બર્ટ્રાન્ડ રસેલનું નામ વીસમી સદીના મહાન ચિંતકોમાં લેવાય છે અને આ વર્ષ તેમની 150મી જન્મજયંતીનું વર્ષ છે. બર્ટ્રાન્ડ 1872ના વર્ષના 18,મેના રોજ બ્રિટનના મોનમોથશાયરમાં જન્મ્યા. વીસમી સદીના અગ્રગણ્ય તર્કશાસ્ત્રી તરીકે તેમની ઓળખ અપાય છે. આ ઉપરાંત તેમણે ગણિત, સમાજશાસ્ત્ર, ધર્મ અને નીતિ જેવા વિષયોને પણ પોતાના લખાણોમાં આવર્યા. દરેક વિષયને તેમણે પોતાની આગવી દૃષ્ટિથી ખેડ્યો અને તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. તેમના આ અભ્યાસથી જ તેઓએ અદ્વિતીય સાહિત્ય રચ્યું અને 1950ના વર્ષમાં તેમને નોબલ પુરસ્કારથી સન્માનવામાં આવ્યા. બર્ટ્રાન્ડ રસેલની આટલી સિદ્ધિથી જ તેઓ મહાન બની ચૂક્યા હતા.
પણ આ ઉપરાંત તેઓ વિચાર-વાણી સ્વાતંત્ર્યના હિમાયતી રહ્યા અને તે અંગે જ્યાં બોલવાનું આવ્યું ત્યાં ખૂલીને બોલ્યા. સામ્રાજ્યવાદનો તેઓ સતત વિરોધ કરતા રહ્યા અને ભારતને આઝાદી મળે તે માટે પણ તેમના પ્રયાસો હતા. આ પ્રયાસરૂપે સ્થપાયેલી સંસ્થા ‘ધ ઇન્ડિયા લિગ’ના તેઓ અધ્યક્ષ હતા. વીસમી સદીના મધ્યમાં જ્યારે પરમાણુ શસ્ત્રોની ધમકીઓ છૂટથી અપાતી હતી તે દરમિયાન તેમણે પરમાણુ શસ્ત્રોનો વિરોધ જોરશોરથી ઉપાડ્યો. અમેરિકા અને બ્રિટનના સામ્રાજ્યવાદના વલણનો તેઓ પ્રખર વિરોધ કરતા રહ્યા. એડોલ્ફ હિટલર, સ્ટાલિનના શાસનનો પણ તેઓ વિરોધમાં સતત લખતા-બોલતા રહ્યા. આમ આજીવન તેમનો અભ્યાસ અને યુદ્ધ પ્રત્યેનો વિરોધ ચાલતો રહ્યો.
જગતવ્યાપી શાંતિ સ્થાપવા તેઓ સતત ચિંતનશીલ રહ્યા અને આ અર્થે જ તેમણે ‘વિશ્વ સરકાર’નો ખ્યાલ રજૂ કર્યો. માનવજાતિના ઉદ્ધાર માટે બર્ટ્રાન્ડ રસેલનું કાર્ય ક્યારેય ભૂંસાય એવું નથી. તેમના વિશે ગુજરાતી ભાષામાં પણ ખૂબ લખાયું છે. અમેરિકામાં ભારતના રાજદૂત રહી ચૂકેલા ગગનવિહારી મહેતાએ તેમના વિશે વિસ્તૃત લેખ કર્યો છે. ભોગીલાલ ગાંધીએ રસેલના ભારતવિરોધી વલણ વિશે અભ્યાસલેખ કર્યો છે. ફાધર વોલેસે રસેલના ગણિતના અભ્યાસ વિશે લખ્યું છે. આમ, અનેક ગુજરાતી લેખકોએ તેમના જીવનનાં જુદાં જુદાં પાસાં વિશે રજૂઆત કરી છે.
ગગનવિહારી મહેતા રસેલના શતાબ્દી ટાણે 1972ના ‘સંસ્કૃતિ’ના અંકમાં લખે છે : “અંગ્રેજી ઉમરાવ કુટુંબમાં એ જન્મ્યા હતા; ‘લોર્ડ’ કહેવડાવતા નહોતા છતાં હતા ખરા; આ યુગના સમર્થ ફિલસૂફ, ગણિતશાસ્ત્રી તેમ જ ઉત્કૃષ્ટ વિચારક હતા; અનેક સંચલનોના પ્રવર્તક હતા; આંતરરાષ્ટ્રિય ક્ષેત્રમાં પ્રેરણા આપતા. જીવનની ઉત્તરાવસ્થામાં પણ એમની બુદ્ધિ તીવ્ર હતી; માનવજાતિ માટેની એમની લાગણી ઉત્કટ હતી; ભવિષ્યની ચિંતા ઉગ્ર હતી; સામાજિક અન્યાય એ સહન ન કરી શકતા; માનવીની માનવી પ્રત્યેની ક્રૂરતા સામે પડકાર કરતા. ઘણા ખરા જ્યાં ભીતિથી મૌન ધારણ કરે ત્યાં એ બોલતા અચકાતા નહીં. ‘વિવાદને કારણે મારું આયુષ્ય લંબાય છે’ એમ એમણે એક વાર કહ્યું હતું.
