ઘણા યુવા અને વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ યુઝ એન્ડ થ્રો નીતિના ભોગ બન્યા. હમણાં ગુજરાતના યુવા નેતા હાર્દિક પટેલ તેના શિકાર બન્યા (અને બીજા પણ શિકાર બનતા જશે તેમ લાગે છે) ડૂબતા જહાજમાંથી કોણ કુદકો ન મારે ! કોંગ્રેસ પક્ષને વધુ નુકસાન ભોગવું પડશે એ ખબર હોવા છતાં પરિવારવાદી પાર્ટીને પેટનું પાણી ન હલે તે સ્વાભાવિક છે. અને ગર્વ (?) થી કહેવાય છે કે જેને જવું હોય તે જાય, આ અહમ નથી તો શું છે ? કોંગ્રેસની આ નીતિથી વધુ રાજકિય નુકસાન સરવાળે થવાનું છે જયારે ભાજપને નહીં નફો નહીં નુકસાન જેવું થશે.
કાચિંડા જેમ રંગો બદલતા હાર્દિક પટેલને શું પદ આપવું તે નડ્ડા- શાહ- મોદીની જોડીએ વિચારી રાખ્યું હશે (જેથી પાર્ટીમાં જ હો-હા ન થાય) આ રાજકિય ત્રિપુટી નિષ્ણાત છે. બાકી અનામત આંદોલન ખપ્પરમાં જે નવલોહિયા સમાજના યુવાનોનો ભોગ લેવાયો તેની શહિદી એળે ગઇ તે આપને શું નથી લાગતું? પાટીદાર સમાજને શું તમે દ્રોહ કર્યો તેમ નહીં લાગે? આનો યોગ્ય જવાબ જનતાને આપવો જ પડશે. તમારી વધારે પડતી મહત્ત્વાકાંક્ષાઓ માટે નવી પાર્ટીમાં ખૂબ ‘સેવા’ કરવી પડશે. કોંગ્રેસની જેમ ‘મેવા’ ખાવા નહીં પડે. બાકી તો તમે તો કવિ કલાપીના કાવ્યની પંકિત સાર્થક કરી. ‘જે પોષતું તે મારતું શું એ જ ક્રમ નથી કુદરતી.
અમદાવાદ – અરૂણ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.