Comments

ચાલો, ભૂતકાળમાં જઈને અંગ્રેજોને હરાવતા આવીએ!

કેલેન્ડર અનુસાર આપણે ભલે આગળ વધી રહ્યા હોઈએ, આજકાલ ભૂતકાળમાં સફર કરવાની મોસમ ચાલી રહી છે. અમૃતસરના સુવર્ણ મંદિર ખાતેના અકાલ તખ્ત દ્વારા કરાયેલું એક ફરમાન આ બાબતની પુષ્ટિ કરે છે. આ સ્થળની મુલાકાત લેનારાને ખ્યાલ હશે કે આ સંકુલમાં ગુરુબાની અને શબદનું ગાયન ચાલતું રહેતું હોય છે. અત્યંત સૌમ્ય સ્વરે, હાર્મોનિયમ અને તબલાંની સંગતે રેલાતા શબ્દો આ સ્થળના માહોલમાં અજબ શાતાની અનુભૂતિ કરાવે છે. ગવાઈ રહેલા શબ્દોની ભાષા ન સમજાય તો પણ આ અનુભૂતિમાં કશો ફરક પડતો નથી.

અલબત્ત, હવે અહીંના અકાલ તખ્તના જત્થેદાર જ્ઞાની હરપ્રીત સિંઘે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિને આદેશ આપ્યો છે કે આગામી 3 વર્ષમાં તબક્કાવાર આ વાદ્યસમૂહમાંથી હાર્મોનિયમને દૂર કરતા જવું. આ રજૂઆત પાછળનું કારણ જણાવતાં તેમણે કહ્યું છે કે આ વાદ્યને અંગ્રેજા દ્વારા આપણી પર થોપી દેવામાં આવ્યું હતું. હાર્મોનિયમનું સ્થાન હવે પારંપરિક તંતુવાદ્યો લેશે એમ તેમણે સૂચવ્યું છે. ઉલ્લેખનીય છે કે અકાલ તખ્ત શીખોની સર્વોચ્ચ ધાર્મિક સંસ્થા છે, જેનો પાયો ઈ.સ. 1609માં શીખોના છઠ્ઠા ગુરુ શ્રી હરગોવિંદ સાહિબ દ્વારા નાંખવામાં આવ્યો હતો. શીખોના કુલ 5 તખ્ત પૈકીનું આ સહુ પ્રથમ અને સૌથી જૂનું તખ્ત છે. વિલીયમ કાર્પેન્ટર નામના અંગ્રેજ ચિત્રકારે ચીતરેલા ઈ.સ. 1854ના એક જળરંગી ચિત્રમાં હરમંદિર સાહિબમાં કીર્તન કરતો ભક્ત સમુદાય દર્શાવાયેલો છે. આ ચિત્રમાં હાર્મોનિયમ નહીં પણ રબાબ, સારંગી, દિલરુબા, તૌસ, સારન્દા જેવાં તંતુવાદ્યો જોવા મળે છે.

કહેવાય છે કે 20મી સદીના આરંભકાળે ઈ.સ. 1901 કે 1902માં હરમંદિર સાહિબમાં પહેલવહેલી વાર હાર્મોનિયમવાદન કરવામાં આવ્યું. હાર્મોનિયમ અને તંતુવાદ્ય બન્નેનો ઉપયોગ કરનારા કીર્તનકારો પણ છે જ. અકાલ તખ્ત માને છે કે શીખ પરંપરામાં હાર્મોનિયમનો પ્રવેશ કરાવનાર અંગ્રેજા હતા. તેમને આપણા સાંસ્કૃતિક વારસા બાબતે કશી જાણકારી ન હતી. તેમના આગમન અગાઉ પ્રત્યેક ગુરુદ્વારા પાસે એક જાગીર હતી. તેના થકી થતી આવકનો એક હિસ્સો રબાબી (રબાબવાદક) અને શીખ કીર્તનકારો માટે ફાળવવામાં આવતો હતો. અંગ્રેજાના આગમન પછી આ વ્યવસ્થા ખતમ થઈ ગઈ.

20મી સદીના આરંભે શરૂ થયેલી આ પરંપરા 120 – 121 વરસ સુધી સમૃદ્ધપણે ચાલતી રહી. એને અંગ્રેજાએ થોપી હોવાનું આટલા વરસે કેમ લાગ્યું હશે એ આશ્ચર્ય પમાડે એવું છે. આ ફરમાન બાબતે પંજાબ યુનિવર્સિટીના પ્રો. ડૉ. અલંકાર સિંઘે પ્રતિક્રિયારૂપે જણાવ્યું છે કે તંતુવાદ્યોના વાદનને પ્રોત્સાહિત ભલે કરો પણ હાર્મોનિયમવાદનને બંધ કરવું યોગ્ય નથી. બીજા પણ અનેક શીખ વિદ્વાનો આ મતના છે. લોકોના કાન આ સંગીતમાં હાર્મોનિયમના વાદનથી બરાબર કેળવાઈ ગયા છે. આ મુદ્દે અગ્રણી અંગ્રેજી દૈનિક ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ દ્વારા લખાયેલા તંત્રીલેખમાં હાર્મોનિયમની ઉત્પત્તિ બાબતે જણાવતાં લખાયું છે કે તેનું મૂળ ફ્રાન્સમાં હતું. એ ખરું કે ભારતમાં તેના પ્રવેશ માટે અંગ્રેજા નિમિત્ત બન્યા અને ભારતનું સૌ પ્રથમ હાર્મોનિયમ કોલકાતામાં દ્વારકાનાથ ઘોષ નામના સંગીતકાર દ્વારા ઈ.સ. 1875માં તૈયાર કરવામાં આવ્યું.

