વાંસદા: વાંસદાના (Vansada) ગંગપુર ગામે ખેડૂતો માટે સરકારી યોજનામાંથી (Yojana) બનાવવામાં આવેલા કોઢારના કામમાં કોન્ટ્રાકટરે (contractor) બેદરકારી રાખી છે, તેમજ અનેક લાભાર્થીઓના કામ કરાયા નથી કે અધૂરી છોડી મોટું કૌભાંડ (Scam) કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
- ગંગપુર ગામમાં સરકારી યોજના હેઠળના કોઢારના કામમાં કોન્ટ્રાક્ટરની ભારોભાર બેદરકારી
- દીવાલમાં એક વર્ષમાં જ તિરાડ પડી ગઈ
- કેટલીક જગ્યાએ મટિરિયલ નંખાય બાદ કામ શરૂ ન કરાયું તો કેટલાક કોઢારમાં એંગલો અને પતરા નાખવામાં આવ્યા નથી
- લાભાર્થીએ જાતે નળીયાની છત બનાવી
વાંસદાના ગંગપુર ગામે ઉપલા ફળિયા ખાતે ખેડૂતોને પશુ રાખવા માટે સરકાર તરફથી કોઢારો બનાવવામાં આવ્યા હતા. જેમાં કેટલાક લાભાર્થીઓના કોઢારના કામ કોન્ટ્રાક્ટરે અધૂરા છોડી દેતાં ચોમાસામાં ખેડૂતોએ મુશ્કેલી વેઠવાનો વારો આવશે. જેમાં ગંગપુરના ઉપલા ફળિયામાં રહેતા રમણભાઈ ભાંજુભાઈ ચવધરીના બનાવેલા કોઢારની દીવાલમાં પ્લાસ્ટર કરાયું નથી, માત્ર એક જ વર્ષમાં મોટી તિરાડો પડી ગઈ છે, નથી પતરા મુક્યા કે નથી કોઈ એંગલ વાપરવામાં આવી, આખરે તેમણે જાતે લાકડાના ટેકા ગોઠવી નળિયાવાળી છત બનાવવાની ફરજ પડી છે તેમજ સવિતા સુનિલભાઈ ચવધરી અને મધુ મણિલાલ ચવધરીના બનાવેલા કોઢારોમાં પણ માત્ર દીવાલ ઊભી કરી એંગલ, પ્લાસ્ટર કે પતરા મુક્યા નથી. જ્યારે ભરત જાનુભાઈ ચવધરી જેમને ત્યાં સિમેન્ટ, રેતી, કપચી, નાખી મહિનો વીતી ગયો છતાં કોન્ટ્રાક્ટો કામ શરૂ કર્યુ નથી. મગનભાઈ જીતુભાઈ ચવધરીના ઘરે માત્ર ફોટા પાડી ગયા બાદ કોઢારની કાઈ કામગીરી કરાઈ નથી. આ તમામ લાભાર્થીઓના કોઢારના અધૂરા છે તે અંગે વારંવાર સરપંચ અને કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરવા પ્રયાસ કરાયો હતો, પરંતુ કોન્ટ્રાક્ટ કોઈના ફોન નહિ ઉપાડતો નથી.
હું હોસ્પિટલમાં છું, તાલકાએથી માહિતી મેળવી લો : કોન્ટ્રાક્ટર
ગંગપુર ગામે કોઢાર બનાવવાની કામગીરી કરનાર કોન્ટ્રાકટર ભાવેશભાઈને આ મામલે ફોન પર પુછતાં તેમણે હું હોસ્પિટલમાં છું તાલુકા પરથી માહિતી મેળવી લો તેવો જવાબ આપ્યો હતો.
યોગ્ય તપાસ કરાવીશ: ટીડીઓ
ગંગપુર ગામ ખાતે બનાવવામાં આવેલા ખેડૂતોના કોઢાર ક્યાં કારણોસર હજી સુધી બન્યા નથી, આ બાબતે વાંસદા તાલુકા વિકાસ અધિકારી અંકીતભાઈ ગોહીલને ટેલિફોનિક દ્વારા જાણ કરાતા તેમણે ગંગપુર ગામના કોઢારની વિગતો મેળવી યોગ્ય તપાસ થશે, એમ જણાવ્યું હતું.