એમને જીવવાને થોડાં જ વર્ષ હતાં ત્યારે પણ આ પૃથ્વી અણુયુદ્ધને પરિણામે વિનાશ પામશે અને પ્રતિસ્પર્ધી ‘વાદો’ વચ્ચેના કલહમાં માનવજાતિનો સંહાર થશે એની એમને વિમાસણ હતી. મનુષ્યની પ્રગતિનો ઉપહાસ કરતાં એક વાર એમણે કહ્યું હતું કે નિરુપદ્રવી કીડા અને પતંગિયામાંથી ઉત્ક્રાંતિને પરિણામે નીરો, ઝંગીસખાન, હિટલર સુધી ઊંચે આપણે પહોંચી ગયા છીએ. એમને કોઈએ પત્ર લખીને પૂછ્યું કે ‘આપની ઉચ્ચતમ સિદ્ધિ શી લેખો છો?’ એના ઉત્તરમાં એમણે લખેલું કે અણુયુદ્ધો ન થાય તો મારું સૌથી મહત્ત્વનું કાર્ય લેખી શકાશે, અણુયુદ્ધ થશે તો ગણિતનું મારું સંશોધન કોઈને માટે લાભદાયક નહીં નીવડે.”
પોતાનો જ અભ્યાસ પરમાણુ યુદ્ધના પરિણામે નિરર્થક નીવડશે તેવું તે લખી-બોલી શકતા. ધર્મ બાબતે પણ નિરર્થકતા કેવી રીતે માનવસમાજને જકડી લે છે તે વિશે પણ રસેલના વિચારોને ગગનવિહારી મહેતાએ લખ્યા છે. જેમાં તેઓ લખે છે : “ધાર્મિક વાતાવરણમાં ઊછર્યા છતાં 18 વર્ષની વયે એમણે નિર્ણય કર્યો કે ઈશ્વર નથી. કોઈકે પછીથી એમને જ્યારે પૂછ્યું કે સર્જનહારને મૃત્યુ પછી મળશો તો શું કહેશો? ત્યારે રસેલે ઉત્તર આપ્યો કે હું કહીશ : ‘હે ઈશ્વર. તારા અસ્તિત્વનું પ્રમાણ આટલું અપૂરતું કેમ રાખ્યું?’ ધર્મોથી માનવજાતિને એકંદરે લાભ કરતાં ગેરલાભ વધારે થયો છે એનો એમનો દૃઢ અભિપ્રાય હતો. આ ધર્મોમાં વિસંવાદ હોય છે એટલે એમાંનો એક જ સાચો હોઈ શકે એ સ્પષ્ટ છે પણ કયો એ કોણ કહી શકે?
આ ધર્મોને લીધે ઢોંગ, ધતિંગ, અંધશ્રદ્ધા, ક્રૂરતા ઉદભવ્યાં છે અને વધ્યા છે. ધર્મને નામે બુદ્ધિનો અનાદર થયો છે અને અસંખ્ય જુલમો થયા છે. ધર્મના મૂળમાં ભય છે – મૃત્યુનો અને અજ્ઞાતનો ભય. આ વિરાટ નિષ્ઠુર બ્રહ્માંડમાં એકાંતનો ડર.” ધર્મ વિશે રસેલના વિચારો આજના સમયમાં તો કોણ નકારી શકે? દરેક ધર્મની મર્યાદા આજે જ્યાં-ત્યાં દેખા દે છે અને આપણા દેશમાં ધર્મને લઈને થતી હિંસાની હવે કોઈ નવાઈ રહી નથી.
એવું નથી કે તેમણે ધર્મને ખારીજ જ કરી દીધો છે. રસેલ એક ઠેકાણે લખે છે : “ધર્મ અને કલા બ્રહ્માંડમાં માનવતા આણવા, સરજવા મથે છે – પહેલપ્રથમ મનુષ્યતા- માનવતા લાવીને. જેટલે અંશે ધર્મ જીવનમાં તપસ્યા લાવી શકે એટલે અંશે ધર્મને હું મૂલ્યવાન લેખું. ધર્મમાં આવી તપસ્યાનું તત્ત્વ ન હોય તો એ કેવળ બાલીશ રમકડું છે જે સાચા દેવોના સ્પર્શથી હણાઈ જાય. છતાં પણ સત્ય કરતાં ધર્મમાં તપસ્યાનું તત્ત્વ ઓછું છે.”
