Columns

પારસમણિ

આપણે ભગવાનની સર્જન અને વિસર્જન શક્તિને સમજવાથી માનવનું માન કેવી રીતે ઓગળે છે તે સમજ્યા. આ અંકમાં ભગવાનની આ કર્તૃત્વશક્તિને હજી ઊંડાણથી સમજીએ.  અનેક વર્ષો પહેલાંની વાત છે. રાજશાહી પરિવારમાં જન્મતાવેંત એક નાની બાળકી રાણીના પદને તો પામી ચૂકી પરંતુ બાળસહજ અવસ્થાના કારણે તેને એ વાતનો ખરેખર મહિમા નહોતો સમજાયો. યુવાનીમાં પણ આ જ સમસ્યા બાધારૂપ બની રહી. તેથી રાજાએ ભાવિ વારસાની ચિંતા એક વિદ્વાન શિક્ષકને જણાવી.

શિક્ષકે એક વંશવૃક્ષ દોરીને સમજાવ્યું કે આ તારું મૂળ અને જે શાખા છે એ તારા વંશમાં થઈ ગયેલા રાજાઓ છે. તેઓના વંશમાં “મહાસમ્રાટ”ના સ્થાને આજે તું છે. આ વાત સમજાતાં એ બાળબુદ્ધિ પરિપક્વતાને પામી ચૂકી અને તેને આજે સમગ્ર વિશ્વ ‘રાણી વિક્ટોરિયા’ના નામથી જાણે છે.  શું લોકોએ તેને અનેક વાર ‘રાણી’ તરીકેની વાત નહીં કરી હોય? તો પછી કેમ આ ન સમજાયું? પારસમણિ તો પાસે જ હોય પરંતુ મિત્રો વચ્ચે રહેલું નાનું લિટમસ પેપર પણ લોઢાને કંચન થવા દેતું નથી. સાચું જ્ઞાન એટલે ભગવાનનું જ્ઞાન પારસમણિ તુલ્ય છે. માનવને આ યથાર્થ સમજણ થતાં જ અજ્ઞાન વાદળો દૂર થાય છે ને જ્ઞાનરવિ પ્રકાશે છે.

એવી જ રીતે આપણે શાસ્ત્રમાં કે મોટા પુરુષના મુખે સ્વસ્વરૂપની ને પ્રભુમહિમાની સારી સારી વાતો સાંભળતા હોઈએ પરંતુ જો મનમાં યથાર્થ દૃઢતા ન હોય ત્યાં સુધી એનો ખરેખરો સાક્ષાત્કાર થતો નથી. પરંતુ એ યથાર્થ જ્ઞાન શું? તો ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે કે
यथाकाशस्थितो नित्यं वायुः सर्वत्रगो महान्।
तथा सर्वाणि भूतानि मत्स्थानीत्युपधारय।।(9/6)
જેમ નિત્ય ને સર્વત્ર ગમનશીલ વાયુનો આધાર આકાશ છે તેમ સર્વે જીવનો આધાર ભગવાન છે, જે પરમાત્મામાં સ્થિત છે.

सर्वभूतानि कौन्तेय प्रकृन्तिं यान्ति मामिकाम्।
कल्पक्षये पुनस्तानि कल्पादौ विसृजाम्यहम्।।(9/7)
સૃષ્ટિ આરંભે ભગવાન સૌ સ્થાવર – જંગમ જગત સર્જે છે અને તે જ સૃષ્ટિના પ્રલય વખતે સૌને પોતામાં લીન કરે છે.
 અર્થાત ભગવાન જ સર્વ કર્તાહર્તા, સર્વના કારણ અને પ્રલયના કરનારા છે. એ વાત સ્પષ્ટ રીતે જણાવવામાં આવી છે. જો આ વાત સમજી લેવામાં આવે એટલે કે જીવનમાં ઉતારવામાં આવે તો જીવનમાં ભલે ઉતાર – ચઢાવની પરિસ્થિતિ સર્જાય પરંતુ મુખ પરની રેખા ન બદલાય. સદા શાંતિ રહે.

