આણંદ : આણંદ શહેરમાં રહેતી કોલેજીયન યુવતીએ તેના મામાના ઘર પાસે જ રહેતા યુવક સાથે ઓળખાણ થઇ હતી. જોકે, આ યુવકે ઓળખાણનો ઉપયોગ કરી આગળ વધી ગયો હતો. ઓળખાણનો લાભ લઇ યુવકે યુવતી સાથે સોશ્યલ મિડિયા પર ચેટીંગ શરૂ કર્યું હતું. આ બધુ યુવતીને સામાન્ય લાગી રહ્યું હતું. પરંતુ થોડા દિવસ પહેલા જ યુવકે પોત પ્રકાશ્યું હતું અને ચેટીંગ તેના પરિવારજનોને બતાવી દેવાની ધમકી આપી જબરજસ્તી બાઇક પર બેસાડી યુવતીને અજાણ્યા જગ્યાએ લઇ જવાની કોશીષ કરી હતી. જોકે, યુવતીને મામલાનો ખ્યાલ આવતાં તે ચાલુ બાઇક પર જ કુદી ગઇ હતી. જેના કારણે તે ગંભીર રીતે ઘવાઇ હતી. આખરે આ મામલો નવ ગુજરાત સંઘના અધ્યક્ષા સુધી પહોંચ્યો હતો.
આણંદના નજીકના ગામમાં રહેતી કોલેજીયન યુવતીનો પરિચય થોડા દિવસ પહેલા તેના મામાના ઘર પાસે રહેતી યુવતીએ તેની જ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. આ પરિચયમાં બન્નેને એક બીજાનો મોબાઇલ નંબર આપ્યો હતો. જોકે, આ નંબર મામાની પડોશમાં રહેતી યુવતીના ભાઈ પાસે પહોંચી જતાં તેણે તેની બહેનની મિત્ર સાથે ચેટીંગ શરૂ કરી દીધું હતું. મધ્યમવર્ગીય પરિવારની યુવતીએ શરૂઆતમાં આ મામલો હળવાશથી લીધો હતો. સોશ્યલ મિડિયા પર ચેટીંગ થોડા દિવસ ચાલ્યાં બાદ આ યુવકે પોત પ્રકાશ્યું હતું. યુવતી જે સ્થળે નોકરી કરતી હતી, ત્યાં અચાનક આવી ચડ્યો હતો અને જબરજસ્તી કરી યુવતીને ધમકી આપી હતી. ચેટીંગ બધાને બતાવી દઇશ તેમ કહી હાથ પકડી જબરજસ્તી બાઇક પર બેસાડી ભગાડી મુક્યું હતું.
જોકે, થોડું આગળ જતાં કંઇક અજુગતું થવાનો ડર લાગ્યો હતો. આથી, યુવતીએ હિંમત કરી ચાલુ બાઇક પરથી જ કુદકો માર્યો હતો. જેના કારણે તેને ઇજા પહોંચી હતી. આ ઘટના બાદ બન્ને થોડા દિવસ માટે છુટા પડી ગયાં હતાં. પરંતુ યુવકે ફરી ફોન પર ધમકીઓ આપવાનું શરૂ કરી દીધું હતું. યુવતીને બદનામ કરવા અલગ અલગ વાતો વહેતી કરી દીધી હતી. આખરે કંટાળી યુવતીએ સમાધાન કરવા જણાવ્યું હતું. જોકે, યુવક સમાધાન કરતો નહતો. આખરે આ અંગે યુવતીએ નવ ગુજરાત સ્ત્રી અધિકાર સંઘમાં ફરિયાદ કરતાં તેમના અધ્યક્ષા અલ્પાબહેને યુવકે બોલાવી તેને તેની ભાષામાં સમજાવ્યો હતો અને ફરી યુવતીને હેરાન ન કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત યુવતીએ બાઇક પરથી કુદકો માર્યો તે સમયે તેને થયેલી ઇજાના સારવારના રૂ.12 હજાર અને મોબાઇલ તુટી જતાં થયેલું નુકશાન રૂ.13 હજાર ચુકવી દેવા જણાવ્યું હતું.