Columns

મૃત્યુ અનિશ્ચિત અને અનિવાર્ય છે!

મારા એક પરિચિત બીમાર છે, એવી ખબર મળતાં એમની ખબર કાઢવા હું એમના ઘરે ગયો. પથારીમાં પડ્યા પડ્યા એ ખૂબ પીડાતા હતા. મિઝરેબલ જીવન જીવી રહ્યા હતા. બબડતા હતા, રાડો પાડતા હતા, ‘હું તો જાઉં છું હવે. હું તો જાઉં છું.’ તે અકથ્ય તીવ્ર વ્યગ્રતા અનુભવતા હતા. એમનું મૃત્યુ હવે હાથવેંતમાં હતું એ સ્પષ્ટ દેખાતું હતું. એવું સ્પષ્ટ થતું હતું કે એમની પીડા દૈહિક કરતાં વિશેષ માનસિક હતી.

એ રેવન્યુ ખાતામાં એક સારા હોદ્દા પર ફરજ બજાવીને નિવૃત્ત થયા હતા. ફરજ દરમિયાન એમણે સારું એવું 2 નંબરી ધન એકઠું કરી લીધું હતું. મોટો બંગલો બનાવ્યો હતો. ફર્નિચર વસાવ્યું હતું. કાર ખરીદી હતી. બેંકમાં સારું એવું બેલેન્સ હતું. આ બધું છોડીને હવે તેને ખુદાના ઘેર જવાનું હતું! તેમણે વસાવેલી આ મિલકતનો મોહ તેને છૂટવા દેતો ન હતો એટલે આ અંતિમ ઘડીએ કારમી વેદના ભોગવી રહ્યા હતા. આ તો એક માત્ર ઉદાહરણ છે. સમાજમાંથી અસંખ્ય આવાં ઉદાહરણો મળી રહે.
મારા એક સંબંધી પતિ – પત્ની એકલા હતા. એમને કોઈ સંતાન ન હતું. પતિ સરકારી ઉચ્ચ હોદ્દા પર નોકરી કરતા હતા. મતલબ નિવૃત્ત થયા બાદ સારું એવું પેન્શન મળવાનું હતું એટલે પતિ સંતુષ્ટ હતો.

તે પગાર એની પત્નીને આપી દેતો હતો. પત્ની પાસે મોટી રકમ એકઠી થઇ હતી. એને આ મિલકતનો એટલો બધો મોહ હતો કે એના ભંડોળમાંથી કોઈને કંઈ આપે નહીં કે પોતાના માટે પણ વાપરે નહીં. દરમિયાન તે કેન્સરનો શિકાર બની ગઈ. મરણપથારીમાં પીડાતી આ સ્ત્રીનો જીવ કેમેય જાય નહીં. સગાંસંબંધીઓ એના સુખદ મોત માટે પ્રાર્થના, જપ કરવા લાગ્યાં. અંતે અત્યંત વ્યગ્રતા અને પીડા ભોગવીને તેણે દેહ છોડ્યો. એનો પતિ ખૂબ સારો માણસ હતો. તેની પ્રામાણિકતા અને નીતિમત્તાને કારણે તેનો ધંધો ખૂબ સારો ચાલતો હતો.

તેની દુકાને ઘણી સ્ત્રીઓ આવતી હતી. દાગીનાના વ્યવસાયને કારણે તેને દાગીના ફીટોફીટ આવે છે કે કેમ અને તેના શરીર પર દાગીના‌ કેવા લાગે છે તે જોવા સ્ત્રીઓના શરીરને સહજ જ સ્પર્શ કરવો પડતો હતો પણ શંકાશીલ પત્ની સંકુચિત વિચારધારા ધરાવતી હોય આ જોઈ શકતી ન હતી. તે આખો વખત મનોમન બળવા લાગી. એની જબરદસ્ત અસર તેના શરીર પર પડી. તેણે બીમારીની બેડ પકડી લીધી. હવે દુકાન સંભાળવા ઉપરાંત ઘર સંભાળવાની બધી જવાબદારી તેના પતિને શિરે આવી પડી. સવારમાં વહેલા ઊઠીને બાળકોને ચા – નાસ્તો કરાવી શાળામાં મૂકી આવે. પોતે બાળકોની દવા લાવે, નાસ્તો કરાવડાવે, બપોર માટે રસોઈ બનાવે, પછી દુકાને જાય.

