Entertainment

જો ‘મૈને પ્યાર કિયા’માં સલમાનને બદલે પિયુષ હોત તો?…

એક સમય એવો હતો જે અભિનેતા યા અભિનેત્રી યુવાન હોય તેમને જ વધારે કામ મળતું પણ TV સિરીયલો, વેબ સિરીઝ આવ્યા પછી હવે ઉંમરનો કોઇ મુદ્દો જ નથી રહ્યો. જો તમારામાં અભિનયની ક્ષમતા હોય તો તક મળી શકે છે. પિયુષ મિશ્રા અત્યારે 59 વર્ષના છે અને તેમની 2 વેબ સિરીઝ આવી રહી છે. અલબત્ત, તેઓ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી ગ્રેજયુએટ થયા છે અને સ્વયં ગીતકાર, સંગીતકાર, ગાયક અને પટકથાકાર પણ છે.

આટલી ટેલેન્ટ હોય તો કયાંકને કયાંક બિઝી થઇ જ જવાય. પિયુશ મિશ્રા ‘બ્લેક ફ્રાઇ ડે’, ‘ગુલાલ’, ‘ગેંગ્સ ઓફ વાસેપુર – 1’ વગેરે ફિલ્મો ઉપરાંત MTV કોક સ્ટૂડિયોના ‘હુશ્ના’ ગીતથી ખાસ્સા જાણીતા છે. તેમણે મણી રત્નમની ‘દિલ સે’થી શરૂઆત કરેલી અને એવી યાદ કરવા જેવી ફિલ્મોમાં ‘સરદાર’ પણ છે. પરંતુ એક કલાકારને ઓળખ બનાવવામાં સમય જતો હોય છે. અનુપમ ખેરને ‘સારાંશ’ મળી જાય તો વાત જુદી. પિયુશ મિશ્રાએ સારી ફિલ્મોમાં નાની ભૂમિકાઓ કર્યા કરી અને એક ઓળખ ઊભી કરતા ગયા અને હવે વેબ સિરીઝમાં વધારે કમ્ફર્ટ અનુભવે છે.

કારણ કે તેમાં અભિનેતા તરીકે વધારે સારુ કામ કરવા મળે છે.  ‘ઇલિગલ’ TV સિરીઝમાં જનાર્દન જેટલીની ભૂમિકા પછી તેમણે ‘JL 50’, ‘મત્સ્યકાંડ’ જેવી 2 સિરીઝ કરી. હવે ‘ઇલિગલ’ની બીજી સિઝન અને ‘સોલ્ટ સિટી’ આવી રહી છે.  ‘સોલ્ટ સિટી’ એક ફેમિલી ડ્રામા ધરાવતી સિરીઝ છે, જે સોની LIVE પર 16મી જૂનથી શરૂ થશે. પિયુશ મિશ્રા સાથે દિવ્યેન્દુ, ગૌહરખાન, નવની પરિહાર વગેરે કામ કરી રહ્યા છે.

આ સિરીઝમાં બાજપાઇ કુટુંબની જીવનયાત્રા છે. મોટા શહેરમાં જીવવાના દબાણ સાથે સંબંધો કેમ જાળવવા તેની આ કથા છે. સિરીઝમાં પાંચે સગાઓનો સંઘર્ષ છે. જેના જીવન એકબીજા સાથે જોડાયેલા છે અને એ કારણે જ સંઘર્ષ છે. સહજીવનથી જ તેમને તેમની વાસ્તવિકતાનો ખ્યાલ આવે છે. પિયુષ મિશ્રા તેમના કામમાં ઇન્વોલ્વ રહેવાનું જાણે છે. કોઇને ખબર ન હશે અને ન જ હોય પણ રાજશ્રી પ્રોડકશન્સવાળાઓએ તેમને ‘મૈંને પ્યાર કિયા’ની મુખ્ય ભૂમિકા માટે વિચારેલા પણ પછી સુરજ બડજાત્યાએ સલમાન ખાનને તેમની જગ્યાએ લીધા. ખેર, તેઓ એ ભૂમિકા કરતે તો ફિલ્મ કેવી બનતે તે ખબર નથી, પણ ‘મૈંને પ્યાર કિયા’ ન મળી અને ‘દિલ સે’ મળી.

જેમાં CBIના તપાસ અધિકારીની ભૂમિકા મળેલી. વળી તેમણે અભિનય પૂરતા મર્યાદિત નહોતા રહેવું અને ‘ગુલાલ’, ‘મકબૂલ’, ‘ગેંગ્સ ઓફ વાસેપૂર’માં ગીતો ય ગાયા. ‘અરે રૂક જારે બંદે’ (બ્લેક ફ્રાઇ ડે) ગીત તેમનું જ લખેલું છે. તેઓ કહે છે કે મને કુદરત તરફથી જ આ બધી ભેટ મળી છે. તેમણે ‘ધ લિજેન્ડ ઓફ ભગતસિંહ’, ‘ગજિની’, ‘અગ્નિપથ’ સહિતની દશેક ફિલ્મોના ડાયલોગ્સ લખ્યા છે. એટલે જ કહે છે કે અભિનય હું શોખ માટે કરું છું. શોખથી કરે છે એટલે જ તેમની પર કોઇ દબાણ નથી હોતુ. કામ કરવામાં વધારે સંતોષ મળે એ માટે જ તેઓ ‘સોલ્ટ સિટી’માં પણ દેખાશે.

Most Popular

To Top