Entertainment

વિલન તો આવે, જાય સાચો ખલ‘‘નાયક’’ તો સંજય જ

જો હીરોઇન હોય તો તેની કારકિર્દી 35 – 40ની ઉંમરથી બદલાવા માંડે છે. પ્રેક્ષકોને યુવાન, બ્યુટીફૂલ હીરોઇન જ વધારે ગમે છે. જો હીરો હોય તો તેની કારકિર્દી 45 – 50 પછી બદલાવા માંડે. તે હીરો હોય તો ચરિત્ર અભિનેતા થવા માંડે. પણ એવું અમિતાભ બચ્ચન વિશે નથી બન્યું. કોઇને નવાઇ લાગે પણ સંજય દત્ત વિશે પણ એવું નથી બન્યું. 50 – 55 પછી કોઇ ખલનાયક તરીકે કારકિર્દી બનાવી ન શકે પણ સંજય દત્તમાં એ શકય બન્યું છે. તે ખલનાયકીમાં જબરદસ્ત ઇમ્પેકટ ઊભી કરી રહ્યો છે.

આમ બનવાનું મુખ્ય કારણ એ કે તેણે અત્યારે પહેલા હીરો તરીકે જે ભૂમિકા ભજવી, તેમાં પણ ખલનાયકીના ઘણા લક્ષણો હતા અને સુભાષ ઘાઇએ તો તેને ખરા અર્થમાં પણ ‘ખલનાયક’ હીરો બનાવ્યો હતો. જેમાં સંજય દત્ત ગાઇ છે કે ‘નાયક નહીં ખલનાયક હું મેં.’ સંજય દત્તના અંગત જીવનમાં પણ અપરાધી વૃત્તિ અને કાર્યો ભળેલા છે. એટલે ય ખલનાયક તરીકે સાયકોલોજીકલી તે લોકોના મનમાં ગોઠવાય જાય છે. અન્ય એક વાત કે તેના શરીરની જે ઊંચાઇ છે, જે પ્રકારની ચાલ છે અને તેમાં ચહેરા પરની દાઢી ઉમેરાય તો સ્ક્રિન પર ઇમ્પેકટ ઊભો થાય છે.

સંજય દત્તે ‘ખલનાયક’થી જ તેની ઇમેજ બદલવી શરૂ કરેલી. પછી ‘વાસ્તવ’, ‘અગ્નિપથ’ અને હવે ‘KGF ચેપ્ટર – 2’થી તે આગળ વધી છે. ‘અગ્નિપથ’માં તેણે કાંચા ચીના તરીકે ખરેખર ડર પેદા કરેલો અને હમણાં ‘KGF ચેપ્ટર – 2’ના અધીરા તરીકે પણ ફિલ્મમાં છવાઇ જાય છે. અહીં ‘પાણીપત’ના અહેમદ શાહ અબ્દાલીને પણ યાદ કરી શકો. અને હવે જે ‘શમશેરા’ આવી રહી છે, તેમાં પણ રણબીર કપૂર અને સંજય દત્ત વચ્ચે જંગ છે. ફિલ્મમાં તે દરોગા શુધ સીંઘ બન્યો છે. તે જેમાં વિલન નથી બનતો, તેમાં પણ તે એવો જોરાવર, શકિતશાળી હોય છે જેની આણ બધાએ સ્વીકારવી પડે. આ રીતે તમે તેની આવનારી ફિલ્મો ‘શેર’, ‘એલર્ટ 24×7’, ‘એક વિલન રિટર્ન્સ’, ‘અલીબાગ’ વગેરેને પણ જોઇ શકો.

સંજય દત્ત આવતા મહિને 29મી જુલાઇએ 63માં વર્ષમાં પ્રવેશશે. કોઇ આટલા બુઢ્ઢાને વિલન યા શકિતશાળી પાત્રમાં ન સ્વીકારે પણ સંજય દત્તની વાત જુદી છે. તે અત્યારે પણ પરદા પર રૂઆબદાર લાગે છે, ખૂંખાર લાગી શકે છે. હકીકતે અત્યારે તેની ડિમાંડ આ ઇમ્પેકટ ઊભી કરી શકવાની ક્ષમતાને કારણે જ છે. તેની પર્સનલ ઇમેજ તેની સ્ક્રિન ઇમેજથી પણ આગળની છે. બીજી વાત એ પણ છે કે અત્યારે જેને વિલન કહેવાય તેવા કોઇ વિલન નથી રહ્યા અને કરોડોના બજેટમાં બનતી ફિલ્મોમાં હવે એવા વિલન જોઇતા હોય છે જે તેમની ઇમેજથી જુદા પડી નવી અસર ઊભી કરે. અક્ષયકુમારે પણ એ રીતે ખલનાયકી કરી છે. રિશી કપૂર પણ વિલન તરીકે આવી ગયા છે.

શાહરૂખ ખાનની ઇમેજ રોમેન્ટિક સ્ટારની છે, પણ ‘રઇસ’માં તે અપરાધી નાયક હતો. શાહીદ કપૂર પણ ‘કબીરસીંઘ’માં અપરાધી માનસિકતાવાળો હીરો જ હતો. અજય દેવગણે તો અનેકવાર ડોનની ભૂમિકા ભજવી છે. અત્યારે નેગેટિવ ચરિત્ર ધરાવતા હીરોનો સમય છે અને તે અમિતાભની ‘દિવાર’થી છે. આ કારણે જ સંજય દત્ત હજુ વધારે ટટ્ટાર રીતે તેની કારકિર્દીમાં આગળ વધી રહ્યો છે. સુનીલ શેટ્ટી, જોહ્‌ન અેબ્રાહમ વગેરે ભલે એકશનમાં સારા પણ તેઓ સંજય દત્ત જેવી ઇમેજ પેદા ન કરી શકે. એ માટે તો બિલકુલ તેવા થવું પડે. સંજય દત્ત જ ‘ખલનાયક’નો નાયક હોય શકે ને તેથી ‘ખલનાયક’ની સિકવલ પણ હવે બની રહી છે. •

Most Popular

To Top