, નગરપાલિકાના સભ્યો કર્મચારીઓ સામાજિક આગેવાનો અને નાગરિકોની ઉપસ્થિતિમાં યોજવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લો રાજ્યમાં હરિયાળા જિલ્લા તરીકે વિખ્યાત છે. પરંતુ વિકાસ કામોમાં વૃક્ષછેદનની પ્રવૃત્તિઓ વધી છે, ત્યારે વાવેતર પણ જરૂરી બન્યું છે.

વૃક્ષનું જતન કરવા દત્તક આપવામાં આવશે
આ વૃક્ષારોપણ કરવામાં આવનાર 75 વૃક્ષોનો ઉછેર થાય દત્તક આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ કારોબારી સમિતિના ચેરમેન, નગરપાલિકાના સભ્યો, કર્મચારીઓ,સામાજિક આગેવાનો અને નાગરિકો વૃક્ષોને દત્તક લેશે. દત્તક લેનાર વ્યક્તિએ વૃક્ષને ખાતર, પાણી, સાફ – સફાઈની વ્યવસ્થા કરવાની રહેશે અને દત્તક લીધેલ વૃક્ષોની મુલાકાત લેવાની રહેશે. આ અંગેનો ફોટોગ્રાફી સાથેનો અહેવાલ દર અઠવાડિયે ચીફ ઓફિસરે મોકલવાનો રહેશે. તેવી સૂચના પણ પ્રાદેશિક કમિશનર દ્વારા આપવામાં આવી છે.

પર્યાવરણને અનુકૂળ વૃક્ષો પસંદ કરાશે
વૃક્ષોની પસંદગી કરતી વખતે પર્યાવરણને અનુકૂળ હોય તેવા વડ, લીમડો, પીપળો, આસોપાલવ, ગુલમોહર, સરગવો, ગરમાળો જેવા વિવિધ 75 વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. વૃક્ષારોપણ કરવામાં આવેલા વિસ્તારને જાહેર લોકો જોઈ શકે તે રીતે યોગ્ય બોર્ડ લગાવી નિદર્શન કરવા તથા તેનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા પણ સૂચના આપવામાં આવી છે .પ્રાદેશિક કમિશનર અને પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી વડોદરા ઝોનના અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણની સમયાંતરે મુલાકાત કરી સમીક્ષા કરશે તેવું વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું છે.

Most Popular

To Top