બીલીમોરા : બીલીમોરા (Bilimora) અંબિકા નદી (Ambika River) ઉપર બનેલા દેવધા ડેમ (Deavdha Dam) કેચમેન્ટ વિસ્તારમાં ચોમાસાના (Monsoon) પ્રારંભ સાથે વરસાદ (Rain) વરસતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીના પૂર (Flood) ફરી વળવાની સંભાવના ઉભી થઈ હતી. જેને પગલે મંગળવાર સવારે તમામ 40 દરવાજા ખોલી દેવાયા હતા. પરિણામે પાંચ એમસીએમ જેટલું શુદ્ધ જળ દરીયામાં પગ કરી ગયુ હતું.
- ડેમના દરવાજા ખોલી દેવાતા પાંચ એમસીએમ શુદ્ધ જળ દરીયામાં પગ કરી ગયુ
વર્ષ 2002 માં રૂ.19 કરોડના ખર્ચે દેવધા દેવ સરોવર પરિયોજના સાકાર થઈ હતી. 5 મીટર પહોળા અને 500 મીટર લાંબા ડેમમાં એક એક મીટરની ઉંચાઈ ધરાવતા ઉપર – નીચે મળી 40 દરવાજા ફીટ કરાયા હતા. જેને કારણે 6.45 મિલીયન ક્યુબીક મીટર જેટલો વિશાળ શુદ્ધ જળભંડાર સંગ્રહિત થાય છે. જે તાલુકાની પાણી જરૂરિયાત પૂરી કરે છે. ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વહેતી વેંગણિયા અને પનિહારી નદીને ડેમને કારણે લાભ થાય છે. પ્રતિવર્ષ ચોમાસા ઋતુના આગમન ટાણે આગોતરા આયોજન થકી પૂરની સ્થિતિ ટાળવા ડેમના તમામ 40 દરવાજા ખોલી દેવામાં આવતા હોય છે.
ગણદેવી તાલુકામાં ચાલુ વર્ષે મોસમના પ્રારંભે મંગળવાર સુધીમાં 76 મીમી (3 ઇંચ) વરસાદ પડતા નદી કાંઠાના ગામો અને નીચાણવાળા વિસ્તારોમાં પૂર સંકટની સંભાવના વધી હતી. દેવધા ડેમ છલકાતાં 6450 લાખ લીટર જેટલું મીઠું પાણી જમા થયું હતું. દરમિયાન ભારે વરસાદની આગાહી બાદ ગણદેવી તાલુકાના નીચાણવાળા વિસ્તારોનાં 28 ગામોમાં પુર સ્થિતિને ટાળવા મંગળવાર સવારે તમામ દરવાજા ખોલી દેવતા અંબિકા નદીની જળ સપાટી ઘટીને 2.67 મીટર સુધી નીચે આવી ગઈ હતી. તમામ દરવાજા ખોલી દેવાયા બાદ પણ ડેમમાં 1.45 એમસીએમ જેટલો શુદ્ધ પાણીનો જથ્થો સંગ્રહિત રહે છે. ગણદેવી ડ્રેનેજ પેટા વિભાગના અધિકારી ખુશ્બુ પટેલ, આર એસ પંડ્યા અને પ્રતિક પટેલે કામગીરી પાર પાડી હતી.
ભારે વરસાદથી ધોવાણ થતા ઉમરગામનો અકરા મારુતિ તળાવનો વોકવે બંધ કરાયો
ઉમરગામ : ભારે વરસાદ અને પવનના કારણે ઉમરગામના કલગામમાં ઝાડ પડતા ઘરની છત તૂટી જવા પામી હતી અને મહિલા સહિત બે જણાને ઇજા થવાની સાથે ઘરવખરીને પણ નુકસાન થવાની ઘટના બની હતી ઉપરાંત ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં અકરા મારુતિ તળાવની ફરતે લોકોને ચાલવા માટે વોકવે બનાવવામાં આવેલો છે. રવિવાર અને સોમવારે સમગ્ર ઉમરગામ વિસ્તારમાં ભારે વરસાદ થવા પામ્યો હતો. આ તળાવમાં વોકવે ઉપર ગાબડું પડી ધોવાણ થવા પામ્યું છે. જેથી ઉમરગામ નગરપાલિકા દ્વારા સલામતીના ભાગરૂપે જ્યાં સુધી સમારકામની કામગીરી પૂર્ણ થાય નહીં ત્યાં સુધી વોકવે બંધ રાખવા પાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
સોમવારે ઉમરગામ તાલુકામાં ભારે વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે ઉમરગામ તાલુકાના કલગામ ગામે ઘાંચીવાડ ફળિયામાં રહેતા એક પરિવારના મકાન ઉપર ચોરઆમલાનું મોટુ વૃક્ષ તૂટીને ઘર ઉપર પડતા ઘરમાં રહેતા ગંગાબેન ભગવાનભાઈ ગાન્ડે અને તેમની પુત્રીને ઇજા થતા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. આ ઘટનામાં ઘરને અને ઘરવખરીને પણ નુકશાન થવા પામ્યું હતું. વીજળીના બે થાંભલા પણ તૂટી ગયા હતા. ઘટનાની જાણ થતાં કલગામ ગામના સરપંચ રોહિત હળપતિ તથા ઉપસરપંચ રસિક પટેલ અને પંચાયતના સભ્યો તથા લોકો મદદ માટે દોડી ગયા હતા અને વીજ વિભાગને તથા સરકારી તંત્રને જાણ કરી હતી.