મુંબઈ: રિલાયન્સ ગ્રુપ(Reliance Group)ના ચેરમેન(Chairman) મુકેશ અંબાણી(Mukesh Ambani)એ જિયો(Jio) ટેલિકોમ(Telecom)ના ડાયરેક્ટર(Director ) પદેથી રાજીનામું(Resignation) આપ્યું છે. તેમના પુત્ર આકાશ અંબાણી(Aakash Ambani)ને જિયોના નવા ચેરમેન (Chairman) બનાવવામાં આવ્યા છે. કંપનીના બોર્ડે આકાશની નિમણૂંકને મંજૂરી આપી દીધી છે. જિયો દેશની લીડિંગ 4G ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર છે.
રિલાયન્સ ગ્રુપ, દેશના સૌથી મોટા કોર્પોરેટ ગૃહોમાંથી એક રિલાયન્સ ગ્રુપની કમાન આગામી પેઢીને આપવાની તૈયારીઓ થઇ રહી છે. મુકેશ અંબાણીએ 64 વર્ષની ઉંમરે જિયોનું ડાયરેક્ટરનું પદ છોડીને પોતાના 30 વર્ષના દીકરા આકાશ અંબાણીને આ કમાન સોંપી દીધી છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં મુકેશ અંબાણીએ કંપનીના નેતૃત્વમાં ફેરફારની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે મોટા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે નવા નેતૃત્વને આગળ લાવવા પડશે. તે સમયે પણ એવી અટકળો હતી કે તેઓ જિયોની કમાન નવી પેઢીને સોંપવા માંગે છે. જો કે, ત્યારબાદ તેઓએ ફેરફારની સમય મર્યાદા જણાવી ન હતી.
આ લોકોને પણ બોર્ડમાં સ્થાન મળ્યું
આ સિવાય બોર્ડે રામિન્દર સિંહ ગુજરાલ અને કેવી ચૌધરીની વધારાના ડિરેક્ટર તરીકે નિમણૂકને પણ મંજૂરી આપી છે. આ બંનેને 5 વર્ષ માટે સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમજ બોર્ડે રિલાયન્સ જિયોના મેનેજિંગ ડિરેક્ટર તરીકે પંકજ મોહન પવારની નિમણૂકને પણ મંજૂરી આપી છે. આ નિમણૂક 27 જૂન, 2022 થી આગામી 5 વર્ષ માટે છે. આ નિમણૂંકોને શેરધારકો દ્વારા મંજૂર કરવાની બાકી છે.
દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની શરૂઆત મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણીએ કરી હતી. તેઓ પાસે કોઈ પ્રકારની વારસાગત સંપત્તિ ન હતી. પિતાના મૃત્ય બાદ મુકેશ અંબાણી અને ભાઈ અનિલ અંબાણી વચ્ચે સંપત્તિની વહેંચણીમાં કોકિલાબેને મુખ્ય ભૂમિકા નિભાવી હતી. ત્યારબાદ મુકેશ અંબાણીનાં નેતૃત્વવાળી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સફળતાના પગથિયાઓ ચઢતી રહી અને આજે દેશની સૌથી મોટી કંપનીઓમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું નામ મોખરે છે.
એશિયાના સૌથી ધનિક વ્યક્તિનો ખિતાબ મેળવ્યો
થોડા વખત પહેલા જ મુકેશ અંબાણીએ ગૌતમ અદાણીને પાછળ છોડીને એશિયાની સૌથી ધનિક વ્યક્તિનો ખિતાબ હાંસલ કર્યો હતો. રિલાયન્સના શેર્સમાં ઉછાળો થતાં એક જ દિવસમાં મુકેશ અંબાણીની સંપત્તિમાં 3.6 અબજ ડોલરનો વધારો નોંધાયો હતો. મુકેશ અંબાણી 97.74 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે વિશ્વની આઠમી સૌથી અમીર વ્યક્તિ છે. જ્યારે, અદાણી 7.66 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં નવમા ક્રમાંકે છે.
ધીરુભાઈ અંબાણીનો પરિવાર
ધીરુભાઈ અંબાણીનાં પરિવારમાં પત્ની કોકિલાબેન અને બે દીકરા મુકેશ અંબાણી અને અનિલ અંબાણી છે. તેમજ બે દીકરીઓ દીપ્તિ અને નીના છે. 6 જુલાઈ 2002ના રોજ ધીરુભાઈનું નિધન થયું હતું. મુકેશ અંબાણીનાં પરિવારમાં પત્ની નીતા અંબાણી અને બે પુત્રો આકાશ અંબાણી, અનંત અંબાણી તેમજ એક પુત્રી ઇશા છે. આકાશ અંબાણીનાં 2019માં શ્લોકા મહેતા સાથે લગ્ન થયા હતા અને તેઓનો એક દીકરો છે જેનું નામ પૃથ્વી અંબાણી છે.
આકાશ અંબાણી ફેમિલી બિઝનેસ સાથે જોડાયેલા છે. તેઓ જિયો પ્લેટફોર્મ્સ, જિયો લિમિટેડ, સાવન મીડિયા, જિયો ઈન્ફોકોમ, રિલાયન્સ રિટેલ વેન્ચર્સના બોર્ડમાં સામેલ છે. દીકરી ઈશાએ વર્ષ 2015માં ફેમિલી બિઝનેસ જોઈન કર્યું હતું. તેઓ જિયો પ્લેટફોર્મ્સ, જિયો લિમિટેડ, રિલાયન્સ રિટેલ વેન્ચર્સના બોર્ડમાં સામેલ છે. તેમના લગ્ન વર્ષ 2018માં આનંદ પીરામલ સાથે થયા હતા. તેઓનો નાનો દીકરો અનંત અંબાણી પણ ફેમિલી બિઝનેસ સાથે જોડાયેલો છે. જે રિલાયન્સ ન્યૂ એનર્જી, રિલાયન્સ ન્યૂ સોલર એનર્જી, રિલાયન્સ O2C, જિયો પ્લેટફોર્મ્સના બોર્ડમાં સામેલ છે.