ગાંધીનગર: કેન્દ્ર સરકારના (Central Government) નાણા મંત્રાલય દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આયોજીત ‘રાષ્ટ્ર નિર્માણમાં કેન્દ્રીય જાહેર સાહસોના યોગદાન’ અંગેના પ્રદર્શન અને પરિષદનો મહાત્મા મંદિર (Mahatma Temple) ખાતે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમનની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો.
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહારાષ્ટ્રના સોલાપુર સ્થિત એનટીપીસી તથા કર્ણાટકના બેંગલુરુ સ્થિત ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડની વસાહતોનું ‘મિનિ સ્માર્ટ સિટી’ તરીકે વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું. આ મિનિ સ્માર્ટ સિટીમાં સ્થાપિત ૭૫૦ કિલોવૉટના સોલર પ્લાન્ટમાંથી કુલ જરૂરિયાતના ૩૪ ટકા વિજળી મેળવવામાં આવે છે. વીજળી બચત માટે એલઈડી લાઈટ્સ તેમજ એલઈડી સ્ટ્રીટ લાઈટ્સનો ઉપયોગ થયો છે. અન્ય સુવિધાઓમાં અત્યાધુનિક વાહન સ્કેનિંગ સિસ્ટમ, સ્પીડ નિયંત્રણ પોઈન્ટ, સુરક્ષા માટે સીસીટીવી કેમેરા, વગેરેનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમનને કહ્યું હતું કે રાષ્ટ્રના બહુઆયામી વિકાસમાં જાહેર સાહસોનું અમૂલ્ય યોગદાન છે. ભારત સંસ્થાન વાદી શાસનમાંથી આઝાદી મેળવ્યાના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે છેલ્લા ૭૫ વર્ષોમાં રાષ્ટ્રના વિકાસમાં સેવારત જાહેર સાહસોની પ્રગતિ દર્શાવવા માટે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આઝાદીના અમૃત મહોત્સવના આ ૭૫ અઠવાડિયા યોગ્ય સમય છે, જેમાં તમામ સંસ્થાઓને દેશના વિકાસમાં આપેલા યોગદાનને દર્શાવવાની તક મળી છે.
નાણા મંત્રી નિર્મલા સીતારમને વધુમાં કહ્યું હતુ કે, જાહેર સાહસોની શરૂઆત ખૂબ જ સ્પષ્ટ સમજણ સાથે કરવામાં આવી હતી કે લાંબાગાળાના રોકાણો સાથે માળખાકીય વિકાસમાં યોગદાન આપે. પરંતુ એ સમયે માત્ર વસાહતી શાસનમાંથી બહાર આવેલા દેશ માટે જ્યાં સુધી સરકાર પોતે રોકાણ અને ક્ષમતાઓનું નિર્માણ ન કરે ત્યાં સુધી લાંબા ગાળાના પ્રોજેક્ટ્સ શક્ય ન હતા. ૧૯૪૭થી જાહેર સાહસોની સફર શરૂ થઈ અને આજ સુધી ભારતીય અર્થતંત્રને ઊંચુ લાવવામાં અવિરત પોતાનું યોગદાન આપતા રહ્યાં છે. વૈશ્વિકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણને પરિણામે દેશના ઉદ્યોગ સાહસિકોને રાષ્ટ્રનિર્માણમાં પોતાનું યોગદાન આપવાની ઉત્તમ તક મળી હતી, ગુજરાત એ ઉદ્યોગસાહસિકો અને સાહસોની ભૂમિ છે જે ભારતની વિશેષતા હતી. વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટમાં જાહેર સાહસોને મુખ્ય ક્ષેત્રોમાં વિસ્તાર કરવા, સ્કેલીંગ અપ, વૈવિધ્યીકરણ રોકાણ અંગે પૂરતી તક આપવામાં આવી છે. આથી આજે જાહેર સાહસોની સંસ્થાઓ ખાનગી ક્ષેત્ર સાથે સ્પર્ધા કરી રહી છે અને વૈશ્વિક નામના મેળવી રહી છે.
આપણે વિકાસનાં નવાં ક્ષેત્રો જોવાની, કાર્યક્ષમતા વધારવાની જરૂર છે : મુખ્યમંત્રી
કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય દ્વારા દેશભરમાં ૬ થી ૧૨ જૂન દરમિયાન આઇકોનિક સપ્તાહની ઉજવણી અન્વયે યોજાઇ રહેલા આ પ્રદર્શન સાથે આત્મનિર્ભર ભારત માટે CPSEની ભૂમિકા વિષયક પરિષદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ દેશના જાહેર સાહસોને-પબ્લીક સેક્ટર એન્ટરપ્રાઇઝિસને દેશની પ્રગતિ અને વિકાસ માટે સહિયારા પગલા ભરવાની પ્રેરણા આપશે. આઝાદીના અમૃત મહોત્સવની પાંચ થીમ, ફ્રિડમ સ્ટ્રગલ, આઇડિયાઝ 75, રીસોલ્વ 75, એક્શન 75 અને એચિવમેન્ટ 75 તે બધી જ થીમ CPSEs અને PSEs સાથે સુસંગત રીતે જોડાયેલી છે. આવા પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ દેશમાં પ્રાથમિક ક્ષેત્રથી માંડીને સેવા ક્ષેત્રમાં યોગદાન આપી વિકાસની ગતિ, આત્મનિર્ભરતાની દિશા વધુ તેજ બનાવે છે. આપણે વિકાસના નવા ક્ષેત્રો જોવાની, કાર્યક્ષમતા વધારવાની જરૂર છે, જ્યાં આપણે વેબ ૩, ઔદ્યોગિક ક્રાંતિ ૪.૦, ડીપ ડેટા, ડીપ ટેક્નોલોજીથી લાભ મેળવી શકીએ છીએ.