સુરત(Surat) : ડાંગ(Dang)નો એ અંતરિયાળ વિસ્તાર કે જ્યાં કોઈ સ્કૂલ(School) પણ શરૂ કરવાનું વિચારે નહીં ત્યાં 20 વર્ષ પહેલા એક સંસ્થા(institute)ના નેજા હેઠળ સ્કૂલ શરૂ કરવામાં આવી હતી. ત્યાં સંપૂર્ણ મફત(Free) શિક્ષણ(Education) આપવામાં આવે છે. છેલ્લા 20 વર્ષમાં આ સ્કૂલ ભણેલાઓ પૈકી સેંકડો વિદ્યાર્થીઓએ કારકિર્દી બનાવી છે. તેમાં એમબીબીએસ(MBBS) ડોક્ટર્સથી લઈને ઇજનેર અને આઈઆઈટી(IIT)નો અભ્યાસ કરી રહ્યા છે. માત્ર મફતમાં જ ભણાવવામાં આવે એવું નહીં પરંતુ ત્યાં રહેવા-ખાવાની વ્યવસ્થા પણ મફતમાં છે. જે વિદ્યાર્થી ધોરણ 12 પછી આગળ અભ્યાસ કરવા માંગે તેનો સંપૂર્ણ ખર્ચ પણ સંસ્થા ભોગવે છે.
- અહીંની શાળામાં ભણીને 4 બીએએમએસ, 3 ડીએચએમસ, 18 ડેન્ટિસ્ટ, 182 ઇજનેર, 42 બીએસસી નર્સિંગ અને 26 શિક્ષક બન્યા
- નિવાસી સ્કુલમાં મફતમાં શિક્ષણ આપવામાં આવે છે, જે વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ કરે તેમનો તમામ ખર્ચ સંસ્થા ભોગવે છે
ડાંગમાં સાપુતારા પાસે તળેટીમાં આવેલા માલેગાંવમાં પ્રયોશા પ્રતિષ્ઠાન નામની આ સંસ્થા દ્વારા 2002 માં સ્કૂલ શરૂ કરાઈ હતી. સંસ્થાના પ્રમુખ પી.પી. સ્વામીએ જણાવ્યું હતું કે, સુરતના દાનવીરોથી ચાલતી આ સંસ્થામાં હાલમાં પણ 380 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ડાંગના અંતરિયાળ વિસ્તારમાં સાયન્સની સ્કૂલ નહીં હતી. તેથી વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ કરી શકતા ન હતા. તેથી સંસ્થાએ માલેગાંવમાં આ સાયન્સ સ્કૂલ શરૂ કરી હતી. માલેગાંવથી દૂરના વિસ્તારમાં આવેલા ગામડાના બાળકો રોજ આવી-જઈ શકતા નથી તેથી નિવાસી સ્કૂલ બનાવી છે. તેથી બાળકો સ્કૂલમાં જ રહીને અભ્યાસ કરી શકે છે. તેમને સંપૂર્ણ શિક્ષણ મફતમાં આપવામાં આવે છે. રહેવા-જમવાની સગવડ મફત છે. આગળ અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓની તમામ જરૂરિયાતો સંસ્થા પૂરી પાડે છે.
8 વિદ્યાર્થી એમબીબીએસ ડોક્ટર બન્યા
ડાંગના વિદ્યાર્થીઓમાં આગળ વધવાની બહુ ક્ષમતા છે. છેલ્લા 20 વર્ષમાં આ સંસ્થામાંથી અભ્યાસ કરીને ગયા હોય એવા 8 વિદ્યાર્થી હવે એમબીબીએસ ડોક્ટર છે. તેમાંથી ત્રણે ચીનમાં મેડિકલનો અભ્યાસ કર્યો છે. 4 બીએએમએસ, 3 ડીએચએમસ ડોક્ટર છે. 18 ડેન્ટિસ્ટ, 182 ઇજનેર, 42 બીએસસી નર્સિંગ અને 26 શિક્ષકો છે. એક વિદ્યાર્થી તો આઈઆઈટી દિલ્હીમાં ટેક્સટાઈલ બ્રાંચમાં અભ્યાસ કરે છે. ડાંગના થોરપાડા ગામમાં રહેતો અવિરાજ એસ ચૌધરી આઈઆઈટી દિલ્હીમાં અભ્યાસ કરે છે. તેના માતા-પિતાને તો એ પણ નથી ખબર કે દિલ્હી શહેર છે. તો તબીબ સંદીપના માતા-પિતાને ચીન વિશે કાંઈ ખબર ન હતી.
મારો દીકરો બહુ દૂર ભણે છે : સંદીપના માતા-પિતા
ડાંગના બીલમાળ ગામના વતની સંદીપ ભાસ્કરભાઈ પવારે સાત વર્ષ પહેલા ચીનમાંથી એમબીબીએસની ડીગ્રી મેળવી હતી. તે ચીનમાં અભ્યાસ કરતો હતો ત્યારે પણ તેના માતા-પિતાને ખબર ન હતી કે ચીન ક્યાં છે. તેનું નામ પણ તેમને યાદ રહેતું ન હતું. તે ડોક્ટરનો અભ્યાસ કરતો હોવાથી સામાજિક-રાજકીય આગેવાન તેના ઘરે મળવા જતા હતા ત્યારે તેના માતા-પિતાને દીકરો ક્યાં અભ્યાસ કરે છે એવું પૂછતા તેઓ માત્ર એટલુંજ કહેતા કે તેમનો દીકરો બહુ દૂર અભ્યાસ કરે છે. લોકો ક્યાં ભણે છે એવું વારંવાર પૂછતા ત્યારે ઘરમાંથી સંદીપના એડમિશન સમયની માર્ગદર્શિકા પુસ્તિકા બતાવતા ત્યારે લોકોને ખબર પડી કે તેમનો પુત્ર ચીનમાં અભ્યાસ કરે છે.
ડાંગના થોરપાડાના અવિરાજ ચૌધરીએ આઇઆઇટી દિલ્હીમાં પ્રવેશ મેળવ્યો
ડાંગના થોરપાડા ગામમાં રહેતો અવિરાજ એસ ચૌધરીને આઈઆઈટી દિલ્હીમાં પ્રવેશ મળ્યો ત્યારે તેના માતા-પિતાને ખબર નહીં કે દિલ્હી ક્યાં છે અને શું છે. એટલુંજ ખબર કે બહુ દૂર છે. તેથી તેના પિતાએ સંસ્થાને વિનંતી કરી હતી કે અભ્યાસ તો ગમે ત્યાં થઈ શકે છે તો તેને આટલા દૂર મોકલવાની શી જરૂરત છે.ત્યારે તેમના પિતાને સમજાવ્યું કે આઈઆઈટી બહુ મોટી સંસ્થા છે. તે જ્યાં હોય અને જે આઈઆઈટીમાં પ્રવેશ મળ્યો હોય ત્યાં જ મોકલવો પડે છે. ત્યારે અવિરાજના પિતા માન્યા હતા.