સુરત (Surat) : મોટા વરાછા ખાતે રત્નકલાકારના (Diamond Worker) અજાણ્યા નંબર પરથી આવેલો ફોન મહિલાના સંપર્કમાં આવ્યો હતો. મહિલાએ મળવા બોલાવી હનીટ્રેપમાં (Honey Trap) ફસાવ્યો હતો. અમરોલી પોલીસ બનીને આવેલા ત્રણ અજાણ્યાઓએ તેની પાસેથી 1.50 લાખનો તોડ કર્યો હતો. આ આયોજન રત્નકલાકારના મિત્રએ જ કર્યું હોવાનો ઘટસ્ફોટ થતા અમરોલી પોલીસમાં ફરિયાદ (Police Complaint) નોંધાવી હતી. પોલીસ ફ્રોડ છે કે સાચી તે હાલમાં તપાસનો વિષય બન્યો છે.
- મહિલાએ રત્નકલાકારને મળવા બોલાવી ફ્રોડ પોલીસ 1.50 લાખનો તોડ કરી ગયો
- અજાણ્યા નંબર પરથી ફોન આવ્યા બાદ મહિલાના સંપર્કમાં આવ્યો
મોટા વરાછાના રત્નકલાકારના મિત્રએ જ તેને ફસાવવા માટે આયોજન કર્યું હતું - તું કુટણખાનું ચલાવે છે તેમ કહી પોલીસ ગાડી બોલાવી મેડીકલ કરવા લઈ જવા કહ્યું હતું
- બોઘા સાથે આવેલા બે પોલીસ કર્મી કોણ તે પણ તપાસનો વિષય
- મહિલાને ભાગ નહીં મળતા તેણે ભાંડો ફોડી નાંખ્યો
મોટા વરાછા ખાતે રહેતા 48 વર્ષીય રાકેશ સવાણી (નામ બદલ્યું છે) મુળ ભાવનગરના વતની છે. તેઓ કાપોદ્રા ખાતે હિરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે કામ કરે છે. તેણે અમરોલી પોલીસમાં મિત્ર બોઘા સાંભળ, જીગ્નેશ કોળી, હરેશ કોળી અને વિલાસબેન પુરાણીની સામે ફરિયાદ નોંધાવી હતી. એકાદ વર્ષ પહેલા તેમના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. સામેથી પુનમબેન બોલી રહી હોવાનું કહેતા રોંગ નંબર લાગતા ફોન કટ કરી નાખ્યો હતો. ત્યારબાદ તેને વોટ્સએપ ઉપર હાય, હેલ્લોના મેસેજ કર્યા હતા. બાદમાં વિડીયો કોલ કરતી હતી. જેથી રાકેશભાઈ તેની સાથે ક્યારેક વાતચીત કરતા થયા હતા. એક દિવસ પુનમે વિડીયો કોલ કરી તેનો દિકરો દવાખાને હોવાથી તેને 10 હજારની જરૂર હોવાનું કહ્યું હતું. રાકેશે તેને આપેલા નંબર પર પૈસા ટ્રાન્સફર કરી આપ્યા હતા.
એકાદ મહિના પછી પૈસા પરત માંગતા પુનમે રાકેશને ગામડે મળવા બોલાવ્યો હતો. પરંતુ રાકેશે ગામડે આવવાનો ઇન્કાર કર્યો હતો. ઓગસ્ટ 2021 માં પુનમને ફોન કરીને પોતે સુરત સંબંધીના ત્યાં આવી હોવાનું કહ્યું હતું. જેથી મળવું હોય તો અમરોલી ખાતે આવેલી છું, ઘરે કોઈ નથી કહેતા રાકેશ અમરોલી હાઉસીંગ ખાતે ગયા હતા. પુનમે ત્યાંથી રાકેશને બિલેશ્વર ફરસાણ વાળી ગલીમાં છેલ્લા મકાનમાં આવવા કહ્યું હતું. ત્યાં ત્રીજા માળે પુનમે હાથનો ઇશારો કરી બોલાવી હતી. રાકેશ ઉપર રૂમમાં જતા પુનમ કપડા કાઢવા લાગી હતી. પુનમે અર્ધનગ્ન હાલતમાં દરવાજો ખોલતા મોઢા પર માસ્ક પહેરીને આવેલા ત્રણ અજાણ્યાઓએ અમરોલી પોલીસ સ્ટેશનથી આવ્યા હોવાનું કહીને ફોટા પાડવા લાગ્યા હતા. જેમાંથી એકે રાકેશના હાથમાંથી ફોન લઈ લીધો હતો. ઝપાઝપી કરી તું કુટણખાનું ચલાવે છે તેમ કહી પોલીસ ગાડી બોલાવી મેડીકલ કરવા લઈ જવુ છે. તેમ કહીને ડરાવ્યો હતો. રાકેશે આ અંગે અમરોલી પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપની ફરિયાદ નોંધાવી હતી.
