SURAT

કુખ્યાત પ્રવિણને દબોચનાર અને ચીકલીગર ગેંગને પકડનાર ક્રાઈમ બ્રાંચને 3 લાખનું ઇનામ

સુરત: (Surat) શહેરના પોલીસ કમિશ્નર (Police Commissioner) અજયકુમાર તોમર ગુનેગારોને પકડીને પાંજરે પુરવા માટે જાણીતા છે. કોઈપણ ગુનાનું ઝડપી ડિટેક્શન થાય તેવો તેમનો આગ્રહ રહ્યો છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા છેલ્લા પંદર દિવસમાં બે મોટા ઓપરેશનને અંજામ આપવામાં આવ્યો હતો. જેમાં નકસલી વિસ્તારમાંથી કુખ્યાત પ્રવિણ રાઉતની ધરપકડ અને બારડોલી પાસે ચીકલીગર ગેંગના સાગરીતોને પકડાયા તે બંને કામ માટે રાજ્ય સરકારે ક્રાઈમ બ્રાંચને (Crime Branch) 3 લાખનું ઇનામ જાહેર કર્યું હતું.

  • પ્રવિણ રાઉતને પકડતા બે લાખ અને ચીકલીગર ગેંગને પકડતા એક લાખનું ઇનામ
  • પ્રવિણ રાઉતને પકડવા પીઆઈ સાળુંકેએ સ્થાનિક વેશ ધારણ કરી જમરૂખ વેચવાની વાતથી ગૃહમંત્રી પણ અચંબીત થયા

ક્રાઈમ બ્રાન્ચે છેલ્લા પખવાડિયામાં બે મોટા ઓપરેશન પાર પાડ્યા છે. જેમાં સૌથી વધુ જોખમી ઓપરેશન પ્રવિણ રાઉતને ઝડપી પાડવાનું હતું. છ વર્ષથી વોન્ટેડ આરોપીને જીવના જોખમે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડયો હતો. બીજી તરફ શહેરમાં ધાડ, લૂંટ કરતી ચીકલીગર ગેંગના સાગરીતોને ઝડપી પાડતા રાજ્ય સરકાર દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચની ભારોભાર પ્રશંસા કરવામાં આવી હતી. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે સુરતની મુલાકાતે આવ્યા હતા. તેમને ક્રાઈમ બ્રાંચ દ્વારા કરવામાં આવેલા આ બંને ઓપરેશન અંગે માહિતી લીધી હતી. પ્રવિણ રાઉતને પકડી લાવનાર પોલીસ અને આ ઓપરેશનમાં જોડાયેલા કોન્સ્ટેબલ સુધીના કર્મચારીઓ સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ચર્ચા કરી હતી. બાદમાં ગૃહમંત્રીએ બિહારના વોન્ટેડ આરોપી પ્રવિણ રાઉતને ઝડપી પાડનાર ટીમને 2 લાખ રૂપિયા ઇનામ અને ચીકલીગર ગેંગના સાગરીતોને પકડનાર ટીમને 1 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.

પોલીસનું કોમ્બીંગ અને ફુટ પેટ્રોલીંગ ગુના અટકાવવા માટે સારી બાબત
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, મુખ્યમંત્રીએ સુરત ક્રાઇમ બ્રાન્ચે કરેલી કામગીરીની ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે. રાજ્યના ગૃહ મંત્રી તરીકે સુરત ક્રાઇમ બ્રાન્ચે જીવના જોખમે રીઢા ગુનેગારોને ઝડપી પાડવા માટેની કામગીરીને અભિનંદન આપું છું. પ્રવિણ રાઉતને પકડવા ટીમે કરેલી કામગીરી ખરેખર આશ્ચર્યજનક છે. હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું હતું કે, સુરત પોલીસે કોમ્બિંગ અને ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું છે. તે ખૂબ જ સારી બાબત છે. જેનાથી ગુનો થાય તે પહેલા જ અટકાવવામાં સફળતા મળી રહી છે.

ચીકલીગર ગેંગને દબોચવા 600 થી વધારે સીસીટીવી ફંફોસાયા: સીપી
પોલીસ કમિશનર અજયકુમારે જણાવ્યું હતું કે, ચીકલીકર ગેંગના આરોપીઓને ઝડપી પાડવા માટે 600 કરતાં વધારે કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતી. ઇકો કાર ક્યાંથી ચોરાઈ અને ક્યાં કઈ રીતે ઉપયોગમાં લેવાઈ તેની માહિતી મેળવવામાં આવી હતી. અને ત્યાર બાદ બાતમીના આધારે વોચ રાખી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. કોઈપણ ગુનેગારને પકડવા આખી ટીમ કામ કરે છે. અને ત્યારબાદ જીવના જોખમે આ પરિણામ મળે છે.

બિહારના આંતરિયાળ ગામમાં 10 દિવસ જમરૂખ વેચીને પ્રવિણને દબોચ્યો: પીઆઈ
ક્રાઈમ બ્રાંચના પીઆઈ મહેન્દ્ર સાળુંકેએ જણાવ્યું હતું કે, કુખ્યાત પ્રવિણ રાઉતને પકડવા બિહારના આંતરિયાળ ગામમાં ગયા હતા. ત્યાં અમારા બે પીએસઆઈ અને બીજા આઠ પોલીસકર્મીઓની ટીમ પહોંચી હતી. સ્થાનિક જેવા દેખવવા માટે વેશ બદલીને રહેવું પડ્યું હતું. દશેક દિવસ સુધી ત્યાં લુંગી અને ગમછો પહેરીને 10 કિલો જમરૂખ ખરીદી તે વેચવાનું શરૂ કર્યું હતું. પ્રવિણ તાડી પીવા આવતો હોવાની માહિતી મળતા પોલીસના માણસો ગામના છેવાડે તાળી પીવાનું દૂર કરવા જતા હતા. દરમિયાન એક દિવસ પ્રવિણ ત્યાં આવતા અમારી ટીમે તેને ચારેય બાજુંથી આયોજનપૂર્વક દબોચી લીધી હતી.

Most Popular

To Top