ફરી કોરોનાના કેસમાં થોડો થોડો વધારો થઈ રહ્યો છે અને તેમાં અધૂરામાં પૂરું ચોમાસાનું આગમન. ચોમાસું એટલે રોગોનો ભય. તેથી સ્વસ્થ રહેવાની… જવાબદારી માત્ર પાલિકાની અને તબીબોની જ નહીં રહેતાં આપણા સૌની બને છે. આપણા સૌના સ્વાસ્થ્યનું ધ્યાન આપણે સૌએ જ રાખવાનું છે અને રોગપ્રતિકારકશક્તિ વધારીને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવાનું છે. ચોમાસું આવતાં ફ્લૂ, ડાયેરિયા, મચ્છરોનો ઉપદ્રવ વધતાં મેલેરિયા અને ડેન્ગ્યુના કેસો જોવા મળી શકે.
આવો, નીચે પ્રમાણેનાં કાળજીનાં પગલાં લઈએ
ઠંડું પ્રવાહી પીવાનું ટાળો
શક્ય હોય ત્યાં સુધી રૂમના તાપમાનનું પ્રવાહી લઈએ. બને તો ગરમ પાણીમાં આદુ, હળદર ઉમેરી પીએ.
દિવસમાં 2 વાર
હળદરવાળું દૂધ પીઓ
હળદર એન્ટીવાઇરલ તથા એન્ટીબેક્ટેરિયલ ખૂબીઓ ધરાવે છે. તેથી તેનું વધુ સેવન કરીએ.
2 વાર લીંબુ પાણી
(ગરમ પાણીમાં) પીઓ
લીંબુનું વિટામિન C રોગપ્રતિકારક શક્તિ વધારે અને તેમાં રહેલું પોટેશિયમ ડીહાઇડ્રેશન સામે રક્ષણ આપે છે.
વાસી ખોરાક ટાળો
વાસી ખોરાકમાં ઉત્પન્ન થયેલા બેક્ટેરિયા પાચનતંત્રમાં ઇન્ફેક્શન કરી શકે છે, જે રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે.
ખોરાક ખુલ્લો ન મૂકો
ખુલ્લા ખોરાક પર માખી તથા અન્ય જંતુઓ બેસીને ખોરાકમાં હાનિકારક જીવો ભેળવે છે, જે ચોમાસું રોગોનું કારણ બની શકે.
ખાટાં – મીઠાં સિઝનલ ફળોનું નિયમિત સેવન કરો
સિઝનલ ફળો જેતે ઋતુમાં તાપમાનના ફેરફાર અને ઋતુગત માંદગી સામે રક્ષણ આપતાં પોષક તત્ત્વો ધરાવતાં હોય છે. એનું સેવન અચૂક કરવું જોઈએ.
ખૂબ પ્રવાહીનું સેવન કરો
પ્રવાહીનું યોગ્ય માત્રામાં સેવન લોહીની PHને નિયંત્રણમાં રાખી શરીરમાં એસિડનું પ્રમાણ ઘટાડે છે.
દહીંનું સેવન કરો
દહીં પ્રોબાયોટિક બેક્ટેરિયા ધરાવે છે, જે આંતરડાંને સ્વસ્થ રાખે છે. તો ખોરાકમાં નિયમિત ઘરના બનાવેલ દહીનું સેવન કરો.
શાકભાજી – ફળો યોગ્ય રીતે ધોયા બાદ જ ઉપયોગમાં લો.
તળેલો ખોરાક ખાવાનો ટાળો
ચોમાસામાં પાચનક્રિયા મંદ પડે છે. અહીં પુષ્કળ ચરબીયુક્ત પદાર્થોનું સેવન પાચનતંત્ર પર ભારણ વધારે અને ગેસ, અપચા જેવી તકલીફો ઉત્પન્ન થઈ શકે. શક્ય એટલો પચવામાં હલકો ખોરાક ખાઓ.
મેંદાની વાનગીઓનું સેવન મોટું નુકસાન કરી શકે…
લોકડાઉન દરમ્યાન …મીડિયા દેવની કૃપાથી લોકો ઘણી બધી બેકરી પ્રોડક્ટ્સ બનાવતાં શીખી ગયા. શીખવામાં કંઈ ખોટું નથી પણ વધુ પડતો મેંદો, ઘી, બટર, ચીઝ, ખાવાનો સોડા (ઇનો) આ બધું જ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ બધાનું વધુ પડતું સેવન બ્લડ પ્રેશર, બ્લડ શુગર અને ચરબીમાં ભયજનક સ્તરે વધારો કરી શકે. મેંદો પચવામાં ખૂબ વધુ સમય લે છે અને ચોમાસા દરમિયાન આમ પણ પાચનતંત્ર મંદ હોઈ ચોક્કસ મોટું નુકસાન સર્જી શકે.
યોગાસનો અને પ્રાણાયામ
યોગાસનો અને પ્રાણાયામ શરીરમાં એનર્જીનો સંચાર કરે અને ફેફસાંની કાર્યશીલતામાં વધારો કરી ફેફસાંની ઓક્સિજન સંગ્રહ કરવાની ક્ષમતામાં વધારો કરે, જે ઋતુગત બીમારી અથવા કોરોના માટે પણ એટલું જ અગત્યનું છે.
આટલા સાવચેતીનાં પગલાં આપને શારીરિક – માનસિક રીતે આ ચોમાસે રોગનો સામનો કરવા માટે સજ્જ રાખશે.