બોગસ પોલીસે રાકેશના મિત્ર બોઘાભાઈને બોલાવ્યો
રાકેશના ફોનમાં તેના મિત્ર બોઘાભાઈનો નંબર સેવ હોવાથી તેના વિશે પુછતા ફોન કરીને તેને બોલાવ્યો હતો. બોઘાભાઈ ત્યાં આવતા રાકેશે ઘટના અંગે વાત કરી હતી. બોઘાભાઈએ રાકેશને હું પૈસાનો વહિવટ પતાઉ છું પણ તારે પૈસા આપવા પડશે તેમ કહ્યું હતું. બોઘાભાઈએ પોલીસ 1.50 લાખમાં પતાવટ કરતી હોવાનું કહેતા બદનામીના ડરથી રાકેશે પૈસા આપવા હા પાડી હતી. બે દિવસમાં રાકેશ પાસે 80 હજારની સગવડ થતા તેણે બોઘાભાઈને ફોન કર્યો હતો. બોઘાભાઈએ પોતે વતનમાં હોવાથી એક માણસનો મોબાઈલ નંબર મોકલી આપ્યો હતો. તેને પાસોદરા ખાતે મોકલી આપતા ત્યાં જીજે-05-વીવી-1602 નંબરના રીક્ષા ચાલકને 80 હજાર આપ્યા હતા. બીજા દિવસે 70 હજારની સગવડ થતા બોઘાભાઈને ફોન કર્યો હતો. તેમને મોટા વરાછા લજામણી ખાતે બોલાવ્યા હતા. ત્યાં બાઈક પર આવેલા વ્યક્તિને પૈસા આપ્યા હતા.
પુનમને પૈસા નહીં મળતા તેણે રાકેશને હકીકત કહી દીધી
પુનમ વારંવાર તેને ફોન કરીને પૈસા માંગતી હતી. પૈસા નહીં આપે તો રાકેશના ગામમાં અને સંબંધીઓમાં બધાને જાણ કરી બદનામ કરવાની ધમકી આપતી હતી. જેથી પુનમને મળવા બોલાવી હતી. પુનમને જહાંગીરપુરા ખાતે મળવા બોલાવી વિશ્વાસમાં લઈને પુછતા પોતાનું સાચું નામ વિલાશબેન બિપિનભાઈ પુરાણી (રહે,અમરગઢ, શિહોરા, ભાવનગર) હોવાનું જણાવ્યું હતું. તે દિવસે આ આયોજન બોઘાભાઈ રબારીએ કર્યું હોવાનું તેણે જણાવ્યું હતું. બોઘાભાઈએ તેમના મિત્ર હરેશ કોળી (રહે, નાના સુરકા, ભાવનગર) તથા જીજ્ઞેશ કોળી (રહે.સરવેડી ભાવનગર) તથા બે પોલીસના માણસોની સાથે મળી પૈસા પડાવવાનું આયોજન કર્યું હતું. અને દોઢ લાખમાંથી તમામે સરખે હિસ્સે પૈસા વહેંચી લીધા હતા. વિલાસબેનને પૈસા આપ્યા નહોતા. રાકેશે તેને સમજાવી મોકલી આપી હતી. પરંતુ બાદમાં પૈસા માટે બ્લેકમેઈલિંગ કરતા તેને અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.