સુરત : કતારગામમાં (Katargam) રહેતા એક યુવકને યુવતીના પરિવારજનોએ (Family) સગાઇ (Engagement) માટે ના પાડી દીધા બાદ પણ યુવક યુવતીની સાથે વાત કરતો હોવાની શંકા રાખીને તેની ઉપર ચપ્પુ (Knife) વડે હુમલો (Attack) કરવામાં આવ્યો હતો. પોલીસે (Police) હુમલો કરનાર યુવતીના ભાઇની સામે ગુનો નોંધ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મુળ બનાસકાંઠાના વતની અને સુરતમાં કતારગામમાં હરીઓમ સોસાયટીમાં શિવદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા પીરાભાઇ શંકરભાઇ પ્રજાપતિના પુત્ર પાર્થ ઉર્ફે કાળિયાની સગાઇની વાત કતારગામ દરવાજા પાસે સાંઇ કોમ્પલેક્ષમાં રહેતા જીતુભાઇ હરચંદભાઇ પ્રજાપતિની બહેનની સાથે થઇ હતી. પરંતુ જીતુ પ્રજાપતિ અને તેમના પરિવારે પાર્થને સગાઇ માટે ના પાડી દીધી હતી. ત્યારબાદ પણ પાર્થ અને જીતુની બહેન એકબીજા સાથે વાત કરતા હોવાની શંકા રાખીને પાર્થને કતારગામ માધવાનંદ આશ્રમ પાસે શ્રીનાથજી હોમ ડેકોર નામની દુકાન નજીક બોલાવીને તેને બગલની નીચેના ભાગે ચપ્પુના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરાયો હતો. ગંભીર હાલતમાં પાર્થને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઇ જઇને સારવાર આપવામાં આવી હતી. આ બાબતે જીતુ પ્રજાપતિની સામે કતારગામ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
‘આજે તારા મિત્રોના કારણે બચી ગયો, ફરી આવશે તો મારી નાખીશું’
ઉમરગામ : યુવતીને મોટર સાયકલ પર બેસાડી મોડી રાત્રે સરીગામ મુકવા ગયેલા યુવાનને યુવતીના પિતા-માસી સહિત ત્રણ જણાએ માર માર્યોના બનાવની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવા પામી છે. પ્રાપ્ત પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ગતરોજ ઉમરગામ તાલુકાના તલવાડા બ્રાહ્મણ ફળિયામાં રહેતા ફરિયાદી અક્ષય બાબુભાઈ વારલીને સરીગામમાં રહેતી એક યુવતીએ ફોન કરી સગાના લગ્નમાં બોલાવતા તે લગ્નમાં ગયો હતો. લગ્નમાં તેના મિત્રો પ્રિતેશ તથા નિકિત પણ આવ્યા હતા. ત્યારબાદ યુવતીએ નગવાસ ખાતે રહેતા સગાના ઘરે પણ લગ્ન પ્રસંગમાં સાથે લઈ જવાનું કહેતા ત્યાં પણ ગયો હતો અને ત્યાંથી રાત્રે સવા બારેક વાગ્યે આ યુવતીને મોટરસાયકલ ઉપર સરીગામ મુકવા આવ્યો હતો. તે વખતે યુવતીના પિતા દિલીપભાઈ કાકડભાઈ (રહે તલવાડા બ્રાહ્મણ ફળિયું) અને માસી સીમાબેન દિનેશભાઈ અને અજય દિનેશ સરીગામ ત્રણ રસ્તા પાસે ઉભા હતા. તેઓએ અક્ષયને જાનથી મારી નાખવાની ધમકી આપી માર માર્યો હતો અને ‘આજે તારા મિત્રોના કારણે બચી ગયો છે. ફરી આ રીતે આવશે તો જાનથી મારી નાખીશું’, એમ કહીને ત્યાંથી ચાલી ગયા હતા.
ફરિયાદી અક્ષયને તેના મિત્રો મોટર સાઈકલ ઉપર બેસાડી ઘરે લઇ ગયા હતા. જોકે શરીરે દુખાવો થતો ભીલાડ સરકારી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કર્યા બાદ આ બનાવ સંદર્ભે અક્ષય વારલીએ ભીલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.