જ્યોતિષ શાસ્ત્રમાં ‘ફલદીપિકા’ નામનો ગ્રંથ છે, જે મનુષ્યના ભાગ્યને લગતી બાબતો પર પ્રકાશ પાડે છે. પ્રથમ તો તમારી જન્મકુંડળીમાં તમારું જન્મ લગ્ન બળવાન છે કે ચંદ્રલગ્ન તે નકકી કરવું જોઇએ. લગ્ન જો વર્ગોત્તમી હોય, લગ્નેશ કેન્દ્ર કે ત્રિકોણ સ્થાનમાં હોય અથવા લગ્નને જોતો હોય તો લગ્ન બળવાન ગણાય. જો ચંદ્ર સુદ આઠમથી લઇ વદ આઠમનો હોય (જન્મનો ચંદ્ર), જન્મ સમય રાત્રિનો હોય એટલે કે ચંદ્ર 9, 10 કે 11માં સ્થાનમાં હોય તો ચંદ્રલગ્ન બળવાન બને છે. આમ તમે ચંદ્રલગ્ન બળવાન છે કે જન્મ લગ્ન બળવાન તે નકકી કરી શકશો. કેટલાક નસીબદાર લોકોમાં બન્ને જ બળવાન હશે. હવે જે બળવાન હોય તેનાથી 10માં સ્થાને કોઇ ગ્રહ બળવાન થઇ બેઠો છે કે નહી તેની નોંધ લો. જો બળવાન ગ્રહ ત્યાં હોય તો તે ગ્રહના લગતા વ્યવસાય કે નોકરીમાં ભાગ્ય ચમકશે.
‘ફલદીપિકા’ આગળ કહે છે કે 10મા સ્થાને કઇ રાશિ છે, તેની નોંધ લો અને સાથે સાથે દશમેશ કયા નવમાંશમાં બેઠો છે તે પણ નોંધ લો. આ બે રાશિની દિશાઓ ભાગ્યની દિશા બતાવશે. એટલે ભાગ્ય તમને એ દિશામાં લઇને જ જશે અને પ્રથમ આવક એ જ દિશામાંથી શરૂ થશે. હવે આ દિશાઓ તમારા જન્મ સ્થાનથી જ ગણવી જરૂરી છે. મેષ, સિંહ, ધન રાશિ અને નવમાંશ પૂર્વ દિશા, વૃષભ, કન્યા, મકર રાશિ અને નવમાંશ દક્ષિણ દિશા, મિથુન, તુલા, કુંભ રાશિ અને નવમાંશ પશ્ચિમ દિશા અને કર્ક, વૃશ્ચિક અને મીન રાશિ / નવમાંશ ઉત્તર દિશા બતાવે છે.
જો ઉપર પ્રમાણે 10મા સ્થાનની રાશિ અને તેના માલિકની નવમાંશ રાશિ અલગ અલગ દિશા બતાવે તો પહેલા એક દિશામાં જવું પડે છે. તે પછી બીજી દિશામાં પ્રગતિ સાથે જવું પડતું હોય છે. ઉપર બતાવ્યા મુજબ લગ્ન કે ચંદ્રથી 10માં સ્થાનમાં કોઇ ગ્રહ ના હોય તો 10મા સ્થાનની રાશિ અને 10માં સ્થાનના માલિકની નવમાંશ રાશિ દિશા અને વ્યવસાય નકકી કરી ભાગ્યનો ઉદય કરે છે. ગામમાં કે શહેરમાં (જન્મ સ્થાન) ભાગ્યોદય થશે કે દૂર જવું પડશે તેનું માર્ગદર્શન પણ આ ગ્રંથમાં છે.
10મા સ્થાને તથા 10માનો માલિક જે નવમાંશમાં હોય તે નવમાંશમાં તે રાશિના માલિકો બેઠા હોય તો વતનમાં જ ભાગ્યોદય થાય છે. અન્યથા દૂરના સ્થળે ભાગ્યોદય થાય છે. જો આ નવમાંશ વૃષભ, સિંહ, વૃશ્ચિક અને કુંભ હોય તો વતનમાં જ ભાગ્યોદય થાય છે. જો આ બે રાશિઓમાં તેના માલિકોને બદલે બીજા ગ્રહો બેઠા હોય તો અથવા 10માનો માલિક મેષ, કર્ક, તુલા કે મકર રાશિના નવમાંશમાં હોય તો બહારગામ ભાગ્યોદય થાય છે. આમ ગામ, શહેર, દિશાની ગણતરી 10મા સ્થાનની રાશિ, 10મા સ્થાનનો માલિક ગ્રહ જે નવમાંશમાં હોય તેની રાશિ તથા લગ્ન કે ચંદ્રની રાશિની નોંધ લઇને જે બળવાન હશે, ત્યાં તમારો ભાગ્યનો ઉદય થશે અને બાકીની 2 રાશિઓના ગામ કે શહેર સાથે પણ આજીવિકા માટે સંકળાવાનું બનશે.