Business

તુમ્હે ચાય પે બુલાયા હૈ??

જમ્મુ-કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓ યોજવાની આશાથી વાતાવરણ સભર છે ત્યારે લેફટેનન્ટ ગવર્નર મનોજ સિંહાએ સર્વપક્ષી બેઠક બોલાવતાં આશા પ્રબળ બની છે. એક વખતનું આ રાજય કેન્દ્રશાસિત પ્રદેશની નીચી પાયરીએ ઉતારાયાને લગભગ ત્રણ વર્ષ થવા આવ્યાં. આમંત્રણ પત્ર વિપક્ષોને ગેલમાં લાવવાની ક્ષમતા ધરાવે છે. તેમાં કોઇ કાર્યસૂચિ નથી દર્શાવી પણ માત્ર ‘હાઇ ટી’ માટે બેઠક રાખી હોવાનું જણાવાયું છે. આમ તો મનોજ સિંહ રાજભવનમાં પ્રવેશ્યા તેના બે વર્ષમાં પહેલી વાર આ સર્વપક્ષી બેઠક બોલાવાઇ છે.

નેશનલ કોન્ફરંસના વડા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ડો. ફારૂખ અબ્દુલ્લા અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના વડા અને જમ્મુ કાશ્મીરના શાસક ગઠબંધનમાં ભારતીય જનતા પક્ષના વિધિવત સાથી મેહબૂબા મુફતી અને કોંગ્રેસ પણ ખાસ કરીને કાશ્મીરી પંડિતો અને બહારથી કાશ્મીરમાં આવેલ કામદારોને નિશાન બનાવી કરાતી હત્યાઓ પછી વખતોવખત સર્વપક્ષી બેઠક બોલાવવાની માગણી કરતા જ આવ્યા છે પણ રાજભવન પર રાજ કરતા દિલ્હીના નોર્થ બ્લોકના બહેરા કાને આ વિનંતી પહોંચતી જ નથી. વહીવટી તંત્રે સર્વપક્ષી બેઠક બોલાવવા અમરનાથ યાત્રાના શુભારંભનું મુહૂર્ત જોયું. ‘હાઇ ટી’ માટે બોલાવાયેલી આ સર્વપક્ષી બેઠકનો હેતુ અમરનાથ યાત્રા સુખરૂપ નીવડે તે માટે સર્વ રાજકીય પક્ષોનો સાથ લેવાનો છે.

આ બેઠકમાં મનોજ સિંહાએ અમરનાથ યાત્રા નિર્વિઘ્ને પાર પડે તે માટે રાજકીય પક્ષોનો ટેકો માંગ્યો હતો. શાસક ગઠબંધનના સ્વામી ભારતીય જનતા પક્ષનું વર્ચસ્વ પુરવાર કરવા વિરોધ પક્ષોને હાંસિયામાં ધકેલી દેવાતા હોય ત્યારે વહીવટી તંત્રને ભારતીય જનતા પક્ષ સિવાયના રાજકીય પક્ષોએ કઇ રીતે સહકાર આપવો તે સ્પષ્ટ નથી થતું.
‘કામકાજ’ની સૂચિ વગર માત્ર ચા-પાણી માટે બોલાવાયેલી આ બેઠકનો વિરોધ કરે તો ય વિરોધ પક્ષોને ‘દુષ્ટ’ ચીતરવામાં આવે એને બદલે સરકારી ખર્ચે ‘ચા-પાણી’ કરેલા સારા એવા આશયથી વિરોધ પક્ષો આ બેઠકમાં ગયા હતા. આમાં અમરનાથ યાત્રાનું મૂલ્ય પણ ઘટયું છે.

વિધાનસભાની ચૂંટણીની ચર્ચાની વાત તો બાજુ પર મૂકો. અમરનાથ યાત્રા નિર્વિઘ્ને પાર પડે તે માટે વિરોધ પક્ષોનો સહકાર માંગતા વહીવટી તંત્રને ટેકો આપવા ઉપરાંત વિરોધ પક્ષોનું ધ્યેય એવું રહ્યું હોવું જોઇએ કે ભવિષ્યમાં રાજયની રાજકીય પરિસ્થિતિની અને ચૂંટણી યોજવાની બાબતમાં કોઇ બેઠક યોજાય તો અમને ગણતરીમાં તો લેવાય. આ બેઠકમાં ભાગ લેવા માટે આ પક્ષો પાસે બીજો કોઇ વિકલ્પ હતો ખરો? એક માત્ર મેહબૂબા મુફતીએ કહ્યું કે કાર્યસૂચિ વગરની બેઠક ભૂતકાળમાં નિરર્થક રહી છે તો આ બેઠકમાં હાજર રહેવાનું કોઇ કારણ નથી. વળી આ ‘હાઇ ટી’ બેઠકનું નોતરું પણ અત્યંત ટૂંકી મુદતમાં અપાયું હતું.

અમરનાથ યાત્રા નિર્વિઘ્ને પાર પડે તે માટે વહીવટી તંત્રને પોતે ટેકો આપ્યો છે એવી રાજકીય પક્ષોએ વાત કરી એ સિવાય આ બેઠક વિશે ઝાઝું કંઇ સાંભળવા મળતું નથી ત્યારે પ્રશ્ન એ થાય છે કે તેમાંથી કોઇએ પણ ચૂંટણી યોજવાની માંગણી કરી હતી? એમ લાગે છે કે આ બેઠકમાં ભાગ લેનારાઓ ‘ચા પાણી’ કરવા જ ગયા હતા અને અમરનાથ યાત્રાના મુદ્દે સહમતી આપી સિંહાએ પણ અમરનાથ યાત્રાની ચર્ચા અને સહમતીનું જ ટવીટ કર્યું છે. નેશનલ કોન્ફરંસના પ્રમુખ ડો. ફારૂખ અબ્દુલ્લા, જમ્મુ-કાશ્મીર ભારતીય જનતા પક્ષના વડા રવીન્દર રૈના અને કોંગ્રેસ પ્રમુખ જી.એ. મીર આ બેઠકમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવો હતા અને તમામ વરિષ્ઠ નેતાઓએ બેઠકમાં એક સૂરે કહ્યું હતું કે અમરનાથ યાત્રા કાશ્મીરીયતનો એક મહાન ઉત્સવ છે અને આ કેન્દ્ર શાસિત પ્રદેશનો એકે એક માણસ યાત્રીઓનું ઉષ્મા અને સગવડદાયી આતિથ્ય કરશે. મનોજ સિંહાના બીજા ટવીટમાં આવું કહેવાયું છે.

આ આમંત્રણમાં કયાંય ગંભીરતા દેખાય છે? ચૂંટણી યોજી તમામ રાજકીય પક્ષોને સ્પર્ધા માટે સમતળ ભૂમિ પૂરી પાડવાની શાસક તંત્રમાં કયાંય ગંભીરતા દેખાય છે? અમરનાથ યાત્રા આ બેઠકનું આયોજન વિરોધ પક્ષ પ્રત્યે ગંભીરતા દાખવવા થઇ શકયું હોત. યાત્રાના આગલા દિવસે ચા-પાણી માટે બોલાવવાનો લેફટેનંટ ગવર્નરનો નિર્ણય પોતે જ બતાવે છે કે તંત્ર કેટલું ગંભીર છે. આ માનસિકતા બદલાવી જ જોઇએ. યાત્રાના સફળ આયોજનમાં રાજકીય પક્ષોને સાંકળવામાં આવશે તો વિધાયક પર્યાવરણ રચાશે અને રાજકીય પક્ષો પણ લોકો સુધી પહોંચી શકશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top