સ્વિટ્ઝર્લેન્ડે ૨૫ દેશની ૮૨ જેટલી મહિલાઓને ભેગી કરી એક નવો ઇતિહાસ રચ્યો છે. આ તમામ મહિલાઓ પુરુષોના આધિપત્ય ધરાવતી એક-એક રમતમાં નવો અધ્યાય રચવા માગતી હતી. તેમણે ૧૭ જૂને સ્વિટ્ઝર્લેન્ડના ૪૧૬૪ મીટર ઊંચાઈ ધરાવતા બ્રેઇથોર્ન પર્વત પર સૌથી લાંબી મહિલાઓની રોપ ટીમ બનાવી હતી. એ માટે વિવિધ ક્ષેત્રની પ્રભાવશાળી મહિલાઓની પસંદગી કરવામાં આવી હતી. તેમાં ભારતની ત્રણ મહિલા અલ્પાઇન સ્કીયર આંચલ ઠાકુર, મૅરથૉન રનર શિબાની ઘરત અને મુંબઈની મૅરથૉન રનર ચાર્મી દેઢિયાને પણ પસંદ કરવામાં આવ્યાં હતાં . આ ઉપરાંત થાઇ યુએન વિમેન ઍમ્બૅસૅડર ફૉર એશિયાના સિન્ડી સિરિન્યા બિશપ, સ્વીડિશ-નૉર્વેજિયન ઍક્ટ્રેસ ઇવા રોઝ તેમ જ અન્ય નામી લોકોનો સમાવેશ હતો.
મહિલાઓ પર્વતારોહણ જેવી સાહસિક પ્રવૃત્તિમાં વધુ પ્રમાણમાં ભાગ લે એ માટે ૨૦૨૧માં સ્વિટ્ઝર્લેન્ડ ટુરિઝમ દ્વારા આ પહેલ કરવામાં આવી હતી. ૮૨ પૈકી ૧૦ સ્પોર્ટસ માટે કોઈ પણ મહિલા ભાગ લઈ શકતી હતી, પરંતુ એ માટે જરૂરી ફિટનેસ હોવી જરૂરી હતું. એ માટે યોજાયેલી સ્પર્ધામાં મુંબઈની ચાર્મી દેઢિયાનો નંબર લાગ્યો હતો. તેના જણાવ્યા પ્રમાણે પહેલી વખત તેણે આ રીતે ચડાણ પૂરું કર્યું હતું. મહિલાઓએ જે ઇતિહાસ રચ્યો છે એની વાત ભારતની મહિલાઓ સુધી પહોંચશે, જેથી મહિલાઓ પણ આવી પ્રવૃતિમાં ભાગ લેવા માટે પ્રેરાશે.
ચઢાઈ વિશે આંચલ કહે છે કે, ‘‘હું સ્કીયર તરીકે સ્વિસ આલ્પ્સ માટે અજનબી નથી પરંતુ વિવિધ ક્ષેત્રોની મહિલાઓ સાથે શિખર પર ચઢવું મારા જીવનના સૌથી અનોખા અનુભવોમાંથી એક હતો. મને એ વાતનો ગર્વ છે કે હું વિશ્વ રેકોર્ડ સ્થાપી ઈતિહાસ રચનાર ટીમનો એક ભાગ હતી. શિબાની ઘરતના જણાવ્યા પ્રમાણે, ‘‘સ્વિટ્ઝર્લેન્ડ તમામ ક્ષેત્રની મહિલાઓને આવો પડકાર ઝીલવામાં આગળ આવવા પ્રોત્સાહિત કરે છે એ જોઈને આનંદ થયો. પર્વતની ટોચ પરથી જોયેલાં દૃશ્યો ભુલાય એવાં નથી. પર્વતારોહણના ઇતિહાસમાં એક નવો અધ્યાય રચાયો જેનો હું એક ભાગ હતી એનો મને ગર્વ છે.’’
