વ્યારા: (Vyara) તાપી જિલ્લાની સરહદને અડીને આવેલા નંદુરબારના અક્કલકૂવા ખાતે હરીશ પવાર નામની વ્યક્તિએ વાંધાજનક લખાણ સાથે એક ફોટો વોટ્સએપ (Whatsapp) સ્ટેટસ પર પોસ્ટ (Post) કર્યો હતો. આ મામલે એક સમુદાયની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચતાં થયેલી તકરારમાં મધરાતે ટોળાં દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં ટુ-વ્હીલર અને ફોર વ્હીલરની તોડફોડથી ભારે નુકસાન થયું હતું. આ ઘટનાને પગલે અક્કલકૂવા શહેરમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ (Police Officers) સાથે પોલીસ દળ તૈનાત કરી દેવાયું હતું. પોલીસ અધિક્ષક પી.આર.પાટીલ સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. વોટ્સએપ સ્ટેટસ જાળવવાના વિવાદમાં પોલીસે અત્યાર સુધીમાં ૨૪ જેટલા શકમંદની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.
- અક્કલકૂવા ખાતે વાંધાજનક વોટ્સએપ સ્ટેટસ મુદ્દે હિંસક ઘટના, માથાભારે તત્ત્વોનો પથ્થરમારો
- બાઇક અને કારની તોડફોડથી ભારે નુકસાન, ૨૪ જેટલા શકમંદની ધરપકડ
વાંધાજનક વોટ્સએપ સ્ટેટસ જાળવવાના વિવાદને લઈને ગઈકાલે મધરાત પછી તોફાન ફાટી નીકળ્યું હતું. પોલીસમથકે ચોક્કસ સમાજની લાગણીને ઠેસ પહોંચે તેવી વોટ્સએપ પરની કોમેન્ટ્સને લઈ પોલીસમથકે તેઓ ફરિયાદ કરવા ગયા હતા. ત્યારબાદ પોલીસમથકેથી તેઓ પોતાના ઘરે પરત થઈ રહ્યા હતા. એ વેળા કેટલાંક માથાભારે તત્ત્વોએ પથ્થરમારો કરતાં વાતાવરણ તંગ બની ગયું હતું. અક્કલકૂવા શહેરના ઝંડા ચોક, બજાર પેઠ, તલોદા નાકા અને મરીમાતા મંદિર વિસ્તારમાં પથ્થરમારામાં ટુ-વ્હીલર અને ફોર વ્હીલરને નુકસાન થયું હતું.
અક્કલકૂવા શહેરમાં હાલમાં તણાવપૂર્ણ શાંતિ અને સ્થિતિ નિયંત્રણમાં છે. નાગરિકોએ કોઈપણ પ્રકારની અફવા તેમજ ધાર્મિક અફવાઓનો શિકાર ન થવું જોઈએ તેવી અપીલ પોલીસ અધિક્ષક પી.આર.પાટીલે કરી છે. અક્કલકૂવા શહેરમાં ૧૦ જૂનની મધ્યરાત્રિ પછી શહેરના તલોદા નાકા, મુખ્ય બજાર, ઝંડા ચોક, શિક્ષક કોલોની વિસ્તારમાં અચાનક ટોળું એકઠું થયું હતું. પોલીસ મહાનિરીક્ષક બી.જી.શેખર પાટીલ, મદદનીશ કલેક્ટર અને પ્રાંત મૈનક ઘોષ સહિતના અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી અને તેનું નિરીક્ષણ કર્યું. પોલીસ અધિકારીઓએ આ ઘટના અંગે વધુ કંઈપણ કહેવા ઇનકાર કર્યો હતો.
વેપારીઓ અને નાગરિકોનું સ્વયંભૂ બંધનું એલાન
અક્કલકૂવામાં શિવસેના સંપર્ક કાર્યાલયની બારીઓ પથ્થરો વડે તોડી નાંખવામાં આવી છે. એર કંડિશનરને પણ પથ્થરમારો કરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ ઘટનાના પગલે અક્કલકૂવાના વેપારીઓ અને નાગરિકોએ સ્વયંભૂ બંધનું એલાન આપ્યું છે અને ગુનેગારો સામે પગલાં લેવાની માંગ કરી છે.