વ્યારા: સોનગઢ(Songadh) તાલુકાના ઘૂંટવેલ(Ghutvel) ગામે સિંચાઇ વિભાગ(Irrigation Department) દ્વારા નિર્માણ કરવામાં આવેલા લાખા રૂપિયાના ચેકડેમ(checkdam)માં ઈજારદારે વેઠ જ ઉતારી હોવાથી ચોમાસા બાદ અહીં જૈસે થેની સ્થિતિ નિર્માણ થાય તેમ છે. ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે જૂનના અંતે તેમાંય ચાલુ વરસાદે અહીં કામગીરી કરવામાં આવી હોય ત્યારે બાંધકામની મજબૂતાઈ અને તેની કામગીરીની સાથે ગુણવત્તાને લઈને પણ સવાલો ઊઠ્યા છે. જૂન માસમાં ૨૦ દિવસ સુધી અહીં ચાલુ વરસાદમાં સિમેન્ટ-કોંક્રીટનું કામ કરવામાં આવ્યું છે, તેનો અધિકારીઓની મેઝરમેન્ટ બુક પરથી ખ્યાલ આવી જાય તેમ છે. સામાન્ય રીતે જંગલ વિસ્તારમાં ચોમાસાની શરૂઆતના તબક્કેથી જ કાયમ વરસાદ રહે છે. ચોમાસામાં સિમેન્ટ કોંક્રીટનું બાંધકામ ટકતું ન હોવાથી સામાન્ય સંજોગોમાં આવા સમયે કામો બંધ કરી દેવામાં આવતાં હોય છે. પણ ઘુંટવેલમાં ચાલુ વરસાદે પણ ચેકડેમનું કામ કરવામાં આવ્યું છે. ત્યારે ઘુંટવેલમાં જંગલ વિસ્તારને અડીને ગીરા નદી પર બનાવેલા આ ચેકડેમમાં બાંધકામ પછીનું મટિરિયલ્સ ક્વોલિટી ટેસ્ટ કરવામાં આવે તો વરસાદ સમયની કામગીરીની પોલ ખુલ્લી પડી જાય તેમ છે.
કેચમેન્ટ વિસ્તારમાં બાંધકામના પથ્થરો, માટી સહિતનો વેસ્ટેજ કચરો કોન્ટ્રાક્ટરે નદીમાંથી કાઢ્યો નથી
ઘુંટવેલના આ ચેકડેમમાં વરસાદી પાણી આવવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે તેના કેચમેન્ટ વિસ્તારમાં બાંધકામનો પથ્થરો, માટી સહિતનો વેસ્ટેજ કચરો હાલ નદીમાં જ પડ્યો છે. કોન્ટ્રાક્ટરે તે કચરો બહાર કાઢ્યો નથી. જેથી હાલ બનાવેલા આ ચેકડેમ પહેલાં જ પાણી અટકી જતું હોય તે ચેકડેમ અર્થ વગરનો દેખાય છે. ગીરા નદી પર ઘુંટવેલ ગામે નવો ચેકડેમ બનાવવા માટે લાખો રૂપિયા ફાળવી જળસંચયની ગંભીરતા સરકારે તો લીધી પણ અધિકારી અને કોન્ટ્રાક્ટરના મેળાપીપણામાં તે ભગીરથી આશય પર પાણી ફરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. હાલ આ ચેકડેમની કામગીરી પૂર્ણ બતાવી કોન્ટ્રાક્ટરને નાણાં ચૂકવાય એ પહેલાં ચેકડેમમાં કોન્ટ્રાક્ટરે ઠાલવેલો બાંધકામનો વેસ્ટેઝ દૂર કરવા સાથે ચેકડેમની આગળ વધુ ઊંચાઈના કુદરતી પથ્થરનો ડુંગરાળ ભાગ દૂર કરવાની સ્થાનિકોએ માંગ કરી છે. જેથી વરસાદી પાણી સંગ્રહ કરવાનો આશય પાર પાડી શકાય. જો કે, હાલમાં બનાવેલા ચેકડેમ કરતાં પથ્થરનો આ ડુંગરાળ વિસ્તાર વધુ ઊંચાઈનો હોવાથી અહીં અમુક ભાગમાં કુદરતી રીતે જ પાણી સંગ્રહી રહે તેમ છે. છતાં તેની આગળ ચેકડેમને વધુ પહોળો બતાવી કોન્ટ્રાક્ટરને સીધો ફાયદો કરાવ્યો હોવાના આક્ષેપો પણ અધિકારીઓ સામે થયા છે.
ચેકડેમ પ્રથમ વરસાદમાં જ બિનઉપયોગી સાબિત થઈ રહ્યો છે
અહીં ચેકડેમના નિર્માણથી આ વિસ્તારના આદિવાસી ખેડૂતોને સિંચાઈનો લાભ મળવાની આશા બંધાઈ હતી. પરંતુ તકલાદી બાંધકામના પગલે આ વિસ્તારના આદિવાસી ખેડૂતો હાલ મૂંઝવણમાં મુકાયા છે. ઘુંટવેલની આ નદીમાંથી પુષ્કળ પ્રમાણમાં વરસાદી પાણી વહેતું હોય છે, પણ ચોમાસું વિત્યા બાદ અહીં પાણીની અછત ઊભી થાય છે. પીવાનું પાણી સુધ્ધા મળતું નથી. ચોમાસામાં નકામું વહી જતું પાણી રોકવા સરકારે લાખોના ખર્ચે ચેકડેમ નિર્માણ કર્યુ હતું. પરંતુ ચેકડેમના બાંધકામમાં નિમ્ન કક્ષાની કામગીરી હોવાથી સરકારની લાખો રૂપિયાની ગ્રાન્ટથી બનેલો ચેકડેમ પ્રથમ વરસાદમાં જ બિનઉપયોગી સાબિત થઈ રહ્યો છે. સામાન્ય રીતે જૂનમાં ચોમાસું શરૂ થતું હોય એ પહેલાંના સમયગાળામાં એટલે કે ૩૧ મેને ટાર્ગેટ રાખી માસ્ટર પ્લાન તૈયાર કરવાની સૂચના આપી દેવામાં આવતી હોય છે.
ચેકડેમના બાંધકામ સમયે છાંટા પડે તો ચાલે: નિકુંજ ચૌધરી
ઉકાઈ સિંચાઈ વિભાગનાં નાયબ કાર્યપાલક ઈજનેર નિકુંજ ચૌધરીએ જણાવ્યું હતું કે, ચેકડેમના બાંધકામ સમયે છાંટા પડે તો ચાલે, પણ વરસાદ સમયે કામ અટકાવ્યું હતું. ચોમાસામાં કામ કરી શકાય છે. હાલ બે દિવસ પહેલાં જ કામ પૂરું થયું હતું.