Vadodara

8 વર્ષના બાળકનું અપહરણ બાદ હત્યા કરનારને ફાંસી

સાવલી: ડેસર તાલુકાના છાલિયેર ગામના  8 વર્ષ ના બાળક ના અપહરણ અને હત્યા તેમ જ પોકસો ના ગુના હેઠળ પકડાયેલ આરોપીને સાવલી અધિક સેશન્સ કોર્ટે ફાંસીની સજા સંભળાવતા સમગ્ર કોર્ટ પરિસરમાં સન્નાટો બચી જવા પામ્યો હતો. જ્યારે સાવલી તાલુકાના ઇતિહાસમાં પ્રથમવાર સાવલી ની કોર્ટ દ્વારા ફાંસીની સજાનો હુકમ સંભળાવ્યા નો બનાવ નોધાવા પામ્યો છે. ડેસર પોલીસ મથકે તારીખ 22 10 2016 ની ના રોજ ફરિયાદી કુલદીપસિંહ રણજીતસિંહ રાઉલજી રહે છાલીયેર દરબાર ગઢની બાજુમાં ઊંડું ફળિયું તા ડેસરે પોતાની ફરિયાદમાં નોંધાવ્યું હતું કે તારીખ 21 10 2016 ના રોજ પોતાના ઘરેથી ફોન આવેલ કે તેમના કાકા નો દીકરો વીરભદ્રસિંહ સાડા સાત વાગ્યા સુધી મળતો નથી.

જેથી સગા સંબંધીઓમાં અને ફળિયાઓમાં શોધખોળ આદરી હતી પણ ક્યાંય પત્તો જડેલો નહી ત્યારબાદ તારીખ 22 ના રોજ સવારના છ વાગે મોબાઈલ જોતા મોબાઇલમાં 7096179275 નંબરના મોબાઈલ પરથી હિંદી ગુજરાતી અંગ્રેજી મિક્સ ભાષામાં ટાઈપ કરેલા શબ્દોમાં તારો છોકરો મારા કબજામાં છે હમણાં બરોડામાં છે અને તારે તારો છોકરો તો જોઈતો હોય તો કાલે સવારે મારો આદમી આવશે દસ લાખ રૂપિયા આપી દેજે જે પૈસા કાપડની થેલી માં લાવવાનું અને એકલું આવવાનું તેમજ પોલીસને જાણ કરશો તો છોકરો ખલાસ થઈ જશે હોશિયાર રહેના ભૂલના મત જેવો મેસેજ કર્યો હતો જેના કારણે બીજાનો ગભરાઈ ગયા હતા અને શું કરવું તેની સમજ પડતી ન હતી અને ભારે ગભરાઈ ગયા હતા. 

ત્યારબાદ ફરી મેસેજ આવેલો કે ચલ પાંચ લાખ આપજે ત્યાર પછી ફરી મેસેજ આવેલો આમ વારંવાર ખંડણી બાબતે મેસેજ આવતા હતા જેથી ગભરાઈ જઈને અપહરણ કરતાને જણાવેલ કે વીરભદ્રને કોઈ નુકસાન ન કરતા પૈસા નો બંદોબસ્ત કરી રહ્યા છે થોડો સમય માગ્યો હતો.આમ વારંવાર ફોન આવી રહ્યા હતા જે બનાવની જાણ ડેસર પોલીસને થતા તત્કાલિન પીએસઆઇ જે  જે પટેલ ને બાતમી મળતા તેઓએ ભોગ બનનારના પરિવારને વિશ્વાસમાં લઈને ફરિયાદ કરવા માટે સમજાવ્યા હતા ભારે સમજાવટ બાદ પરિવારજનો માની ગયા હતા અને તેના પગલે ડેસર પોલીસ મથકે  ફરિયાદ નોંધાવી હતી.

ડેસર પોલીસે સમગ્ર બનાવમાં તરત જ હરકતમાં આવી હતી અને પોલીસે તપાસ નો ધમધમાટ શરૂ કર્યો હતો  અને ખંડણીના મેસેજ આવતા  મોબાઈલ નંબરના સીડીઆરના આધારે તપાસ હાથ ધરી હતી અને વોચ ગોઠવી હતી તે દરમિયાન અપહરણ કર્તા એક ફોન કર્યો હોવાનું પોલીસને ધ્યાને આવ્યા  પોલીસે ફોન રીસીવ કરનારને અટક કરીને  પૂછપરછ કરતા સમગ્ર ઘટના બહાર આવી હતી અને  આરોપી પણ છાલિયેર ગામનો હોવાનું ખુલ્યું હતું અને માત્ર મેસેજ કરવા માટે જ ફોન ચાલુ કરતો હતો અને તરત જ બંધ કરી દેતો હતો તેના પગલે પોલીસે પોતાના મોસાળમાં રહેતા ધીરેન્દ્રસિંહ ઉર્ફે પપ્પુ ખુમાનસિંહ ઠાકોર રહે છાલિયેર  તા ડેસર (ઉ.20)ને ઝડપી પાડ્યો હતો અને ગુમ થનાર બાળક વિશે પૂછપરછ કરતા તેને પોતાના મકાનના પહેલાં માળે બોક્સમાં બાંધીને સંતાડીને  મૂકી દીધો હોવાનું ખુલતા પોલીસે તપાસ કરતા બાળક મૃત હાલતમાં મળ્યો હતો.

ત્યારબાદ પોલીસે વધુ તપાસ કરતા આરોપીએ મૃતક બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યા હોવાનું પણ બહાર આવ્યું હતું તેના પગલે પોલીસે હત્યા અપહરણ પોક્સો સહિતની કલમો નોંધીને આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો જેનો કેસ સાવલી અધિક સેશન કોર્ટે માં ચાલી જતા સરકારી વકીલ સી જે પટેલ ની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી ને આરોપી ધીરેન્દ્રસિંહ ઉર્ફે પપ્પુ ખુમાનસિંહ  ઠાકોર ને કસૂરવાર ઠેરવીને ફાંસીની સજા સંભળાવી હતી અને પોલીસ ના તમામ પુરાવાઓને કોર્ટે ગ્રાહ્ય રાખ્યા હતા અને ફાંસીની સજાને બહાલી આપવા માટે હાઇકોર્ટ સમક્ષ રેકોર્ડ મોકલવા તજવીજ હાથ ધરી છે.

સાથે સાથે જિલ્લા કાનૂની સહાય મંડળને ભોગ બનનારના પરિવારને ૧૦ લાખની સહાય ચૂકવવા પણ ભલામણ કરી છે અને આરોપીને પોલીસે લગાવેલી તમામ કલમોમાં કસૂરવાર ઠેરવીને ફાંસીની સજા આજીવન કે સાત વર્ષની સજા 25 હજારનો દંડ જેવી સજા અધિક સેશન્સ જજ જે.એ.ઠક્કરે સંભળાવી હતી જેના પગલે સમગ્ર કોર્ટ પરિસરમાં સન્નાટો મચી ગયો હતો જ્યારે સાવલી કોર્ટ ના ઇતિહાસમાં પ્રથમ વાર ફાંસીની સજા સંભળાવતા સમગ્ર તાલુકામાં સોંપો પડી ગયો હતો¹.

Most Popular

To Top