આપણે ત્યાં ખાસ કરીને સૌરાષ્ટ્ર બાજુ ડાયરાઓનું ઘણા મોટા પ્રમાણમાં આયોજન થતું રહેતું હોય છે. હવે તો સુરતમાં પણ સૌરાષ્ટ્રવાસીઓના કતારગામ તથા વરાછા જેવા વિસ્તારોમાં ડાયરાઓ યોજાતા હોય છે. ડાયરો સાંભળવા, ઘણી મોટી સંખ્યામાં લોકો ડાયરાના સ્થળે જતા હોય છે. થોડાક ઉંચા સ્ટેજ ઉપર ગાયક કલાકારો અને એમની ઓરકેસ્ટ્રાના વાદકો બેઠા હોય છે. ગાયક કલાકારોમાં હવે તો મહિલા ગાયકો પણ ડાયરો ગજવતી હોય છે. ડાયરામાં ગાયક કલાકાર વ્યકિત જયારે પૂરી તન્મયતાથી, ઓરકેસ્ટ્રાની રીધમ સાથે તાલ મીલાવી ગાતી હોય છે ત્યારે કેટલાંક ભાવકો હાથમાં નોટોના પેકેટ લઇને સ્ટેજ ઉપર જઇને ગાયક કલાકાર અને ઓરકેસ્ટ્રા ઉપર એ નોટોનો વરસાદ વરસાવતા હોય છે.
અન્ય ભાવકો પણ ગેલમાં આવી જઇને ‘અમે પણ કાં કમ છીએ’ એ ભાવ સાથે સ્ટેજ ઉપર જઇને નોટો ઉછાળવા લાગે છે. ઊડેલી એ નોટોથી સ્ટેજ ભરાઇ જાય છે અને કેટલીક નોટ તો સ્ટેજની નીચે પણ પથરાઇ જતી હોય છે. એ પથરાયેલી નોટો ઉપર અન્ય નોટો ઉછાળવા જતાં લોકો રીતસર ચાલતા હોય છે. જેને આપણે લક્ષ્મી કહીએ છીએ. મન દુ:ખથી ભરાઇ જાય છે. શું લક્ષ્મી દેવી સમાન નોટોની આવી દશા?! જરાક સંયમ દાખવીને સ્ટેજ ઉપર જઈને નોટનું ખોલ્યા વગરનું પેકેટ જ ગાયક કલાકારની સામે અથવા બાજુમાં મૂકી દે તો કેટલું સારું લાગે? છુટી છુટી નોટો ઉછાળવાની કોઇ જરૂર ખરી? અમે પણ નોટોવાળા છીએ એવો દંભી દેખાડો કરવાની કોઇ જરૂર ખરી કે?
સુરત – બાબુભાઇ નાઇ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે