આણંદ : બોરસદના નીસરાયા પાસે ગુરુવારે સાંજે પુરઝડપે જતી વાત્સલ્ય સ્કૂલની બસના ચાલકની બેદરકારીના કારણે સ્ટીયરીંગ પર કાબુ ગુમાવ્યો હતો અને બસ સીધી રસ્તાની બાજુમાં પલટી ગઇ હતી. આ અકસ્માતના પગલે તેમાં સવાર 15 જેટલા બાળકોએ બુમાબુમ કરી મુકતા આસપાસના વાહનચાલકો દોડી આવ્યાં હતાં અને બાળકોને સહી સલામત બહાર કાઢ્યાં હતાં. બોરસદ – તારાપુર રોડ પર આવેલી વાત્સલ્ય સ્કૂલમાંથી આંકલાવ અને કોસીન્દ્રાના બાળકોને ઘરે મુકવા ગુરૂવાર સાંજના સુમારે જઇ રહી હતી.
તે દરમિયાન નિસરાયા પાસે બસના ચાલકે પુરપાટ ઝડપે બસ દોડાવી હતી. જેના કારણે થોડે દુર જ શ્રવણપુરા નજીક સ્ટીયરીંગ પર કાબુ ગુમાવતાં બસ રોડની સાઇડમાં આવેલા કાંસમાં ઉતરી પડી હતી અને બસ પલ્ટી ગઇ હતી. જેના કારણે બસમાં સાવર 15 જેટલા વિદ્યાર્થીઓએ બુમાબુમ કરી મુકી હતી. આ અવાજથી આસપાસના રહિશો અને ત્યાંથી પસાર થતાં વાહન ચાલકો પણ દોડી આવ્યાં હતાં અને તમામ બાળકોને હેમખેમ બહાર કાઢ્યાં હતાં. સદ્દનસીબે અકસ્માતમાં કોઇ બાળકને ઇજા પહોંચી નહતી. અલબત્ત, આ ઘટનાની જાણ થતાં વાલીઓ દોડધામ મચી ગઈ હતી.