સુરત (Surat): શિક્ષણ સમિતિના પ્રવેશોત્સવ (Praveshtosav) દરમિયાન આમ આદમી પાર્ટી (AAP) તેમજ ભાજપ (BJP) વચ્ચે ઘણી ગરમાગરમી થઈ હતી. પ્રવેશોત્સવમાં વિપક્ષના સભ્યોએ વિવિધ શાળાઓમાં મુદ્દાઓ ઉઠાવી વિરોધ કર્યો હતો. જે અંગે મનપાની સામાન્ય સભામાં પણ હોબાળો થયો હતો. પ્રવેશોત્સવ દરમિયાન વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી દ્વારા કરવામાં આવેલા વિરોધ અંગે શાસક પક્ષના નેતા અમિત સિંહ રાજપુરે સભામાં મુદ્દો ઉઠાવ્યો હતો અને ત્યારબાદ આપના નગરસેવક વિપુલ સુહાગીયાએ ભાજપના નગરસેવકોને અસામાજીક લુખ્ખા તત્વો કહેતા માહોલ ગરમાયો હતો અને શાસકોએ શબ્દો પાછા ખેંચવાની માંગ કરી હતી પરંતુ વિપુલ સુહાગીયાએ શબ્દો પાછા ન ખેંચતા મેયરે તેઓને સસ્પેન્ડ કર્યા હતા.
શિક્ષણ સમિતિની શાળાઓમાં પ્રવેશોત્સવ દરમિયાન વિપક્ષ દ્વારા હોબાળો કરાયો હતો અને તેમાં પણ વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ વિરોધ કરતા જે હરકતો કરવામાં આવી હતી તેનો ઉલ્લેખ શાસક પક્ષના નેતા અમિતસિંહ રાજપુતે સભામાં કર્યો હતો. વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ વિરોધ કરતા અશોભનીય વર્તન કર્યુ હતું અને તેના વિડીયો સોશિયલ મીડિયામાં તેઓએ જોયો હતો. અમિતસિંહે રાજપુતે જણાવ્યું હતું કે, આવા દ્રશ્યો મારી ઓફિસના ઉદઘાટનમાં જ જોયા છે. વિપક્ષી નેતાને આવું શોભતું નથી. તેઓ જો આવી હરકતો કરશે તો પાર્ટી કેવી રીતે ચાલશે.
તમે જવાબદાર નેતા છો અને તમારા માર્ગદર્શન હેઠળ પક્ષ ચાલે છે તેવું કહી વિપક્ષને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ આપના નગરસેવક વિપુલ સુહાગીયાએ ભાજપના નગરસેવકોએ અસામાજીક લુખ્ખા તત્વો છે જેથી તેઓએ ગાડીની તોડફોડ કરી હતી તેવી વાત કરતા જ ભાજપના નગરસેવકોએ હોબાળો કર્યો હતો અને શબ્દો પાછા લેવામાં આવે તેવી માંગ કરી હતી. મેયરે ડાયસ પરથી તેઓને શબ્દો પાછા ખેંચી માફી માંગવા કહ્યું હતું તેમ છતાં તેઓએ શબ્દો પાછા ન ખેંચતા વિપુલ સુહાગીયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
પલસાણા જી.આઈ.ડી.સી. દ્વારા ટ્રીટ કર્યા વિનાનું પાણી ખાડીમાં છોડવામાં આવે છે: દિનેશ રાજપુરોહિત
પલસાણા જી.આઈ.જી.સી દ્વારા ખાડીઓમાં ગંદુ પાણી સીધુ ઠાલવી દેવામાં આવે છે તેના કારણે ખાડી કિનારે વસતા લોકોને ગંદકી વચ્ચે રહેવા મજબૂત થવું પડે છે. સણિયા-સારોલી વિસ્તારમાં એ.સી.ની કોઈલ પણ 3 વર્ષમાં ખરાબ થઈ જાય છે આ અંગે એન.જી.ટીમાં ફરિયાદ કરી તેનું નિવારણ લાવવમાં આવે તેવી રજૂઆત ભાજપના નગરસેવક દિનેશ રાજપુહિતે કરી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ચોમાસામાં ખાડી ઓવરફ્લો થતી હોય છે તેનું પણ નિરાકરણ લાવવામાં આવે સાથે સાથે સહારા મલ્ટી લેયર બ્રિજ નીચે થતાં પાર્કિંગને ડાયવર્ટ કરવામાં આવે કે જેથી રસ્તો મોકળો થઈ શકે અને વ્યાપારીઓને ટ્રાફિકની તકલીફ ના થાય.
પુણા વિસ્તારમાં આવેલા તળાવનો વિસ્તાર લુખ્ખાં તત્ત્વોનો અડ્ડો બની રહ્યો છે: પાયલ સાકરિયા
મનપા દ્વારા કરોડોના ખર્ચે પ્રોજેક્ટો સાકાર કરી દેવામાં આવે છે પરંતુ તેનું મેઈન્ટેનન્સ કરવામાં આવતું નથી. પુણા વિસ્તારમાં ટી.પી 20 માં આવેલું તળાવ કરોડોના ખર્ચે સાકાર કરી દેવાયું પણ અહી ન્યુસન્સ વધી રહ્યું છે. મહિલાઓ એકલી અહીં જઈ પણ શકતી નથી. સીસીટીવી કેમેરા પણ 2 જ છે જે અંગે ફરિયાદો કરાઈ છે પણ નિરાકરણ આવી રહ્યું નથી. તળાવના ટોયલેટ બ્લોકમાં તાળુ છે. અહીં લોકો બેસીને ખુલ્લેઆમ દારૂ પીવે છે. રસ્તાઓની નબળી કામગીરી અંગે વિજીલન્સ વિભાગને પ્રશ્નો કરાતા તેઓ પણ ઉલટા જવાબ આપે છે, તેમ આપના નગરસેવક પાયલ સાકરીયાએ જણાવ્યું હતું.
અધિકારીઓના વહીવટથી ઈન્ડસ્ટ્રિયલમાં પાંચ માળ સુધીનાં બાંધકામ થઈ જાય છે: મહેશ અણઘણ
આપના નગરસેવક મહેશ અણઘણે જણાવ્યું હતું કે, ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં ગ્રાઉન્ડ ફલોર વત્તા 2 માળના જ બાંધકામો કરી શકાય છે. તેમ છતાં અધિકારીઓના વહીવટથી 5-5 માળ સુધીના બાંધકામો થઇ રહ્યા છે તો પછી તે માટે આયોજન અને પરમિશન આપવામાં આવે તો મનપાને આવક થઇ શકે તેમ છે. જેના જવાબમાં મનપા કમિશનરે જણાવ્યું હતું કે, હાલમાં સરકારના જીડીસીઆરમાં સુધારો કરાયો છે. અને આ જીડીસીઆર પ્રમાણે 13 મીટર સુધીની હાઈટના બાંધકામને મંજૂરી મળી છે અને 0.5 એફએસઆઇને બદલે હવે 1.6 એફએસઆઇ મળવાપાત્ર છે. મનપા કમિશનરે આ ઉત્તર આપ્યા બાદ ટી.પી કમિટી ચેરમેન કનુ પટેલે જણાવ્યું હતું કે, આ નિયમ માત્ર જી.આઈ.ડી.સી પુરતો જ છે.