Entertainment

સાઇડ હીરોમાંથી સ્ટાર ‘‘નંબર (માધ) વન’’

ક્રિકેટ, ક્રિકેટરો, સરહદ પર શહીદ થનારા બહાદૂર અધિકારીઓ પર ફિલ્મ બનાવવાનો ટ્રેન્ડ ખાસ્સો ચાલ્યો. એ ટ્રેન્ડ એટલે પણ ચાલ્યો કે ક્રિકેટ, ક્રિકેટરો અને સરહદ પર શહીદ થનારા બાંકા લશ્કરી અધિકારીઓની જીવનગાથા લોકોને ગમે છે. ક્રિકેટરો તો ખૂબ જ લોકપ્રિય છે. શું આ બધાની જગ્યાએ કોઇ વૈજ્ઞાનિક વિશેનો બાયોગ્રાફિકસ ડ્રામા ગમી શકે? હમણાં ‘રોકેટ બોયઝ’ નામની વેબ સિરીઝમાં હોમી ભાભા અને વિક્રમ સારાભાઇના વ્યકિતત્વ અને કાર્યને દર્શાવવાનો પ્રયત્ન થયો, પણ તેમાં આજકાલ જે થ્રીલની અપેક્ષા રખાય તે ન હતી.

એટલે એ સિરીઝ પૂરતી સફળ ન રહી. હવે ‘રોકેટ્રી : ધ નામ્બી ઇફેકટ’ આ 1 જુલાઇએ રજૂ થવા તૈયાર છે. તે ઇસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક નામ્બી નારાયણના જીવન -કાર્ય આધારીત છે. હમણાં સાઉથની જે ફિલ્મો હિન્દીમાં રજૂ થઇ રહી છે તેનાથી આ જુદી છે. અલબત્ત, અત્યારે પાન ઇન્ડિયા ફિલ્મનો ટ્રેન્ડ છે. એટલે આ ફિલ્મ તમિલ, હિન્દી અને ઇંગ્લિશ ઉપરાંત તેલુગુ, મલયાલમ, કન્નડમાં પણ ડબ્ડ સ્વરૂપે રજૂ થશે પણ તેથી તે ‘પુષ્પા’ કે ‘RRR’ પૂરવાર નથી થવાની અને એટલે આ ફિલ્મનો હીરો R. માધવને પણ રામચરણ, જુનિયર NTR, અલ્લુ અર્જુન બનવાની આશા રાખવા જેવી નથી. આ ફિલ્મમાં શાહરૂખ ખાનને પણ ખાસ ભૂમિકા આપવામાં આવી છે. તે પણ ફિલ્મની સ્ટાર વેલ્યુ વધારવા માટે જ છે.

આ ફિલ્મને સપોર્ટ કરવા અમિતાભ બચ્ચન અને પ્રિયંકા ચોપરાને ટ્વિટ કરવા કહેવાયેલું અને તેમણે તેમ કર્યું. ‘રોકેટ્રી : ધ નામ્બી ઇફેકટ’ કેટલી સફળ જશે તે ખબર નથી, પણ સફળ જાય તો વિજ્ઞાનિકો પણ વિષય બની શકે એવી શકયતા ખૂલશે. માત્ર વૈજ્ઞાનિકો જ શા માટે બીજા પણ એ ક્ષેત્રો છે, જેમાં જે તે વ્યકિતની પ્રતિભા જાહેરજીવન માટે ઉદાહરણ બની હોય. R.માધવન વડે નામ્બી નારાયણનની કથા આવી રહી છે તે સારી વાત છે અને તેણે સ્વયં આ વિજ્ઞાનીને વારંવાર મળી પટકથા ઘડી છે. આ એવા વિજ્ઞાની હતા, જેમણે 1994માં ખોટા આરોપ હેઠળ ધરપકડ થયેલી.  તેઓ પાકિસ્તાન માટે જાસૂસી કરે છે એવો આરોપ હતો અને લાંબો સમય ન્યાય માટે લડવું પડેલું.

ઠેઠ 2018માં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપેલો કે નામ્બિયારને ખોટી રીતે ફસાવાયા હતા. તેમણે જે ટેકનિકનો ટેસ્ટ કરેલો તે ભારતમાં પ્રથમવાર હતી. જેની મદદથી જ ભારતે પ્રથમ PSLV તૈયાર કરેલું. આખા કેસની વિગતો ચર્ચવી અહીં જરૂરી નથી પણ ફિલ્મમાં લોકોને રસ પડે એવો ‘મસાલો’ જરૂર છે. કારણ કે પછી તો એવું બનેલું કે 2019માં નામ્બીને પદ્મભુષણથી સન્માનાયા હતા. R. માધવન હિન્દી ફિલ્મોમાં હીરોથી વધુ સહાયક ભૂમિકા માટે જાણીતા છે, પણ કમલ હાસન પછી માધવન જ છે જેનો હિન્દી ફિલ્મોમાં સ્વીકાર થયો છે. તે પોતે પણ સાઉથની સમાંતરે હિન્દીને મહત્વ આપતો રહ્યો છે. તેણે TV સિરીયલોથી શરૂઆત કરેલી અને ઘણી સિરીયલો પછી ફિલ્મો તરફ વળેલો. લોકો તેને ‘ગુરુ’, ‘3 ઇડિયટ્‌સ’, ‘તનુ વેડ્‌સ મનુ’, ‘ઝીરો’થી વધુ જાણે છે. આ દરમ્યાન પણ તે ‘બ્રેથ’, ‘ડીકપલ્ડ’ જેવી વેબ સિરીઝમાં આવ્યો છે.

સાઉથની ડબ થતી ફિલ્મોના હીરો તો એ ફિલ્મ સાથે આવે અને ચાલ્યા જાય પણ R. માધવનનું એવું નથી. અત્યારે પણ તે ‘અલીબાગ’, ‘ધોખા’, ‘અમરીકી પંડિત’, ‘જી’ અને ‘ક્રિશ – 4’માં કામ કરવા ઉપરાંત ‘ધ રેલવે મેન’ વેબ સિરીઝનું શૂટિંગ કરે છે. માધવન ‘સાલા ખડ્ડુસ’ અને આ ‘રોકેટ્રી : ધ નામ્બી ઇફેકટ’નો નિર્માતા પણ છે અને આ વખતે તો દિગ્દર્શક, પટકથાકાર પણ છે. સ્વાભાવિક રીતે જ તે આ ફિલ્મની સફળતા ઇચ્છે છે. અભિનેતાથી વધુ તે નિર્માતા – દિગ્દર્શક તરીકે સફળતા ઇચ્છે છે. આ કારણે જ શાહરૂખખાન આ ફિલ્મમાં છે. જો કે આ ફિલ્મમાં બીજા અઢળક કળાકારો ભર્યા છે, પણ VFXની અપેક્ષા રાખતા હશો તો અહીં નહીં જોવા મળશે. •

Most Popular

To Top