આણંદ : ચરોતરની દિકરીએ માનવતાના ક્ષેત્રે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે, તેઓ છેલ્લા સાત વર્ષથી બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર કરી રહ્યાં છે. ખાસ કરીને કોરોના કાળમાં જ્યારે સંતાન પણ માતા – પિતાના મૃતદેહને અડકવા તૈયાર નહતાં, તે સમયે ચરોતરની દિકરીએ માનવતાંનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. તેમની આ સેવાથી ખુદ રાજ્યપાલ પણ પ્રભાવિત થયાં હતાં અને શુભેચ્છા મુલાકાત લીધી હતી.
- બિનવારસી મૃતદેહની અંતિમ વિધિ કરવા અન્ય બે મહિલાઓ પણ કરે છે મદદ
- વર્લ્ડ બુક ઓફ સ્ટાર રેકોર્ડ સંસ્થામાંથી રાષ્ટ્રીય પ્રેરણા એવોર્ડ 2021 માટે પસંદગી
- 2014થી આજ સુધી 400 જેટલા મૃતદેહનાં અંતિમ સંસ્કાર કર્યા
આણંદના ભાદરણના મૂળ વતની અલ્પાબેન પટેલ બિનવારસી મૃતદેહની અંતિમ વિધિનું કાર્ય કરી રહ્યા છે, તેઓએ અત્યાર સુધીમાં 350થી વધુ મૃત્યુદેહના અગ્નિસંસ્કાર કર્યા છે. અલ્પાબેન પટેલ 2014થી બિનવારસી મૃતદેહની અંતિમવિધિ નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે. આણંદ જિલ્લામાંથી મળી આવતી અજાણી વ્યક્તિના મૃત્યુદેહને પોલીસ સ્ટેશનની કાર્યવાહી પૂરી થયા બાદ ત્યાંથી મેળવી તેમને અગ્નિસંસ્કાર વિધિપુર્વક કરે છે. એટલું જ નહીં અલ્પાબહેન અસ્થીને પણ વિધિપુર્વક વિસર્જીત કરે છે. જેમાં તેમના પરિવારનો પણ સહકાર મળી રહે છે. તેમની વર્લ્ડ બુક ઓફ સ્ટાર રેકોર્ડ સંસ્થામાંથી રાષ્ટ્રીય પ્રેરણા એવોર્ડ 2021 માટે પસંદગી કરવામાં આવી છે.
બિનવારસી મૃતદેહની હાલત જોઇ અલ્પાબહેનનું હૃદય હચમચી ઉઠ્યું
અલ્પાબહેન પટેલ શરૂઆતમાં રખડતાં ભિક્ષુકોને નવડાવી, ધોવડાવીને કપડાં પહેરાવવાનું કામ કરતાં હતાં. તેમના ભીક્ષુકો પ્રત્યેના સ્નેહભર્યા વ્યવહારથી તેઓ એકબીજાને હળભળી ગયાં હતાં. જોકે, એક દિવસ ભિક્ષુકની ગેરહાજરી દેખાઇ હતી. આથી, તપાસ કરતાં તે ભિક્ષુકનું મૃત્યું થયું હોવાનું જાણવા મળ્યું હતું. આથી, તેઓ સ્થળ પર પહોંચ્યાં તે સમયે ભિક્ષુકની લાશ જોઇ દ્રવિ ઉઠ્યાં હતાં. આ સમયે જ તેઓએ બિનવારસી લાશની અંતિમવિધિ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં આ માનવતાના કાર્યમાં પરિવારજનો તરફથી પણ સહકાર મળવા લાગ્યો હતો. તેમના આ કાર્યમાં અગ્નિસંસ્કારના કામમાં બે મહિલા પણ સાથ આપે છે.