Editorial

બાયોકોન બાયોલોજિક્સ લાંચ કાંડ દેશના ફાર્મા સેકટર અને ઔષધિ નિયમન તંત્ર સામે શંકાનો માહોલ ઉભો કરશે

રોગોના ઉપચાર માટે વિવિધ ઔષધિઓનો ઉપયોગ માણસ સેંકડો વર્ષથી કરતો આવ્યો છે. પ્રાચીન કાળથી અનેક ચિકિત્સાપધ્ધતિઓ અસ્તિત્વમાં આવી છે અને પ્રાચીન ચિકિત્સાપદ્ધતિઓમાં આપણી આયુર્વેદિક ઉપરાંત યુનાની જેવી ચિકત્સાપદ્ધતિઓ અગ્રણી હતી અને હજી પણ આ ચિકિત્સાપદ્ધતિઓથી ઉપચારો થાય જ છે. એલોપથીના વિકાસ સાથે તબીબી વિજ્ઞાન ખૂબ વિકસ્યું અને જાત જાતની દવાઓ અને ઉપચાર સાધનો અસ્તિત્વમાં આવ્યા. અત્યારે સૌથી વધુ વ્યાપકપણે પ્રચલિત ચિકિત્સાપદ્ધતિ એલોપથી જ છે અને એલોપથીના વિકાસની સાથે ઔષધિઓના ઉત્પાદન વગેરેના નિયમન માટે વૈશ્વિક દેશોએ જાત જાતના નિયમો પણ ઘડ્યા છે. એલોપથીક દવાઓમાં આડઅસરોનું જોખમ વધારે હોય છે અને તેથી પણ આ દવાઓના સંશોધન, વિકાસ અને ઉત્પાદન વગેરે અંગેના વિવિધ કડક નિયમો પણ બનાવવા પડ્યા છે.

વિવિધ દેશોમાં ઔષધિ નિયમન અંગેના વિવિધ સત્તામંડળો અસ્તિત્વમાં આવ્યા છે. ખાસ કરીને એલોપથિક દવાઓના વિકાસના તબક્કામાં વિવિધ પરીક્ષણો કરવા પડતા હોય છે અને વિવિધ જોગવાઇઓનું પાલન કરવું પડતું હોય છે. કોઇ પણ દવા દર્દીને સાજો કરવા ઉપરાંત તેના માટે સલામત હોય, તેને આડઅસરો કરે નહીં તેની પણ ચકાસણી કરવી પડતી હોય છે. પર઼ંતુ આવી ચકાસણીઓના તબક્કામાં બેદરકારી રાખવામાં આવે કે ભ્રષ્ટાચાર કરીને પુરતી ચકાસણી વિના જ આ દવાઓને મંજૂરી અપાવવાના પ્રયાસો થાય ત્યારે દર્દીઓના જીવનની સાથે ગંભીર ચેડા થાય છે એમ કહી શકાય. હાલમાં આપણા દેશમાં આવી જ એક આઘાત જનક ઘટનાએ આકાર લીધો હોવાનું જણાય છે જેમાં દેશની એક જાણીતી ફાર્મા કંપનીની પેટા કંપની સંડોવાયેલી હોવાના અહેવાલો છે અને જો આ કંપની સામેનો આરોપો સાચા હોય તો આ બાબત દેશના દર્દીઓ અને જનતા માટે ખૂબ આઘાત જનક છે અને દેશના ફાર્મા સેકટરની વિશ્વસનિયતાને હચમચાવે તેવા છે.

હાલમાં જ બાયોકોન બાયોલોજિક્સ નામની કંપની દ્વારા વિકસાવવામાં આવેલ એક નવા ઇન્સ્યુલિનના ઇંજેકશનને ત્રીજા તબક્કાના અગત્યના પરીક્ષણ વિના જ મંજૂરી અપાવી દેવાના પ્રયાસો થયા હોવાનું જણાયું છે અને આ બાબત તબીબી જગતમાં ચર્ચા જગાડનારી બની રહી છે. આ પ્રકરણમાં કેટલાક લોકોની ધરપકડ પણ સીબીઆઇએ કરી છે. બાયોકોન બાયોલોજિક્સ કંપની દ્વારા વિકસાવવામાં આવેલા ઇન્સ્યુલિનના ઇન્જેકશનોની એક ટ્રાયલ ટાળવા માટે કથિત લાંચની લેતી-દેતીના કેસમાં સીબીઆઇએ જોઇન્ટ ડ્રસ્ગ કન્ટ્રોલર એસ. એશ્વરા રેડ્ડી, બાયોકોન બાયોલોજિક્સના એસોસીએટ વાઇસ પ્રેસિડન્ટ એલ. પ્રવીણ કુમાર તથા અન્ય ત્રણની ધરપકડ કરી છે.

