આણંદ : વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સીટીના અનુસ્નાતક અંગ્રેજી વિભાગ અને ભારતીય વિચારમંચ, આણંદ એકમના સયુક્ત ઉપક્રમે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની પુનઃ વિચારણા અને સમકાલીન પડકારો પર વ્યાખ્યાન યોજાયું હતું. જેમાં પ્રશાંત પોળે સ્વાતંત્ર્ય સંગ્રામના ઓછા જાણીતા નામો જેવા કે રાની અબક્કા જેમણે ઉલ્લાલ રજવાડું માટે લડત આપી હતી, ત્રાવણકોર ના રાજા માર્કંડ વર્મા, શિવગંગા રાજ્ય દ્વારા પ્રથમ વખત ઉપયોગમાં લેવાયેલ માનવબોમ્બ વિષે, તિલકા માંઝી અને બીરસા મુંડા વિષે ખુબજ માહિતીસભર વાત પુરાવા સાથે કરી હતી.
વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સીટીના અનુસ્નાતક અંગ્રેજી વિભાગ અને ભારતીય વિચારમંચ, આણંદ એકમના સયુક્ત ઉપક્રમે એક વિશેષ વ્યાખ્યાન “ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની પુનઃ વિચારણા અને સમકાલીન પડકારો” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રશાંત પોળે પોતાની વાત મૂકતાં જણાવ્યું હતું કે ભારત વર્ષોથી સમગ્ર વિશ્વમાં આર્થિક રીતે સમૃદ્ધ હતું જ. એટલે જ વિશ્વના બીજા દેશના લોકો એટલે કે એલેક્ઝાન્ડરથી બ્રિટિશર સુધીનાઓએ ભારત પર આક્રમણ કર્યું હતું. વિશ્વની આર્થિક વ્યવસ્થામાં ભારતનો લગભગ 25 ટકા હિસ્સો હતો એટલે જ વિશ્વનું ધ્યાન ભારત બાજુ હતું, ભારતમાં આવતા આક્રમણકારો સામે ભારતના લોકોએ હંમેશા લડત આપી છે.
પરંતુ વિદ્યાર્થીઓ તરીકે ઇતિહાસના અભ્યાસક્રમમાં આ બાબતો વિષે પૂરતું ક્યારેય ભણાવવામાં આવ્યું નથી. પ્રશાંત પોળે ભારપૂર્વક કહ્યું કે, જો ભારતમાં પોર્ટુગીઝ, બ્રિટિશર કે મુઘલ આક્રમણકારો ન આવ્યા હોત તો ભારતની ગણના આજે વિશ્વના વિકસિત દેશોમાં થઈ રહી હોત. તેમના વક્તવ્ય બાદ વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોના પ્રશ્નોનો જવાબ આપતા જણાવ્યું હતું કે, અંગ્રેજો દ્વારા લખાયેલા ઇતિહાસમાં આપણે ઘણું બધુ નથી કહેવામાં આવ્યું. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં આપણે આવ ભારતીય ઇતિહાસને તપાસવાની જરૂર છે. આ કાર્યક્રમ સરદાર પટેલ યુનિવર્સિટીના કા.કુલપતિ પ્રો. નિરંજન પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો.
જેમાં કા. કુલસચિવ પ્રો. મીતેશ જૈસવાલ, અંગ્રેજી વિભાગના કા.અધ્યક્ષ ડો. પારૂલ પોપટ, ભારતીય વિચારમંચના અધ્યક્ષ રાજેશભાઇ પરીખ અને મુખ્ય વક્તા તરીકે લેખક અને વિચારક જેઓએ ભારતીય દ્રષ્ટિએ ઇતિહાસને પુનઃ લેખન કર્યો છે તેવા પ્રશાંત પોળ તથા વિશાળ સંખ્યામાં અધ્યાપાકઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિમાં ભારતીય વિચારમંચથી શ્રીકાંત કાટદરે, ઇન્દુમતિબેન કાટદરે, ઇશાન જોશી, પરેશ પ્રજાપતિ, પંકજ પુરોહિત ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય સહ-બૌદ્ધિક પ્રમુખ સુનિલભાઈ મહેતા, નવનીતભાઈ, રાજેશભાઇ પટેલ (ધર્મજ) સહિતના બૌદ્ધિકો ઉપસ્થિત રહ્યા હતાં. આ સમગ્ર કાર્યક્રમના અંતે આભારવિધિ અંગ્રેજી વિભાગના સહ પ્રાધ્યાપક ડો. પ્રણવ દવેએ કરી હતી.