આણંદ : વિદ્યાનગર સ્થિત ઇસ્કોન મંદિર દ્વારા 18મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રામાં આ વખતે રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રથમ વખત આણંદ ટાઉન પોલીસ મથકેથી રથયાત્રાનો પ્રારંભ થશે. જેનું મોડી સાંજે વિદ્યાનગર શાસ્ત્રી મેદાન ખાતે સમાપન થશે. અહીં ભક્તોને પ્રસાદ વહેંચવામાં આવશે. આ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા શાંતિ બેઠક સહિત રૂટ તપાસણી કરવામાં આવી હતી. વિદ્યાનગર ખાતે આવેલા રાધાગિરીધારીજી મંદિર – ઇસ્કોન દ્વારા અષાઢી બીજ નિમિત્તે 1લી જૂલાઇ શુક્રવારના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રથયાત્રા બપોરે આણંદ ટાઉન પોલીસ મથકેથી પ્રસ્થાન કરશે. જેમાં ગજરાજ, બે બગી અને રથ સાથે ભગવાન જગન્નાથ નગરચર્યા માટે નિકળશે. પ્રથમ ટાઉન પોલીસ સ્ટેશનથી નિકળી ગુરૂદ્વારા સર્કલ, અમૂલ ડેરી, સર્કિટ હાઉસ, લોટીયા ભાગોળ, ટાઉન હોલ, વિદ્યાનગર રોડ, વિદ્યાનગર મોટા બજાર થઇ સાંજે શાસ્ત્રી મેદાન ખાતે રથયાત્રાનું સમાપન કરાશે. રાત્રે 8-30 કલાકે આરતી અને કિર્તન, 9 કલાકે પ્રીતિભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રામાં મધુર હરિનામ સંકિર્તન, ભાવમય નૃત્ય અને પ્રસાદ વિતરણ રથયાત્રાનું મુખ્ય આકર્ષણ રહેશે.
ખેડામાં રથયાત્રામાં 160 બોડીવોર્મ કેમેરાનો ઉપયોગ કરાશે
નડિયાદ । ખેડા જિલ્લાના ડાકોર, નડિયાદ, મહુધા, કપડવંજ, કઠલાલ, મહેમદાવાદ અને માતરમાં રથયાત્રા પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવનાર છે. આ પ્રસંગે મંદિરોમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ એકત્રિત થશે. જે દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર જિલ્લાભરની પોલીસ ફોર્સ પૈકી 70 ટકા પોલીસ રથયાત્રા બંદોબસ્તમાં ફાળવી દેવામાં આવી છે. તદુપરાંત સરકારના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નડિયાદ અને ડાકોર શહેરમાં લગાવવામાં અદ્યતન ટેકનોલોજીથી સજ્જ સીસીટીવી કેમેરાથી પણ રથયાત્રાનું લાઈવ રેકોર્ડીંગ કરવામાં આવશે. જ્યારે જિલ્લામાં રથયાત્રા દરમિયાન સૌપ્રથમ વખત બોડીવોર્મ કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવનાર છે. રાજ્ય સરકાર તરફથી ફાળવવામાં આવેલાં 144 રેકોર્ગીંગ બોડીવોર્મ કેમેરા તેમજ 16 લાઈવ બોડીવોર્મ કેમેરના માધ્યમથી રથયાત્રામાં સામેલ શ્રધ્ધાળુઓ ઉપર સીધી નજર રાખવામાં આવશે. જેમાં ડાકોરમાં 4, મહેમદાવાદમાં 3, નડિયાદમાં 2, કપડવંજમાં 2, મહુધામાં 2, માતરમાં 1 અને કઠલાલમા 1 બોડીવોર્મ કેમેરાથી સજ્જ પોલીસકર્મી તૈનાત રહેશે.