તેના પર આવી પડેલ આ જવાબદારીની અસર તેના ધંધા પર પણ પડી. દુકાનમાં સમયસર જઈ શકે નહીં. અનિયમિતતાને કારણે ઘરાકી ઘટી. ધંધામાં મોટી ખોટ આવી. તે ડીપ્રેસ્ડ થઈ ગયો. થોડા જ સમયમાં શારીરિક નબળાઈ અને માનસિક હતાશાને કારણે તેનું મૃત્યુ થયું. લોકો માનવા લાગ્યા કે હવે તેની બીમાર પત્નીનું પણ ટૂંક સમયમાં મૃત્યુ થશે પણ આ ધારણા ખોટી પડી. પતિના મૃત્યુ બાદ ટૂંક સમયમાં પત્ની સાજી તો થઈ ગઈ પણ તેની ખોટી શંકાને કારણે વેરવિખેર થઈ ગયેલા તેના ઘરને પાટા પર લાવવાની અને બાળકોને ઉછેરવાની જવાબદારી તેના શિરે આવી પડી. બૂરાઈનું ફળ બૂરું આવ્યું.
બાઈબલમાં જુદા જુદા પ્રકરણોમાં મોત વિશે ઉલ્લેખ છે. જેમાં મોત અનિશ્ચિત અને અનિવાર્ય છે એ મુદ્દા પર ભાર મૂકવામાં આવ્યો, શિક્ષણ આપવામાં આવ્યું છે.

એક વધુ ઘટના અત્રે પ્રસ્તુત છે. વિદેશની આ વાર્તા છે. એક માણસ પાસે અઢળક ધન હતું. તેને કોઈ વારસદાર હતું નહીં. તે અત્યંત કંજુસ હતો. પૈસા તે ના છૂટકે જ વાપરે. પરિણામે તેની પાસે ધનનો ઢગલો થયો. એક મોટા કબાટમાં તેણે ચલણી નોટો ખીચોખીચ ભરી દીધી હતી. કબાટને તાળું મારીને એની ચાવી કાયમ પોતાની પાસે જ રાખે. હવે બન્યું એવું કે તે ઓચિંતો ગંભીર બીમારીની ઝપટમાં આવી ગયો. કોઈ જીવવાની આશા હતી નહીં. તેના ધનને લીધે તેનો જીવ જતો ન હતો. તેનો જીવ મુંઝાતો હતો. એકત્રિત લોકોને તેણે વિનંતી કરી કે તેના બધાં નાણાં તેની કબરમાં મૂકવામાં આવે. લોકોમાંથી કોઇએ પ્રતિભાવ આપ્યો નહીં કારણ કે તે શક્ય ન હતું.

ત્યાં એક માણસે આ ચેલેન્જ ઉપાડી લીધી. તેણે આ માણસને ખાત્રી આપી કે તેના તમામ નાણાં તેની કબરમાં મૂકવામાં આવશે. પેલા માણસને શાંતિ વળી. તુરંત એનું મૃત્યુ થયું. આ માણસે કબાટ ખોલી તેમાંના બધા નાણાં લોકોના દેખતાં ગણી લીધા અને એટલી રકમનો ચેક લખી નાખ્યો. લાખો ડોલરનો ચેક હતો, પછી મરનારની લાશને દફનાવવામાં આવી. આમ એક કોયડાનો ઉકેલ આવી ગયો!

Most Popular

To Top