National

દેશમાં ગુજરાત સહિત દિલ્હી-મહારાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ વધ્યું, એક દિવસમાં 17 હજારથી વધુ કેસ નોંધાયા

નવી દિલ્હી: દેશમાં કોરોનાના (Corona) ઝડપથી કેસ વધી રહ્યા છે અને તેની સાથે જ સંક્રમણનો દર પણ વધી રહ્યો છે. શુક્રવારે જાહેર કરાયેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના (Union Ministry of Health) રિપોર્ટ અનુસાર, 24 કલાકની અંદર 17,336 કેસ નોંધાયા છે. જ્યારે એક દિવસ અગાઉ 13313 દર્દીઓ નોંધાયા હતા. મતલબ કે દેશમાં એક દિવસમાં ચાર હજારથી વધુ કેસ વધી ગયા છે. આ ઉપરાંત, કોરોનાના વધતા જતા કેસોની વચ્ચે સક્રિય (Active) દર્દીઓમાં પણ ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે. દેશમાં હવે 88,284 સક્રિય દર્દીઓ છે. જ્યારે ગઈકાલ સુધીમાં 83,990 સક્રિય દર્દીઓ હતા. એક દિવસમાં ચાર હજારથી વધુ સક્રિય દર્દીઓમાં પણ વધારો થયો છે.

ગુજરાતના મહાનગરોમાં કોરોનાનું સંક્રમણ વધ્યું
ગુજરાતમાં પણ દિવસે દિવસે કોરોનાનું (Corona) સંક્રમણ વધી રહ્યું છે. ખાસ કરીને મહાનગરોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 416 કેસ નોંધાયા છે. બીજી તરફ આજે 230 કોરોના દર્દી સાજા પણ થયા છે. રાજ્યમાં નવા કોરોના કેસની સંખ્યા વધવાની સાથે એક્ટિવ કેસ (Active Case) વધીને 1927 થયા છે. જેમાંથી ચાર દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં ગુરૂવારે સૌથી વધુ અમદાવાદ મનપામાં નવા 182 કેસ અને બીજા નંબરે સુરત મનપામાં 56 કેસ નોંધાયા છે. આ ઉપરાંત વડોદરા મનપામાં 40, સુરત ગ્રામ્યમાં 34 રાજકોટ મનપામાં 15, ભાવનગર મનપામાં 13, વલસાડમાં 12, ગાંધીનગર મનપામાં 11, ગાંધીનગર ગ્રામ્યમાં 8 કેસ નોંધાયા છે. રાજ્માં ગુરૂવાર વધુ 82,229 લોકોનું રસીકરણ કરાયું હતું. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 11,11,03,686 લોકોને રસી અપાઈ છે.

દિલ્હીમાં ચેપનો દર 8 ટકાને વટાવી ગયો છે
રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. છેલ્લા પાંચ મહિનામાં સંક્રમણના સૌથી વધુ 1934 કેસ જોવા મળ્યા છે. આ પહેલા 3 ફેબ્રુઆરીએ એક દિવસમાં 2668 દર્દીઓ મળી આવ્યા હતા. નવા કેસ સાથે ચેપ દર 8.10 ટકા નોંધાયો છે. તે જ સમયે, 1233 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

મહારાષ્ટ્રમાં 5000 થી વધુ કેસ
ગુરુવારે, મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ચેપના 5,218 નવા કેસ નોંધાયા હતા, જ્યારે રોગચાળાને કારણે વધુ એક દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. રિપોર્ટ અનુસાર, મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં કોરોના વાયરસના ચેપના 2,479 નવા દર્દીઓની ઓળખ કરવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે બુધવારની તુલનામાં ગુરુવારે રાજ્યમાં 60 ટકા વધુ કેસ નોંધાયા છે. બુધવારે, મહારાષ્ટ્રમાં કોવિડ -19 ના 3,260 નવા કેસ અને વધુ ત્રણ મૃત્યુ નોંધાયા છે. મુંબઈમાં સૌથી વધુ 13,614 કેસ નોંધાયા છે. આ સિવાય થાણે જિલ્લામાં 5,488 દર્દીઓ અને પુણેમાં 2,443 દર્દીઓ સંક્રમિત જોવા મળ્યા હતા.

માંડવીયાએ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગુરુવારે કોરોનાના વધતા જતા કેસો વચ્ચે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન, તેમણે કોરોના ચેપના સર્વેલન્સ અને જીનોમ સિક્વન્સિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સૂચના આપી હતી. તેમણે ઉચ્ચ કેસ ધરાવતા રાજ્યોમાં બૂસ્ટર ડોઝની ઝડપ વધારવા પર પણ ભાર મૂક્યો હતો.

12 રાજ્યોમાં કોરોનાની ઝડપ વધી
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, 10 જૂન પછી 12 રાજ્યોમાં કોરોના સંક્રમણની ગતિ વધી છે. આમાં મહારાષ્ટ્ર, કેરળ, દિલ્હી, કર્ણાટક, તમિલનાડુ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, ગુજરાત, ગોવા, પંજાબમાં સાપ્તાહિક કેસોમાં વધારો નોંધાયો છે.

Most Popular

To Top