Entertainment

ફિલ્મના વિષય નહીં, તેના પરિણામથી મતલબ છે : સોનાલી સેગલ

‘પ્યાર કા પંચનામા’ સોનાલી સેગલની પહેલી જ ફિલ્મ અને સફળ ગઇ, ત્યારથી તે ઘણાની નજરમાં વસી છે. ‘વેડિંગ પુલાવ’ ‘પ્યાર કા પંચનામા – 2’, ‘હાઇજેક’, ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’, ‘જય મમ્મી દી’ જેવી ફિલ્મો પછી ‘બ્લેક કરન્સી’, ‘બુંદી રાયતા’ સહિત પાંચેક ફિલ્મોમાં આવી રહેલી સોનાલી સેગલ પરદા પર સારા કામ કરવામાં માને છે. ત્રણેક વેબ સિરીઝ અને મ્યુઝિક વિડીયોમાં કામ કરી ચૂકેલી સોનાલી મૂળ કોલકાતાની છે અને સફળતાના પોતાના રસ્તા શોધી રહી છે. આ ઇન્ટરવ્યુમાં તેણે સ્પર્ધાભાવથી મુકત રહી પોતાની ટેલેન્ટને આધારે કારકિર્દી ઘડવાની વાત કરી છે.

પ્ર : તમે નાની કહેવાય એવી અને કોમેડી ફિલ્મથી આરંભ કર્યો અને તે સફળ ગઇ એટલે પછી તમને કોમેડી ફિલ્મો મળવા માંડી. શું ‘પ્યાર કા પંચનામા’ને તમે પર્ફેકટ લોન્ચિંગ ફિલ્મ માનો છો?
સોનાલી સેગલ : એ ફિલ્મ આટલી સફળ જશે તે વિચાર્યુ ન હતું અને હું તે વિશે શ્યોર પણ ન હતી. મારી સાથે બધા જ નવા કલાકારો હતા અને નવા જ દિગ્દર્શક હતા, પણ ‘પ્યાર કા પંચનામા’ એક સકસેસફૂલ ફિલ્મ બની ગઇ. આજે પણ લોકો મળે તો એ જ ફિલ્મને પહેલા યાદ કરે છે. જે નવા આર્ટિસ્ટ હોય તેને ફ્રેન્ચાઇઝ કરવા મળે, એવું ન બને પણ એ ફિલ્મની સિકવલ બની. તો મારા માટે તો એ પર્ફેકટ લોન્ચિંગ ફિલ્મ જ હતી.

પ્ર : તમે ફિલ્મી કુટુંબના નથી, તો તમે કોની પાસેથી સલાહ લો છો?
સોનાલી સેગલ : મારી મમ્મી પાસેથી. તેને ફિલ્મજગતની ખબર નથી પણ છતાં મા છે, તો આખી વાતનો મર્મ સમજી સલાહ આપે છે ને મા કયારેય ખોટી ન હોય શકે. બીજું કે હું અધ્યાત્મમાં માનું છું અને બ્રહ્માંડની શકિતમાં વિશ્વાસ છે. એટલે તે પણ મને નિર્ણય લેવામાં મદદ કરે છે કે સામે 10 ઓફર હોય તો કઇ વધુ સારી છે. હું હવામાં ઉડવામાં નથી માનતી.
પ્ર : તમે ટોપ સ્ટાર સાથે હજુ કામ નથી કર્યું. તો કોની સાથે કામ કરવાની ઇચ્છા છે?
સોનાલી સેગલ : મારી ઇચ્છા સારા એકટર સાથે કામ કરવાની છે. નવાઝુદ્દીન સિદ્દિકી સાથે ‘બ્લેક કરન્સી’માં કામ કરું છું ને તેઓ વંડરફૂલ એકટર છે. બાકી મારી ઇચ્છાના એકટર્સ તો ઘણા છે. રણબીર કપૂર, તબુ જેવા ઘણા સાથે કામ કરવું છે.

પ્ર : અભિનેત્રીઓના જુદા જુદા ઝોન છે. કેટરીના કૈફ જેવી એકટ્રેસ સલમાન, શાહરૂખ સાથે કામ કરવું પસંદ કરે છે તો કંગના, તાપસી સ્ત્રીકેન્દ્રી ફિલ્મોમાં કામ કરે છે. તમે કયો અભિગમ પસંદ કરો?
સોનાલી સેગલ : કેટરીના હોય યા કંગના, તાપસી પોતાને મળતી તક પ્રમાણે કામ કરે છે. મારે સારો અભિનય કરવા મળે એવી ફિલ્મો કરવી છે. મને ‘હેટ સ્ટોરી’ ફિલ્મ મળતી હતી મેં ના પાડેલી, કેટલીક ફિલ્મોમાં કામ કરો પછી જ આપણો રસ્તો વધારે સ્પષ્ટ થાય છે.
પ્ર : તમારી જે પાંચેક ફિલ્મ આવે છે, તે ફિલ્મો કયા કયા કારણે તમે પસંદ કરી છે?
સોનાલી સેગલ : દરેક ફિલ્મના અલગ સબ્જેકટ છે. કોઇ હોરર છે, કોઇ કોમેડી છે. મને એ બધી જ ફિલ્મોના પરિણામ કેવા આવશે તેની ઉત્તેજના છે.

પ્ર : તમારી સામે દિપીકા પાદુકોણ, આલિયા ભટ્ટથી માંડી કિયારા અડવાણી, અનન્યા પાંડે સહિતની એકટ્રેસ છે તો કેવી સ્પર્ધા અનુભવો છો?
સોનાલી સેગલ : મને એવી સ્પર્ધા નથી અનુભવાતી. આમાંથી વધારે સારુ લાગે છે. હાર્ડવર્કિંગ એકટ્રેસ મને ગમે છે. સ્પર્ધાને પોઝીટીવલી જોવી જોઇએ.
પ્ર : ઘણાને પોતાની ફિલ્મો OTT પ્લેટફોર્મ પર રજુ થાય તે નથી ગમતું. થિયેટર રિલીઝ જ તેમની પસંદ હોય છે. તમે શું ઇચ્છો છો?
સોનાલી સેગલ : OTT હોય કે થિયેટર જ્યાં ફિલ્મ ચાલે, ત્યાં મને સારું લાગે છે. મારી ‘જય મમ્મી દી’ થિયેટરમાં સારી ન ચાલી અને OTT પર ચાલી. એટલે હું તો ફિલ્મોમાં કામ કર્યા પછી ભગવાન પર છોડી દઉં છું. •

Most Popular

To Top