૮૨ વર્ષની મહિલાએ ૨૪ કલાકમાં ૭૮ માઇલ દોડીને વિશ્વવિક્રમ કર્યો
ફ્રાન્સના વેલ ડિ’ઓઇસનાં ૮૨ વર્ષનાં પરદાદી બાર્બરા હમ્બર્ટે તાજેતરમાં ૨૪ કલાકમાં ૧૨૫ કિલોમીટર (૭૮ માઇલ) દોડીને નવો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે.ગયા મહિનાના અંતે બ્રિવ-લા-ગેલાર્ડમાં આયોજિત ફ્રેન્ચ ચૅમ્પિયનશિપ દરમ્યાન ૮૨ વર્ષનાં બાર્બરા હમ્બર્ટે તેમની વયજૂથના ગ્રુપમાં ૨૪ કલાકમાં સૌથી લાંબી દોડનો વિશ્વ રેકૉર્ડ તોડ્યો હતો. તેમના પૂર્વે એક જર્મન મહિલા ૧૦૫ કિલોમીટર દોડી હતી અને બાર્બરાએ એ રેકોર્ડ બ્રેક કરવા પર ધ્યાન આપતાં ૨૪ કલાકમાં ૧૨૫ કિલોમીટરનું રેકૉર્ડ અંતર કાપીને જૂનો રેકૉર્ડ તોડ્યો છે.બાર્બરાએ ૪૩ વર્ષની ઉંમરે દોડવાનું શરૂ કર્યું, શ્વાસ લેવાની યોગ્ય ટેક્નિક શીખ્યા બાદ તેમણે પછી તેઓ જ્યાં રહેતાં હતાં ત્યાં બોફેમોન્ટ (વેલ-ડિ’ઓઇસમાં)ની શેરીઓમાંથી દોડવાની શરૂઆત કરી હતી. પોતાના વતનની શેરીઓથી શરૂ કરેલી રેસ ટૂંક સમયમાં શહેરી રેસમાં ફેરવાઈ ગયા બાદ ૩૯ વર્ષ સંપૂર્ણ મૅરથૉનમાં દોડીને તેમણે પૅરિસ અને ન્યૂયૉર્ક મૅરથૉન સહિત ૧૩૭ રેસ અને ૫૪ મૅરથૉનમાં ભાગ લીધો હતો.
રૅરેસ્ટ ઑફ રૅર : આઇડેન્ટિકલ ટ્વિન્સના બે સેટને જન્મ આપશે આ અમેરિકન મહિલા
ઍશ્લી નેસ નામની અમેરિકન મહિલા ગર્ભાવસ્થામાં એક દુર્લભ અને અનોખો અનુભવ કરવા જઈ રહી છે. તે આઇડેન્ટિકલ ટ્વિન્સના બે સેટને મતલબ કે બે જોડિયા પુત્રો અને બે જોડિયા પુત્રીને જન્મ આપવાની છે. લગભગ ૭ કરોડ મહિલાઓમાં એક મહિલા આ રીતે જોડિયાં સંતાનોના બે સેટને જન્મ આપે છે. તે ગર્ભવતી હોવાની જાણ તેને વૅલેન્ટાઇન્સ ડે પહેલાં થઈ હતી, પરંતુ હાલમાં કરાવેલા અલ્ટ્રાસાઉન્ડમાં તેને આ અનોખા સમાચાર મળ્યા હતા. ઍશ્લી અને તેનો પતિ પહેલાંથી જ ચાર બાળકોને ઉછેરી રહ્યાં છે પણ જેઓ ઍશ્લીને ઓળખે છે તેમનું કહેવું છે કે તે ખૂબ સરળતાથી ચાર બાળકોનો ઉછેર કરી શકે એમ છે. તેના પ્રથમ બાળકના જન્મ પહેલાં ગર્ભવતી થવા તેણે ઘણી મુશ્કેલી વેઠવી પડી હતી. જો કે આ વખતની ગર્ભાવસ્થામાં ફર્ટિલિટી સારવારનો કોઈ ફાળો નથી.