ટાઇપ ૧ અને ટાઇપ ૨ ડાયાબિટિશ માટેના બાયોકોન બાયોલોજિક્સ દ્વારા વિકસાવવામાં આવેલ ઇન્સ્યુલિનના ઇન્સ્યુલિન એસ્પાર્ટ નામના ઇન્જેકશનોની ત્રીજા તબક્કાની ટ્રાયલ નહીં લેવામાં આવે તે માટે દવા નિયંત્રકોને કથિત લાંચ આપવામાં આવી હતી એવો આરોપ છે. બાયોકોન બાયોલોજિક્સ એ કિરણ મઝુમદાર શોના વડપણ હેઠળની બાયોકોન કંપનીની એક પેટા કંપની છે. કિરણ મઝુમદાર-શો એ આપણા દેશના અગ્રણી અને પ્રતિષ્ઠિત મહિલા ઉદ્યોગપતિ છે. તેમની બાયોકોન કંપની પણ એક પ્રતિષ્ઠિત કંપની છે અને તેની પેટા કંપની સામે સરકારી અધિકારીઓને લાંચ આપવાના આરોપ મૂકાય તે આઘાત જનક છે. અલબત્ત, આ કંપનીએ લાંચના આક્ષેપોનો ઇન્કાર કર્યો છે. પરંતુ લાંચ આપવાના આરોપસર તેના એક ઉચ્ચ હોદ્દેદાર સહિતના લોકોની ધરપકડ થઇ છે તે એક કઠોર વાસ્તવિકતા છે અને આ બાબત કંપનીની વિશ્વસનિયતા સામે લોકોના મનમાં શંકા ઉભી કરશે તે ચોક્કસ છે.

જોઇન્ટ ડ્રગ્સ કન્ટ્રોલર કક્ષાના અધિકારીની આવી રીતે લાંચ લેવાના આરોપસર ધરપકડ થાય તે બાબત દેશના ઔષધિ નિયંત્રણ તંત્ર સામે પણ શંકાનું વાતાવરણ ઉભુ કરશે. એક આસિસ્ટન્ટ ડ્રગ ઇન્સ્પેકટરની પણ આ કેસમાં ધરપકડ થઇ છે. રેડ્ડીનું પોસ્ટિંગ હાલમાં સીડીએસસીઓ દિલ્હી ખાતે હતું. તેમને જ્યારે કથિત રીતે લાંચ આપવામાં આવી રહી હતી ત્યારે ગોઠવાયેલા છટકામાં દિનેશ દુઆ પણ પકડાઇ ગયા હતા. તેમની તમામની ધરપકડ જરૂરી કાગળિયા કરવા બાદ કરવામાં આવી હતી એમ સીબીઆઇ કહે છે.

સીબીઆઇએ આ તમામ પાંચ આરોપીઓની સામે આઇપીસીની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે જેમાં ગુનાહિત કાવતરા, છેતરપિંડી, બનાવટ અને ભ્રષ્ટાચારના ગુનાઓનો સમાવેશ થાય છે. આ બધી જ બાબતો ખૂબ આઘાત જનક છે. જો બાયોકોન બાયોલોજિક્સ સામેના આરોપો સાચા નહીં હોય અને દવા કંપનીઓની અંદરો અંદરની હૂંસાતૂંસી જેવા કોઇક કારણોસર ષડયંત્રના ભાગરૂપે આ પ્રકરણ ઉભુ કરવામાં આવ્યું હોય તો તે બાબત પણ આધાતજનક છે. ગમે તે હોય, પણ હાલ તો આ કથિત લાંચ કાંડને કારણે દેશના ફાર્મા સેકટર અને ઔષધિ નિયમન તંત્ર સામે શંકાનો માહોલ ઉભો થઇ જશે એ ચોક્કસ જણાય છે.

Most Popular

To Top