Kids

કુમારી ચકલી

એક પરી હતી. તેને પંખીઓ સાથે ખૂબ લગાવ હતો. તેની પાસે તેના મહેલમાં ઘણા બધા જાતજાતના-ભાતભાતનાં પંખીઓ હતાં. દેશ-પરદેશનાં પંખીઓ હતાં. તેમાંથી એક ચકલી પરીને ખૂબ જ ગમતી હતી. એ ચકલીને હજી હમણાં હમણાં જ મહેલમાં લાવવામાં આવી હતી. પરીએ ચકલીનું નામ પણ પાડયું હતું ‘કુમારી’. પરીનું જયારે મન થાય ત્યારે તેની પાસે રહેલી મેના, કાબર, બીજી ચકલીઓનો શણગાર કરતી. તેવી જ રીતે ‘કુમારી ચકલી’નો તો પરી હંમેશાં શણગાર કરતી. તેના માટે પરીએ ગળામાં પહેરવાની માળા પણ પોતાના હાથે બનાવી હતી. ખૂબ જ ઓછા સમયમાં પરીને કુમારી ચકલી સાથે લગાવ થઇ ગયો. પરી જયાં પણ જાય કુમારી ચકલીને લઇને જ જાય. એક દિવસ પરી ચકલીને લઇને બાગમાં ગઇ. પરીએ ચકલીને બાગના બીજાં પંખીઓ સાથે રમવા મૂકી. કુમારી ચકલીને સ્વતંત્ર રમતી જોઇને પરીને ખૂબ જ આનંદ થયો. પણ અચાનક રમતા રમતા કુમારી ચકલી ઊડી ગઇ. પરીએ પકડવાની કોશિશ કરી પણ તે પકડી ન શકી.

ચકલીને ઊડતાં જોઇ પરી ખૂબ જ દુઃખી થઇ ગઇ. પરીએ જીદ પકડી કે જયાં સુધી મારી કુમારી ન મળે ત્યાં સુધી આ બાગમાં જ રહેશે. થોડી વાર પછી એ જ બાગમાં એક રાજકુમાર ઘોડા પર સવાર થઇને આવે છે અને પરીને ઉદાસ જોઇને તેની નજીક જઇને પૂછે છે પરી શું થયું તમને? કેમ ઉદાસ છો? પરીએ કહ્યું હું મારી ખૂબ જ ખાસ ચકલીને લઈને બાગમાં ફરવા આવી હતી પણ હવે તે ક્યાંક ઊડી ગઇ ને મળતી નથી. મેં  એનું નામ પણ રાખ્યું છે ‘કુમારી ચકલી’. રાજકુમારે પરીને સમજાવતાં કહ્યું તમે મહેલમાં જાઓ કુમારી આવી જશે. પરીએ કહ્યું, ના, જયાં સુધી મારી કુમારી મારી પાસે નહીં આવે ત્યાં સુધી હું અહીં જ રહીશ.  એટલું  કહીને પરી રડવા લાગી.

રાજકુમારે પરીને શાંત રાખતા આશ્વાસન આપ્યું કે હું તમારી કુમારી ચકલીને શોધી લાવીશ.એમ કહીને રાજકુમાર ઘોડા પર સવાર થઇને જંગલ તરફ નીકળી ગયા. જંગલમાં થોડેક સુધી ગયા પછી રાજકુમાર જોરજોરથી બૂમ પાડવા લાગ્યા ‘કુમારી’,‘કુમારી’…..પાછા થોડે આગળ ગયા, ફરીથી બૂમો પાડી. ‘કુમારી’…….‘કુમારી’……એવામાં એક સુંદર માળા પહેરેલી, માથે નાનો મુગટ પહેરેલો અને રંગબેરંગી પાંખોવાળી એક ચકલી રાજકુમાર નજીક ઊડવા લાગી.રાજકુમારને થયું કદાચ આ જ પરીની કુમારી છે.રાજકુમારે ફરીથી એક વાર બૂમ પાડી ‘કુમારી’…. એટલે ચકલી રાજકુમારની વધુ નજીક આવી તેથી રાજકુમારને વિશ્વાસ થયો કે આ જ કુમારી છે.

પણ રાજકુમારે જોયું કે એ ચકલી તો એક માળામાં બેઠી હતી જેમાં બીજી એક ચકલી અને સાથે નાનાં નાનાં બચ્ચાં પણ હતાં. એ જોઈને રાજકુમારને સમજાયું કે કુમારી જંગલમાં પોતાનાં બચ્ચાંને મળવા આવી હતી. થોડી વારમાં રાજકુમાર જંગલમાંથી કુમારીને લઈને બાગમાં પરી પાસે આવે છે. પરીને ઉદાસ બેસેલી જોઇને એકદમ સાચવીને એની બાજુમાં ‘કુમારી ચકલી’ને મૂકીને પરીને એ તરફ જોવાનું કહે છે. પરી ચકલીને જોઇને ખૂબ જ ખુશ અને ભાવુક થઇ જાય છે. એને હાથમાં લઇને ખૂબ વ્હાલ કરે છે. પછી રાજકુમારનો ધન્યવાદ કરતા પૂછે છે કે કયાં હતી કુમારી? ત્યારે રાજકુમાર પરીને હકીકત જણાવે છે કે કુમારી ચકલી તેનાં નાનાં બચ્ચાંઓને મળવા ગઇ હતી.

રાજકુમાર પરીને સમજાવે છે કે આપણને પંખીઓ, પશુઓ માટે વહાલ હોય પણ એમને કયારેય કેદ ન કરવા. આ વાત પરીને સમજાય ગઇ હતી. તેને પોતાની ભૂલનો અહેસાસ થયો કે પોતાની ખુશી માટે મૂંગા પક્ષીઓને કેદ ન કરવા. ત્યારે જ પરી એક નિર્ણય કરે છે કે મહેલમાં જઇને પહેલાં કેદ કરેલાં પક્ષીઓને મુક્ત કરશે. એ જ રીતે પરી રાજકુમાર સાથે મહેલમાં આવીને પોતે કેદ કરેલાં બધાં જ પંખીઓને એકસાથે મહેલના ચોગાનમાંથી મુક્ત કરે છે. આ પંખીઓને ઊડતાં જોઇને પરી અને રાજકુમારને પણ ખૂબ આનંદ થાય છે.

Most Popular

To Top