સુરત : જ્યાં પુત્રવધુ (Daughter In law) અને સાસુ (Mother In law) વચ્ચે મોટાભાગે માથાકૂટ રહેતી હોય ત્યાં ક્યારેય કોઈ પુત્રવધુએ સાસુના અગ્નિસંસ્કાર (cremation) કર્યા હોય તેવું સાંભળ્યું છે? સુરતમાં (Surat) આવું થયું છે. સુરતમાં જાણીતા એલપી સવાણી ગ્રુપના માવજીભાઈ સવાણીના પત્ની વસનબેનનું ગઈકાલે શુક્રવારે અવસાન થયું હતું. માંદગીને કારણે વસનબેનની લાંબા સમય સુધી તેમના પુત્રવધુ પૂર્વી દ્વારા સેવા કરવામાં આવી હતી. જેને કારણે જ્યારે વસનબેનનું અવસાન થયું ત્યારે પૂર્વી સ્મશાન પહોંચી હતી અને ખુદ પૂર્વીએ સાસુના અગ્નિસંસ્કાર કર્યા હતા.
સામાજિક રીતે અલગ જ મિશાલ ઊભી કરતી આ ઘટનાની વિગતો એવી છે કે, સુરતના જાણીતા શૈક્ષણિક, હોસ્પિટલ તેમજ સામાજીક કાર્યોમાં અગ્રેસર એલપી સવાણી ગ્રુપના માવજીભાઈ સવાણીના પત્ની વસનબેન સવાણીનું લીવર બદલવું પડે તેમ હતું. આને કારણે તેઓ માંદા રહેતા હતા. થોડા સમયમાં જ તેમને લીવર મળી જતાં વસનબેનનું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. થોડા સમય પહેલા જ લીવરનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હોવાથી તેમની અમદાવાદ ખાતે ઘણા સમયથી સારવાર ચાલતી હતી. વસનબેનના પુત્ર ધર્મેન્દ્રના પત્ની પૂર્વી દ્વારા વસનબેનની આ માંદગી દરમિયાન ખૂબ સારવાર કરવામાં આવી હતી.
જોકે, લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવા છતાં પણ વસનબેન લાંબુ જીવી શક્યા નહોતા અને તેમનું ગઈકાલે શુક્રવારે અવસાન થયું હતું. વસનબેનના અવસાનનો તેમની પુત્રવધુ પૂર્વીને ભારે આઘાત લાગ્યો હતો. ઘણા સમયથી સાસુની સેવા કરતા પૂર્વી માટે આ આઘાત જીરવવો અઘરો હતો પરંતુ તેમણે નિશ્ચ્ય કર્યો કે મેં તેમની સેવા કરી છે તો તેમને અગ્નિદાહ પણ હું જ આપીશ. પૂર્વી પતિ ધર્મેન્દ્ર સાથે સ્મશાન ગઈ હતી અને તેણે સાસુ વસનબેનને અગ્નિદાહ આપ્યો હતો. અગ્નિદાહ આપતી વખતે પૂર્વી ધ્રૂસ્કેને ધ્રૂસ્કે રડી પડી હતી. પુત્રવધુ પૂર્વીએ પોતાની ફરજ બજાવી પણ સવાણી પરિવાર પણ તેમાં ચૂક્યું નહોતું. જેવી પૂર્વીએ પોતે અગ્નિદાહ આપવાની વાત કરી કે પરિવારે પણ પુત્રવધુને આ હક આપીને સામાજિક ક્રાંતિની અલગ જ મિશાલ કાયમ કરી હતી.
વસનબેનને ખુદ તેમના જ દેરાણી શોભાબેન સવાણીએ પોતાના લીવરનું દાન કર્યું હતું
દ્વેષ અને વેરના સંબંધમાં અવ્વલ કહેવાતા દેરાણી જેઠાણીના સંબંધનું એક લાગણીશીલ પ્રકરણ અહીં રચાયું હતું. જેઠાણી વસનબેનનો જીવ બચવવા માટે તેમના દેરાણી શોભાબેન હિમ્મતભાઈ સવાણીએ તેમનું પેટ ચીરીને તેમનો જીવ જોખમમાં મૂકીને લીવરનું દાન કર્યું હતું. આ ઘટના સમાજમાં દેરાણી-જેઠાણીના નવા અને મીઠા સંબધો સ્થપિત કરી ગઈ.
અગ્નિસંસ્કારમાં પણ લાકડાની જગ્યાએ ઈલેકટ્રિક અગ્નિદાહ અપાયો હતો
સવાણી પરિવાર દ્વારા સામાજીક રીતે ક્રાંતિમાં પર્યાવરણનું પણ જતન કરવામાં આવ્યું હતું. જેમાં વસનબેનના અગ્નિસંસ્કારમાં લાકડાની જગ્યાએ ઇલેક્ટ્રિક અગ્નિદાહ કરી પર્યાવરણનું પણ જતન કરાયું હતું