રસેલના ધર્મ અંગેના વિચારો વર્તમાન ભારતના પરિપ્રેક્ષ્યમાં જાણવા જોઈએ તેમ તેમના આપણા દેશની આઝાદીના લડત વખતે તેમના પ્રયાસો પર નજર કરવી જોઈએ. 1939માં જ્યારે તેઓ અમેરિકા જઈને વસ્યા ત્યારે તેમણે હિંદના સ્વરાજ અને સવિનય કાનૂનભંગ વિશે અમેરિકન લેખક પર્લ બક સાથે પત્રવ્યવહાર કર્યો હતો. તેમાં તેઓ લખે છે : “હિંદના નેતાઓ સાથે વાટાઘાટ કરવા વાસ્તે બ્રિટિશ સરકારને સમજાવવી જોઈએ પરંતુ જ્યાં સુધી વિન્સ્ટન ચર્ચિલ ઇંગ્લેન્ડના વડા પ્રધાન છે ત્યાં સુધી આ કરવું કઠણ છે. ભારતના નેતાઓએ પણ સવિનય કાનૂન ભંગની ચળવળ બંધ કરીને વાટાઘાટ કરવી જોઈએ. નેહરુ આ બાબતમાં કદાચ મદદરૂપ થઈ શકે. એ તો ભાગ્યે જ કહેવાની જરૂર હોય કે હિંદુસ્તાન પરરાજ્યની ધૂંસરીમાંથી તદ્દન વિમુક્ત થવું જોઈએ.”
આપણા દેશના સંબંધે બર્ટ્રાન્ડ રસેલના વિચારો અહીં જેમ ઉપયોગી થયા કે થાય એમ લાગે છે તેમ ભારત-ચીન યુદ્ધ વખતે તેમના વિચારો ભારતના વિરોધી રહ્યા હતા. 1962માં જ્યારે ભારત-ચીન યુદ્ધ થયું તે વખતે રસેલના જે વિચારો રહ્યા તે અંગે 1963માં ‘વિશ્વમાનવ’ સામાયિકમાં લેખક ભોગીલાલ ગાંધીએ લેખ લખ્યો હતો. તેનું મથાળું હતું : ‘બર્ટ્રાન્ડ રસેલ : અતિ તટસ્થતા અને અતિ શાંતિનું ભારણ?’આ મથાળું યોગ્ય લાગે તે રીતે તર્ક-તથ્યોથી ભોગીલાલ ગાંધીએ રસેલના વિચારોની મર્યાદા દર્શાવી આપી છે.
ભોગીલાલ ગાંધી લખે છે : “ચીને ભારતની હજારો ચો. મા. સરહદો દબાવ્યા પછી, નેફા-લદાખ ઉપર ગયા ઑક્ટોબરમાં હલ્લો કર્યો. ત્યારે, બીજા સૌ શાંતિવાદીઓ અને લોકશાહી સ્વાધીનતામાં શ્રદ્ધા ધરાવનારાઓની જેમ, રસેલ પણ આઘાત પામ્યા, તેમણે પોતે જ જણાવ્યું : તકરારી વિસ્તારમાં લડાઈ શરૂ થઈ ત્યારે, પ્રથમ તો, મને એવું લાગ્યું- પશ્ચિમના સૌને લાગ્યું હતું તેવું જ – કે ચીન સંપૂર્ણ રીતે વાંકમાં છે અને તેમણે જ આક્રમણ કર્યું છે. પરંતુ જોતજોતમાં, રસેલના આ અનુમાનમાં ફેરફાર થવા લાગ્યો અને ચીને એકપક્ષી શસ્ત્રવિરામ જાહેર કરી પાછા ફરવા માંડ્યું ત્યારે, જેઓ એ ઘટનાથી ડઘાઈ કે અંજાઈ ગયા હતા તેમાં રસેલ મુખ્ય હતા. તેમને ખાતરી થઈ ગઈ હતી કે ચીન પરમ શાંતિવાદી છે – એણે જગતને આખરી સર્વનાશમાંથી બચાવી લીધું છે.”
“રસેલ જેવા બુદ્ધિમાન પુરુષે આવું તારતમ્ય તારવતાં પૂર્વે શાથી એવો વિચાર નહીં કર્યો હોય કે ચીનનું ભારત ઉપરનું એકપક્ષી આક્રમણ પોતે જ એક ભયંકર યુદ્ધનું આહવાન હતું? તે જ રીતે, ક્યૂબામાં મિસાઈલ શસ્ત્રોનો ગુપ્ત રીતે પુરવઠો મોકલવાના રશિયાના પગલામાં જ વિશ્વશાંતિમાં સુરંગ મૂકનારું કાવતરું હતું? પહેલાં વિશ્વયુદ્ધની આગ સંકોરનારાઓએ જ પાછળથી ભયંકર પરિણામોની ભીતિથી પીછેહઠનું પગલું ભર્યું હોય તો તેથી એ આક્રમક મટી જતા નથી અને શાંતિવાદી ઠરતા નથી. એટલી સાદી વાત મહાચિંતક રસેલને શાથી ન સમજાઈ?” રસેલનું વ્યક્તિત્વ આવું જ હતું જ્યાં તેમની તીવ્ર બુદ્ધિશક્તિ સાથે તેઓ અભ્યાસથી માનવજાતને અદ્વિતીય દેન આપી અને સાથે વિવાદોમાં પણ રહ્યા. રસેલના વ્યક્તિત્વના વિવિધ રંગો તેમની 150મી જન્મશતાબ્દીએ જાણવા જેવા છે.