એક દિવસ નારદજી ગંગા નદીને મળવા ગયા અને કટાક્ષમાં પૂછવા લાગ્યા, ‘ગંગા , તું શું પૃથ્વીલોક પર આવીને ખુશ છે? આ માનવીઓ તો તારો ઉપયોગ પોતાના પાપ ધોવા માટે કરે છે.તારાં પાણીથી સ્નાન કરીને પોતે પવિત્ર થઈને તને અપવિત્ર કરીને ખુશ થઈને જાય છે.’ગંગા નદીએ કહ્યું, ‘નારદજી, હું પૃથ્વી પર મારા પ્રભુની આજ્ઞાથી અને તેમનું આપેલું કામ પૂરું કરવા આવી છું અને હું તે કરું છું.લોકોની આસ્થા છે અને હું મારું કર્મ કરી શકું છું એટલે ખુશ છું.’નારદજી આગળ બોલ્યા, ‘ગંગા, તારા પવિત્ર જળમાં રોજ આટઆટલાં પાપ ઠલવાય છે તો તું આ બધાં પાપનું શું કરે છે? એક દિવસ એવો ન આવે કે તું પાપથી ઉભરાઈ જાય.’ગંગા નદીએ જવાબ આપ્યો, ‘દેવર્ષિ, હું શું કામ પાપથી ઉભરાઈ જાઉં? હું કોઈ પાપ મારી પાસે રાખતી જ નથી.’નારદજી બોલ્યા, ‘તો શું પાપ કયાં જાય છે?’
ગંગા નદીએ કહ્યું, ‘દેવર્ષિ, હું તો મારું સઘળું જીવન અને જળ બધું જ સમુદ્રને જ અર્પણ કરું છું એટલે બધાં પાપ પણ સમુદ્રમાં જ ઠાલવી દઉં છું.હું તો એવી જ પવિત્ર રહું છું કારણ એક પણ પાપ મારી પાસે રાખતી જ નથી.’નારદજી પોતાના મનનો પ્રશ્ન લઈને સાગર પાસે ગયા અને સાગરને કહ્યું, ‘સાગર, શું તમને ખબર પણ છે કે માનવો ગંગા નદીમાં પોતાના પાપ ધુએ છે તે બધા જ પાપ ગંગા નદી પોતાના જળ સાથે તમારી અંદર ઠાલવી દે છે.જલ્દી જાગી જાવ નહિ તો વર્ષો વિતતા તમારું આખું પેટાળ પાપોથી ઉભરાવા લાગશે.’ સાગરે હસીને જવાબ આપ્યો, ‘દેવર્ષિ, આપ મારી ચિંતા ન કરો.મારા પેટાળમાં શું રાખવું અને શું નહિ તે માટે હું જાગ્રત છું.હું કોઈ પાપને મારી પાસે રાખતો જ નથી.’નારદજીએ પૂછ્યું, ‘તો શું કરો છો તમે આ બધા પાપનું…’સમુદ્રે કહ્યું, ‘હું તો બધા પાપની વરાળ કરીને વાદળને આપી દઉં છું.’