હા, આ જ્ઞાન વગર આપણે પોતાને જ હીન ભાવનાથી ગ્રસ્ત સમજીએ છીએ. મૂળ સ્વભાવોના કારણે પ્રાયઃ વ્યક્તિ પોતાને ક્રોધી, લોભી કે નબળો સમજે છે પરંતુ શું કુબેરના પુત્રને દરિદ્રતાનો પ્રશ્ન નડે? તેમ मत्स्थानीत्युपधारय શબ્દ દ્વારા કૃષ્ણ ભગવાન જણાવે છે કે આપણે સાક્ષાત્ ભગવાનના પુત્રો છીએ. હા, અનંત શક્તિ અને સામર્થ્યવાળા ભગવાન આપણા પિતા છે. તેથી જ તો અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદસ્વામી પણ આપણું વાસ્તવિક સ્વરૂપ ઓળખાવતાં કહે છે કે “આપણે તો ભગવાનના છીએ, પરંતુ માયાના નથી.”

આદિ ગુરુ શંકરાચાર્યે આ જ્ઞાનનું ફળ જણાવ્યું છે કે “तत्त्वे ज्ञाते कः संसारः?” ખરેખર પોતાનું સ્વરૂપ જાણવામાં આવે તો પછી આપણે સર્વ સમસ્યામાં પણ સદા પ્રફુલ્લિત રહી શકીએ છીએ અને આ જ ભગવદ્ ગીતાના આ 2 શ્લોકનો ભાવાર્થ છે. વચનામૃત કહે છે કે “પુરુષોત્તમ ભગવાન તે સર્વેની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેના કર્તા છે. ભગવાનનો આવો મહિમા સમજે છે ત્યારે એનાં ઈન્દ્રિયો, અંતઃકરણ સર્વે પુરુષોત્તમરૂપે થઈ જાય છે.”

15/06/1995 દિવસે BAPS સંસ્થાના વરિષ્ઠ સંતે પ્રમુખસ્વામી મહારાજને નિર્માણાધીન લંડન મંદિરનો રિપોર્ટ અને સાથે પોતાની મુંઝવણ જણાવી કે “સ્વામી! આપે જે સપ્તાહમાં પ્રતિષ્ઠા કરવા જણાવ્યું છે, તેના નિર્માણમાં ઘણું કાર્ય શેષ છે ને અનેક પ્રશ્નો છે.” ત્યારે ભગવાનને, ગુરુના મહિમાને યથાર્થ જાણનારા ને પ્રચંડ પુરુષાર્થી બાપાએ જણાવ્યું કે “યોગીજી મહારાજના(ગુરુ) પ્રતાપે ટાઈમે બધુ પૂરું થશે ને ભવ્ય પ્રતિષ્ઠા થશે.” અને ખરેખર 20/08/1995ના દિને ભવ્ય લંડન મંદિર પ્રતિષ્ઠા સંપન્ન થઈ. આમ પ્રમુખસ્વામી મહારાજ ભગવાનની આ કર્તૃત્વશક્તિથી પરિચિત હતા. તેથી જ તો દરેક પરિસ્થિતિમાં તેઓ ભગવાનને આગળ રાખતા. ભાર તેમને જ સોંપતા. પોતે હળવા રહીને જ પુરુષાર્થ કરતા. તેમને ભગવાનના મહિમાનું યથાર્થ જ્ઞાન સર્વકાળે હતું. તેથી જ તેઓ દરેક કાર્યમાં સર્વદા શ્રેષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા. તો ચાલો, ભગવદ ગીતામાં કથિત પરમાત્મા એ જ આપણો આધાર છે. સર્વ કર્તા, હર્તા અને કારણ છે, એને યથાર્થ સમજીએ અને આપણા જીવનમાં પારસમણિ સ્થાપીએ.

Most Popular

To Top