વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Pm Modi) આજે માતા(Mother)ના જન્મ દિવસ(Birthday) નિમિત્તે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. માતા હીરાબા(Hira Baa)નો આજે 100મો જન્મદિવસ છે. જેથી વડાપ્રધાન મોદી વહેલી સવારે સૌ પ્રથમ માતા હીરાબાને મળવા ગાંધીનગર(Gandhinagar)ના રાયસણ(Raisan) સ્થિત ઘરે આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. પી.એમ મોદીએ માતાના જન્મદિને તેમના ચરણ ધોઈને આશીર્વાદ લીધા હતા. તેમજ ચરણ ધોયેલા પાણીને તેઓએ પોતાના માથે ચડાવ્યું હતું. માતાને ગુલાબનો હાર પહેરાવી તેમજ શાલ ઓઢાવી હતી. પી.એમ મોદીએ માતાને લાડુ ખવડાવી જન્મદિનની શુભકામનાઓ પાઠવી હતી.તેમજ માતા સાથે ઘરમાં દેવ સ્થાનમાં આરતી કરી હતી.
માતાના આશીર્વાદ લીધા બાદ પીએમ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ(Pavagadh)ની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ મહાકાળી માતાજીના દર્શન કર્યા હતા. ત્યાર બાદ વિધીવત પૂજા-અર્ચના કરી ધ્વજારોહણ(Flag hoisting) કરવામાં આવ્યું હતું. યાત્રાધામ પાવાગઢમાં 125 કરોડના વિકાસકાર્યોનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મહાકાળીના શિખર પર 5 શતાબ્દી બાદ ધ્વજા ફરકી: પી.એમ મોદી
વડાપ્રધાન મોદીએ શિખર પર ધ્વજારોહણ કર્યા બાદ સંબોધન કરતા કહ્યું કે, મહાકાળીના શિખર પર 5 શતાબ્દી સુધી ધ્વજા ન હોતી ફરકતી. પરંતુ આજે આ ધ્વજા ફરકી છે જે પ્રેરણા આપે છે. ધ્વજારોહણ એ ભક્તો માટે શક્તિ ઉપાસકો માટે આનાથી મોટો કોઇ ઉપહાર ન હોઇ શકે. સદીઓ બદલાય છે, યુગ બદલાય છે પણ આસ્થાનું શિખર શાશ્વત રહે છે. આજે સદીઓ પછી મહાકાળી મંદિર વિશાળ સ્વરૂપમાં આપણી સામે છે. હું મારુ પુણ્ય છે, તે દેશની માતા અને બહેનો માટે સમર્પિત કરતો રહું અને દેશની સેવા કરતો રહુ તે મે માતાજી પાસે માગ્યું છે.
મંદિર પર ધ્વજા ન ફરકવા પાછળનો ઈતિહાસ
સામાન્ય રીતે દરેક મંદિર ઉપર ધ્વજા તો ફરકતી જ હોય છે. પરંતુ યાત્રાધામ પાવાગઢ પર ધ્વજા ન ફરકવા પાછળ એક ગૌરવવંતો ઇતિહાસ જોડાયેલો છે. આ ઈતિહાસ મુજબ 500 વર્ષ અગાઉ મહંમદ બેગડાએ પાવાગઢ પર હુમલો કર્યો હતો અને તેને જીતી લીધો હતો. ત્યારબાદ મહંમદ બેગડાએ મંદિરનાં શિખરને ખંડિત કરી દીધું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે તે સમયે આ મંદિર દરગાહ બનાવવામાં આવી હતી. જેના પગલે આટલા બધા વર્ષોથો મંદિર પર ધ્વજા ફરકી ન હતી. જો કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 537 વર્ષ બાદ ધ્વજારોહણ કરી આ પરંપરા ફરી શરુ કરી છે.
વડાપ્રધાન 660.26 કરોડ રૂપિયાના ખર્ચે પાણી વિતરણ પ્રોજેક્ટ પણ લોકોને સમર્પિત કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ગુજરાત મુલાકાત દરમિયાન વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન અને ભૂમિપૂજન કરશે. તેમાં રૂપિયા 660.26 કરોડના ખર્ચે પાણી વિતરણ સંબંધિત અનેક પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. આ દિવસે, પીએમ રૂપિયા 395.51 કરોડથી વધુની પાણી વિતરણ યોજનાઓનું ઉદઘાટન કરશે અને આશરે રૂ. 264.75 કરોડના પાણી વિતરણ પ્રોજેક્ટનો ઇ-શિલાન્યાસ કરશે, જેનો લાભ આગામી સમયમાં રાજ્યના 16 લાખથી વધુ લોકોને મળશે. આ જળ વિતરણ પ્રોજેક્ટ્સમાં 6 Sewage Treatment Plant (STPs)ના લોકાર્પણનો પણ સમાવેશ થાય છે. આ STP ખેડા, મહેમદાવાદ, કંજરી, બોરસદ, ઉમરેઠ અને કરજણમાં સ્થાપવામાં આવ્યા છે. આ STPનો રાજ્યના 2 લાખથી વધુ લોકોને લાભ થશે. ગુજરાત માટે STP એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે તે સ્વચ્છ પાણી પર રાજ્યની નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ છે.