ગુજરાત: મહારાષ્ટ્રના (Maharastra) માલેગાંવથી સુરત (Surat) આવતી ગુજરાતની (Gujarat) એસટી બસનો (ST Bus) સોમવારના રોજ સવારે 9.30 કલાકે નંદુરબાર જિલ્લાના નવાપુર તાલુકાના ચરણમાળ ઘાટ ખાતે અકસ્માત (Accident) થયો હતો. ચરણમાળ ઘાટ ખાતે સાપોલીયા વળાંકમાં અચાનક એસટી બસની એક્સલ તૂટી ગઈ હતી. ત્યાર પછી બસની બ્રેક ફેઈલ (Break Fail) થઈ ગઈ હતી. ત્યારબાદ બસ પથ્થરો પર ચડી ગઈ હતી અને ખીણના કિનારે લટકી ગઈ હતી. બસમાં સવાર 30 જેટલા મુસાફરોનો જીવ તાળવે ચોંટી ગયા હતા જેના કારણે તેઓએ બૂમાબૂમ કરી મૂકી હતી. આ અકસ્માતમાં બાળકો સહિત 20 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં કુલ 20 ઇજાગ્રસ્તોનો સારવાર માટે નવાપુર સરકારી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા નજીકમાં આવેલા બોરઝર ગામના લોકોએ મદદ કરી હતી. તેમજ સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ પણ દોડીને ધટના સ્થળે આવી પહોંચી હતી. મુસાફરો સાથે ચર્ચા કરતા તેઓએ જણાવ્યું હતું કે ભગવાનની કૃપાથી તેઓનો જીવ સલામત રહ્યો હતો.
- નવાપુરમાં ST બસ ખીણના કિનારે લટકી, મુસાફરોને એક્ઝીટ બારીમાંથી બહાર કાઢ્યા
- અકસ્માતમાં બાળકો સહિત 20 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા
- મુસાફરો સાથે ચર્ચા કરતા તેઓએ જણાવ્યું હતું કે ભગવાનની કૃપાથી તેઓનો જીવ સલામત રહ્યો
નવાપુર ડેપોની બસના ડ્રાઈવર અને બસમાં મુસાફર તરીકે આવી રહેતા તારાચંદ વાધે જણાવ્યું હતું કે, બસની એક્સલ તૂટી જતા બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. ડ્રાઈવરે બ્રેક મારવાના અનેક પ્રયાસ કર્યા હતા. બ્રેક ફેઈલ થવાની જાણકારી બસમાં સવાર તમામ મુસાફરોને થતા તેઓ ડરી ગયા હતા. મુસાફરો ગાંઠ બાંધી જ લીઘી હતી કે આજે તેઓ પોતાનો જીવ ગુમાવશે. જો કે પથ્થરોના કારણે બસ અટકી ગઈ હતી. ત્યારબાદ તમામ મુસાફરોને એક્ઝીટ બારીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને તેઓનો જીવ બચાવવામાં આવ્યો હતો.
બસમાં સવાર મુસાફર કૈલાશ સુર્યવંશીએ રડતાં-રડતાં જણાવ્યું હતું કે તે તેની પત્ની અને દીકરા સાથે વડોદરામાં મોટા દીકરાના બર્થડેની ઉજવણી માટે જઈ રહ્યા હતા. સાપોલિયા વળાંકમાં ઘાટ ઉતરતા સમયે ડ્રાઈવરે બ્રેક ફેલ થઈ હોવાનું કહેતા જ ગભરાઈ ગયા હતા. ભગવાનની કૃપાથી જ બચી ગયા છીએ.