એક દેશના લોકો અન્ય દેશ પર શાસન કરે અને એ પણ બબ્બે સદી જેટલા લાંબા સમય સુધી ત્યારે શાસિત પ્રદેશની સંસ્કૃતિ પર તેની ભિન્ન ભિન્ન અસર થતી હોય છે. આમાંની ઘણી અસરો ફળદાયી પણ નીવડતી હોય છે. ભારતીય સંગીત પરંપરામાં હાર્મોનિયમનું સ્થાન એટલું મજબૂત થઈ ગયેલું છે કે તેને વિદેશી વાદ્યમાં ખપાવવું હાસ્યાસ્પદ બની રહે. ભારતીય ફિલ્મસંગીતના આરંભિક દાયકાઓ દરમિયાન પાશ્ચાત્ય વાદ્યો તેનું અભિન્ન અંગ બની રહ્યા હતા અને તેના ઉપયોગથી દાયકાઓ સુધી તરોતાજા લાગે એવાં અસંખ્ય ગીતોનું નિર્માણ થવા પામ્યું હતું. એ સમય 1952માં નવા નીમાયેલા માહિતી અને પ્રસારણ મંત્રી B . V. કેસકરને લાગેલું કે દેશભરને માહિતી અને મનોરંજન પૂરું પાડતી સરકારી અને એક માત્ર પ્રસારણ સેવા ‘ઓલ ઈન્ડિયા રેડિયો’ પરથી ફિલ્મી ગીતોનું પ્રસારણ કરવું, આપણી સમૃદ્ધ શાસ્ત્રીય પરંપરાના વારસાને પાછળ ધકેલવા જેવું છે. આથી તેમણે ફિલ્મી ગીતોના પ્રસારણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો. આ એ સમયગાળો હતો કે જ્યારે એક એકથી ચડે એવાં અસંખ્ય અને ઉત્તમ ગીતોનું સર્જન થઈ રહ્યું હતું. આટલા દાયકાઓ વિત્યા પછી પણ તેનું આકર્ષણ ઓસરી શક્યું નથી. સાંસ્કૃતિક વારસાને જાળવવાનું ઝનૂન ધરાવતા કેસકર આ માધ્યમની ક્ષમતાને પારખવામાં સદંતર નિષ્ફળ ગયા.

સંસ્કૃતિઝનૂનમાં કેસકર જે ચૂકી ગયા એ તક વિદેશી કહેવાય એવી ‘S.L.B.C.’(શ્રીલંકા બ્રોડકાસ્ટિંગ સર્વિસ)એ ઝડપી લીધી. ‘બિનાકા ગીતમાલા’ સહિત અનેકાનેક અદભૂત કાર્યક્રમો તેના ઉદઘોષકોએ તૈયાર કર્યા અને શ્રોતાઓને તૃપ્ત કર્યા. આ સેવાને પગલે એવા સજ્જ શ્રોતાઓની પરંપરા સર્જાઈ કે કાનપુરના હરમંદિર સીંઘ ‘હમરાઝ’, સુરતના હરીશ રઘુવંશી જેવા સંપાદકો તૈયાર થયા. જેમણે અનુક્રમે ‘હિન્દી ફિલ્મ ગીતકોશ’ તેમજ ‘મુકેશ ગીતકોશ’ અને ‘ગુજરાતી ગીતકોશ’ જેવા ગ્રંથોનું અભૂતપૂર્વ સંપાદન કર્યું. આ બન્નેને સંપાદનનો કોઈ અનુભવ નહોતો પણ તેઓ રેડિયો સિલોનના શ્રવણથી ઘડાયેલા શ્રોતાઓ હતા. કેસકરને આવા કારણોસર કટાક્ષમાં ‘રેડિયો સિલોનના જનક’ કહેવામાં આવે છે.

અકાલ તખ્તમાં અત્યારે સ્થિતિ એવી છે કે કીર્તનકારના કુલ 15 સમૂહ છે, જે દિવસ અને મોસમ અનુસાર મંદિરમાં અલગ અલગ રાગ ગાય છે. આ 15 પૈકીના 5 જ સમૂહ એવા છે કે જે રબાબ, સારન્દા જેવા તંતુવાદ્યોનો ઉપયોગ કરે છે. બાકીના હાર્મોનિયમનો જ ઉપયોગ કરે છે. આથી બાકીના સમૂહને તંતુવાદ્યવાદનની તાલીમ આપવાનો આરંભ થઈ ગયો છે. સંસ્કૃતિ જાળવણીના ઝનૂનમાં જઈ જઈને કેટલા પાછળ જવું એ પહેલો સવાલ છે પણ બીજા અને વધુ અગત્યનો સવાલ એ છે કે ગમે એટલા પાછળ જઈએ પછી શું? એ ધર્મ અને સંસ્કૃતિને કોઈ રીતે લાભકર્તા બની રહેશે ખરું?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top