Vadodara

SSGના તાત્કાલિક સારવાર કેન્દ્રની લિફ્ટનો માત્ર ડોકટરો જ ઉપયોગ કરતા દર્દીઓને હાલાકી

વડોદરા : સયાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર કેન્દ્રમાં કાર્યરત લિફ્ટમાં માત્ર ડોકટરોને લાવવા લઈ જવા માટે ઉપયોગ કરવામાં આવતો હોઈ જરૂરિયાત મંદ દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ જતા હોવાના આક્ષેપ ઉઠવા પામ્યા છે. મધ્યગુજરાતની સૌથી મોટી વડોદરા શહેરની સયાજી હોસ્પિટલને અદ્યતન સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહી છે. જેથી દર્દીઓની સારવારમાં કોઈ અગવડતા ઉભી ન થાય.સયાજી હોસ્પિટલમાં શહેર,જીલ્લા તેમજ અન્ય બહારગામથી પણ જરૂરિયાત મંદ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે.

પરંતુ ક્યાંકને ક્યાંક અશિક્ષિત અને દર્દીઓ પ્રત્યે હમદર્દી નહીં રાખનાર સ્ટાફના કેટલાક કર્મચારીઓના કારણે દર્દીઓ અને તેમના પરિવારજનો હાલાકી વેઠવા મજબુર બન્યા છે. સયાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર કેન્દ્ર ખાતે બે લિફ્ટ મુકવામાં આવી છે.જેમાં સ્ટ્રેચર સાથે દર્દીઓને વોર્ડમાં સરળતાથી શિફ્ટ કરી શકાય.જોકે આ લિફ્ટ માત્ર કેટલાક ડોકટરો માટે જ ઉપયોગ કરવામાં આવતો હોવાના આક્ષેપ હોસ્પિટલમાં સારવાર લેવા ગયેલા એક દર્દીએ કર્યા હતા.તેમના પગે ઈજા પહોંચી હોવાથી તેઓ દાદર ચઢી શકતા નહીં હોવાથી લિફ્ટમાં ઉપરના માળે જવા માટે ગયા હતા.જોકે ફરજ પર હાજર લિફ્ટ મેને તેમની સાથે રકઝક કરી મૂકી હતી.

તેવામાં ડોકટરોને જવું હોય તુરત લિફ્ટમેને એ લિફ્ટ બંધ કરી દીધી હતી.અને બીજી લિફ્ટ મારફતે ડોકટરોને લઈ ગયા હતા.આજ સમયે એક દર્દી સ્ટ્રેચર પર ઝોલા ખાતી હાલતમાં કેમેરામાં કેદ થઈ જવા પામ્યો હતો.તેના પરથી ફલિત થાય છે કે આ લિફ્ટ ડોકટરો માટે જ કાર્યરત છે. દર્દીઓ માટે નહીં.નોંધનીય છે કે એક તરફ હોસ્પિટલના સત્તાધ્ધિશો દર્દીઓને કોઈ અગવડતા ઉભી ન થાય તે માટે સતત પ્રયત્નશીલ છે. પરંતુ કેટલાક કર્મચારીઓ દર્દીઓ સાથે આ પ્રકારનું વલણ રાખતા હોવાથી સાચા અધિકારીઓ સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે.

Most Popular

To Top