હૃદય શરીરનું એક માત્ર એવું સૌથી નાજુક અંગ છે જે ખલાસ તો જીવન ખલાસ. કુદરતે જીવજગતમાં અન્ય કેટલાક જીવોને એકથી વધુ હૃદય આપ્યા છે પણ માનવીને એક જ આપ્યું છે અને આ વાતની ખબર પડે પછી પણ માનવી એ હૃદય કયાં તો અન્યને આપતો ફરે અથવા તેની બરાબર કાળજી લેતો નથી અને હૃદયરોગનો હુમલો થાય ત્યારે તે તીવ્ર હોય તો વાર્તા પૂરી નહીં તો હૃદયને ગંભીર અને દુરસ્ત ન થઇ શકે તેવું નુકસાન થાય છે. હૃદયરોગની સારવારમાં સંશોધન થતાં જ રહે છે પણ તાજેતરમાં બ્રિટનમાં એક એવી જૈવિક રીતે નાશ પામી શકે તેવી જેલ શોધાઇ છે જે નવેસરથી પેશી ઉગાડી શકે છે અને હૃદયરોગના હુમલાથી થયેલું નુકસાન પણ દુરસ્ત કરી શકે છે એમ એક અભ્યાસ કહે છે. માંચેસ્ટર યુનિવર્સિટી અને બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનના સંશોધકોએ એવી જેલ શોધી કાઢી છે જે જીવંત હૃદયમાં સીધા જ કોશ આરોપી શકે છે અને તેમને પાંગરીને વૃધ્ધિ પામવામાં મદદ કરી શકે છે.
પ્રોટિનના સર્જનના ઘટક પેપ્ટાઇડ તરીકે જાણીતા એમિનો એસિડની આ જેલ બનેલી છે. તેમને હૃદયમાં ઇંજેકશન દ્વારા પ્રવાહી સ્વરૂપે મોકલી શકાય અને તે ત્યાં ગયા પછી હૃદય પર ગયેલા કોશને તેની જગ્યા પર જકડી રાખવા માટે નક્કર સ્વરૂપમાં ફેરવાઇ જશે. સંશોધકોએ તંદુરસ્ત ઉંદરોનાં હૃદયમાં આ જેલ ઇંજેકશન મારફતે દાખલ કરી હતી અને તે જેલ તેમના હૃદયમાં બે સપ્તાહ રહી હતી. મુખ્ય સંશોધક ડૉ. (શ્રીમતી) કેથેરીન કિંગે કહ્યું હતું કે હજી આ સંશોધન પ્રાથમિક અવસ્થામાં છે પણ હૃદયરોગ પછી બંધ થતા હૃદયને અટકાવવામાં આ સંશોધન મહત્ત્વનું નિવડવાની સંભાવના છે. સંશોધકો હૃદયમાં કોશનું આરોપણ કરવાના પ્રયાસો વર્ષોથી કરતા હતા પણ માનવ કોશોને હૃદયના સ્નાયુના કોશને જેલમાં મૂકી તેની વૃધ્ધિ કરવાના પ્રયોગને સફળતા મળી છે.
પછી આ કોશ ધબકવા માંડયા પછી તંદુરસ્ત ઉંદરમાં આ કોશનું આરોપણ કરવા માંડયું અને ખબર પડી કે આ કોશ હૃદયમાં બે સપ્તાહ જેલ સાથે રહ્યા હતા. હૃદયની વિદ્યુત પ્રવૃત્તિની નોંધ રાખનાર ઇકો કાર્ડિયોગ્રામ અને ઇલેકટ્રો કાર્ડિયોગ્રામ સમર્થન કરે છે કે આ ઇંજેકશન સલામત છે. હવે ઉંદર પર હૃદયરોગનો હુમલો થાય તેવા પ્રયોગ સાથે તેમના પર આ સારવાર અજમાવાશે. ડૉ. કેથેરિન કિંગે કહ્યું કે હૃદય પાસે તેને થતું નુકસાન દુરસ્ત કરવાની ક્ષમતા મર્યાદિત છે. અમે હૃદયને લાંબો સમય વધુ તંદુરસ્ત રાખવા માંગીએ છીએ. બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનના સંશોધક પ્રો. જેમ્સ લીવરે કહ્યું કે નવી જેલ સારવારથી પેપ્ટાઇડઝના કુદરતી તત્ત્વો માનવ જાતની સેવામાં લાગશે અને હૃદયરોગની સારવાર સરળ બનશે. માંચેસ્ટરમાં મળેલ બ્રિટિશ કાર્ડિયો વેસ્કયુલર સોસાયટીના પરિષદમાં આ સંશોધનપત્ર રજૂ કરાયું હતું.
– નરેન્દ્ર જોશી