સુરત: (Surat) સરસાણા ખાતે રવિવારે કિરણ હોસ્પિટલ દ્વારા અંગદાન (Organ Donation) જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. અંગદાન માટે રાજી થયેલા 201 પરિવારોને સન્માન પત્ર અપાયા હતા.કિરણ હોસ્પિટલના ચેરમેન મથુર સવાણીએ (Mathur Savani) જણાવ્યું હતું કે, નિલેશ માંડલેવાલાને 16 વર્ષ પહેલા વિચાર આવ્યો અને અંગદાન માટે લોકોને સમજાવવાનું શરૂ કર્યું શરૂઆતનો સમય અઘરો હતો. જોકે હાલ લોકો જાગૃત થયા છે.
સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટના પ્રમુખ ગોવિંદભાઇ ધોળકીયા ભાવુક થયા હતાં. તેઓએ જણાવ્યું હતું કે, ગોવિંદ કાકા જીવતા છે તો તેની પાછળ નિલેશ માંડલેવાલાની મહેનત છે. ડોનેટ લાઇફના નિલેશ માંડલેવાલાએ જણાવ્યું હતું કે, આ સન્માન મારૂ નથી આ દેશના લોકોએ કરેલા ઓર્ગન ડોનેશનનું છે. આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે અંગદાન જાગૃતિ કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે, સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ સંચાલિત કિરણ હોસ્પિટલ નવી ટેક્નોલોજી અને નવી તબીબી સેવાઓ સાથે આગળ વધે તેવી હોસ્પિટલને શુભકામના પાઠવું છું.
અંગદાન જાગૃતિ પ્રસંગે ચેન્નઇ રામાચંદ્ર મેડીકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ ચેન્નઇના હેડ ઓફ કાર્ડીયો ડો.કે.આર.બાલાક્રિષ્નએ જણાવ્યું હતું કે, વિશ્વમાં સૌથી વધારે અંગદાન સ્પેનમાં થાય છે. જેની સામે આપણા દેશમાં ઓછુ છે. વિશ્વમાં તબીબી ક્ષેત્રમાં રિસર્ચ કરનારાઓ આર્ટિફિશિયલ હૃદય બનાવી તેનું પ્રત્યારોપણ કરાઇ તે દિશામાં રિસર્ચ કરી રહ્યાં છે.
યુવા શક્તિ યુવક મંડળ દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન-પુસ્તક વિતરણ
સુરત : સમસ્ત નાયી-વાળંદ સમાજના ઉત્કર્ષ માટે કાર્યશીલ શ્રી વાળંદ યુવા શક્તિ યુવક મંડળ દ્વારા સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે વિદ્યાર્થીઓનું સન્માન તેમજ નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જેમાં 1100થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે સમાજના ભામશાઓ દિલીપભાઇ વાઘેલા, સંજયભાઈ રાવરાણી, જેન્તિભાઈ બી. અમરેલિયા, હરેશભાઈ ભટ્ટી, ધીરૂભાઈ સોલંકી, મહેન્દ્રભાઈ જોટંગીયા, સુરેશભાઈ બુંધેલિયા, પરેશભાઈ ઘોઘારી તેમજ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, આ પ્રસંગે દશમા ધોરણમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે આવેલી સમાજની દિકરી પ્રાચી હરપાલ દસાડીયાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.
આંખની નિ:શુલ્ક તપાસ, મોતિયાં-ઝામરના નિદાન માટેનો કેમ્પ યોજાયો
સુરત: સુરત પૂર્વ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય અરવિંદ રાણા, વોર્ડ નંબર 12 અને 21ના કોર્પોરેટરો અને સંગઠનના પદાધિકારીઓ દ્વારા પારસી સમાજના સંયુક્ત ઉપક્રમે નાનપુરા તમનાની પારસી ધર્મશાળા ખાતે આંખની નિશુલ્ક તપાસ અને મોતિયા તથા ઝામર નિદાન માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 225 જેટલા લાભાર્થીઓએ આંખની તપાસ કરાવી હતી અને તપાસ દરમ્યાન 60 જેટલા દર્દીને મોતિયા તથા ઝામરના ઓપરેશનની જરૂર જણાઈ હતી, જેઓની વિનામૂલ્યે ઓપરેશનની વ્યવસ્થા કરવામાં આવશે.